Thu Aug 20 2026

Logo

થાણેમાં આઇવીએફ રૅકેટ: પીડિતાઓ માટે બોગસ દસ્તાવેજો બનાવી આપનાર જળગાંવના ઇલેક્ટ્રિશિયનની ધરપકડ...

2026-03-06 17:57:14
Author: Yogesh D. Patel
Article Image

થાણે: થાણે જિલ્લામાં ગરીબ મહિલાઓને લક્ષ્ય બનાવતા ઍગ ડૉનેટના રાજ્યવ્યાપી રૅકેટની તપાસ કરી રહેલી પોલીસે જળગાંવના ઇલેક્ટ્રિશિયનની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ સતીષ ચૌધરી તરીકે થઇ હોઇ તે આર્થિક રીતે નબળી મહિલાઓ માટે બનાવટી દસ્તાવેજો બનાવી આપતો હતો, જેનો ઉપયોગ મહિલાઓની ઓળખ છુપાવવા માટે કરાયો હતો. સતીષની ધરપકડ સાથે આ કેસમાં પકડાયેલા આરોપીઓની સંખ્યા હવે સાત થઇ છે.

પોલીસે આ સપ્તાહની શરૂઆતમાં નાશિકના ડેન્ટિસ્ટની ધરપકડ કરી હતી. ડેન્ટિસ્ટ ડૉ. અમોલ પાટીલ નાશિકમાં ‘મલ્ટિ આઇવીએફ સેન્ટર’ ચલાવતો હતો, જ્યાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલી રહી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.થાણે જિલ્લાના બદલાપુર વિસ્તારમાં ઍગ ડૉનેટના રૂપિયા આપવામાં આવ્યા ન હોવાની ફરિયાદ એક મહિલાએ કર્યા બાદ આ રૅકેટ પ્રકાશમાં આવ્યું હતું. પોલીસે બાદમાં મુખ્ય સૂત્રધાર સુલક્ષણા ગાડેકરના નિવાસે દરોડા પાડ્યા હતા, જ્યાં હોર્મોનલ ઇન્જેક્શન મળી આવ્યાં હતાં.

પોલીસના જણાવ્યા અનુસાર મોબાઇલ ફોનમાંથી જપ્ત કરાયેલા ડૅટા સૂચવે છે કે ડૉનેટ માટે ગરીબ નિર્બળ મહિલાઓને મનાવી લીધા બાદ તેમને સર્કલ દીઠ પચીસ હજારથી 30 હજાર રૂપિયા આપવામાં આવતા હતા. બાદમાં વારંવાર ઍગ ડૉનેટ માટે તેમનો ઉપયોગ કરવામાં આવતો હતો. મહિલાઓને આઇવીએફ સેન્ટરોમાં લઇ જવાતી હતી, જ્યાં સર્જરી કરીને ઍગ કાઢી લીધા બાદ તેને લાખો રૂપિયામાં વેચવામાં આવતા હતા. 

દરમિયાન ઉલ્હાસનગરમાં ભગવાન હોસ્પિટલના એક સોનોગ્રાફી સેન્ટરને નિયમોનું ઉલ્લંઘન કરવા અને અક્ષિક્ષિત લોકોને સ્કૅન કરવા માટે મંજૂરી આપવા બદલ પાલિકાના કર્મચારીઓએ સીલ કર્યું હતું. અગાઉ આ હોસ્પિટલની નર્સની ધરપકડ કરવામાં આવી હતી.