મુંબઈ: થાણેની કોર્ટે પાકિસ્તાની નાગરિકોને યુદ્ધ જહાજો તેમ જ સબમરીન વિશેની માહિતી પૂરી પાડવા બદલ પકડાયેલા જુનિયર સર્વિસ એન્જિનિયરને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે નૌકાદળના સંસ્થાનો સંબંધિત ગુનો ગંભીર સ્વરૂપનો છે.
આ મહિનાની શરૂઆતમાં આપવામાં આવેલા આદેશમાં એડિશનલ સેશન્સ જજ વી.જી. મોહિતેએ નોંધ્યું હતું કે આરોપી સામેના આરોપો માટે તેને 14 વર્ષની જેલ થઇ શકે છે.
આરોપી રવિ વર્મા નેવલ ડોકયાર્ડ, મઝગાંવ ડોકર્યાડ, કોસ્ટ ગાર્ડ, મુંબઈ પોર્ટ ટ્રસ્ટને સેવાઓ પૂરી પાડતી ક્રાસ્ની ટેક્નોલોજી પ્રાઇવેટ લિમિટેડમાં કાર્યરત હતો અને 28 મે, 2025ના રોજ વર્માની ધરપકડ કરવામાં આવી હતી. થાણેના કલવા વિસ્તારનો રહેવાસી વર્મા હાલ જુડિશિયલ કસ્ટડીમાં છે.
તપાસકર્તાપક્ષે આરોપ લગાવ્યો હતો કે નવેમ્બર, 2024 અને માર્ચ, 2025 દરમિયાન વર્માએ રૂપિયાના બદલામાં બે પાકિસ્તાની નાગરિકને ભારતીય નૌકાદળના જહાજો અને બોટના નામ અને લોકેશન વિશેની ગુપ્ત અને સંવેદનશીલ માહિતી વ્હૉટ્સઍપ દ્વારા પૂરી પાડી હતી.
વર્મા વિરુદ્ધ ઓફિશિયલ સિક્રેટ એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 61 (2) (ગુનાહિત કાવતરું) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.વર્મા જામીન અરજીમાં દાવો કર્યો હતો કે તે નિર્દોષ છે અને તેને આ કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. તેણે કહ્યું હતું કે તપાસ પૂરી થઇ છે અને આરોપનામું પણ દાખલ કરાયું છે.
તપાસકર્તા પક્ષે જણાવ્યું હતું કે વર્માએ પોતાના બૅંક અકાઉન્ટની માહિતી ફરાર આરોપીને આપી હતી, જેણે બાદમાં વર્માના અકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.
વર્માને જામીન પર મુક્ત કરવામાં આવે તો તે તપાસકર્તા પક્ષના સાક્ષીદારોને નુકસાન પહોંચાડી શકે છે એ પુરાવા સાથે ચેડાં કરી શકે છે તેમ જ પોતે પણ ફરાર થઇ શકે છે. આથી તેની જામીન અરજી નામંજૂર થવી જોઇએ. (પીટીઆઇ)