Sun May 31 2026

Logo

થાણેમાં ૧૮૦ ઘરના રસોડા બંધ રહ્યા

2026-05-31 20:54:05
Author: Sapna Desai
Article Image

જેસીબી કાર્યવાહીમાં મહાનગર ગૅસ પાઈપલાઈનમાં ભંગાણ રેસિડેન્શિયલ પુરવઠો ખોરવાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે
: થાણે વેસ્ટમાં અંબિકા નગરમાં ડ્રેનેજ પાઈપલાઈનના ચાલી રહેલા કામ દરમ્યાન મહાનગર ગૅસ પાઈપલાઈનને જેસીબીનો ધક્કો લાગતા પાઈપલાઈન ફૂટી ગઈ હતી અને તેને કારણે ગૅસ પુરવઠો ખોરવાઈ ગયો હતો.
થાણે ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ અંબિકા નગર એકમાં લુઈસવાડીમાં  પાઈપલાઈન રોડ પર માતોશ્રી સોસાયટી નજીક યશ ઈન્ફ્રા ક્ધસ્ટ્રકશન મારફત ડ્રેનેજ લાઈનનું કામ ચાલી રહ્યું હતું ત્યારે જેસીબીનો ધક્કો લાગવાથી મહાનગર ગૅસ પાઈપ લાઈન ફૂટી ગઈ હતી અને ગૅસ ગળતર થવા માંડ્યું હતું.

બપોરના લગભગ પોણા ત્રણ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી, જેમાં ગૅસ પાઈપલાઈનમાં ભંગાણ પડવાથી પાઈપલાઈનથી થતો ગૅસ પુરવઠો ખોરવાઈ ગયો હતો. મહાનગર ગૅસ પાઈપલાઈનના કર્મચારીએ તાત્કાલિક પાઈપલાઈનનો મુખ્ય વાલ્વ બંધ કરી દીધો હતો. યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું.

આ ઘટનાને પગલે લુઈસવાડી પરિસરમાં ૧૮૦ ગ્રાહકના ઘરમાં ગૅસ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. પાઈપલાઈનનું સમારકામ રવિવારે મોડી સાંજે  ગૅસ પુરવઠો પૂર્વવત્ કરવામાં આવ્યો હોવાનું મહાનગર ગૅસ કંપનીએ જણાવ્યું હતું.