અમદાવાદ: ગુજરાતમાં નશાના વધતા કારોબાર સામે કેન્દ્રીય અને રાજ્યની તપાસ એજન્સીઓએ લાલ આંખ કરી છે. વર્ષ 2025 દરમિયાન હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં રાજ્યભરમાંથી કુલ 2240 કરોડ રૂપિયાની કિંમતનું સિન્થેટિક ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું. આ વર્ષે ડ્રગ્સના નેટવર્કને તોડવા માટે એજન્સીઓએ દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ધમધમતી અડધો ડઝન જેટલી ગેરકાયદે ફેક્ટરીઓ પર દરોડા પાડી ડ્રગ્સના ઉત્પાદન પર પસ્તાળ પાડી હતી. પોલીસ અને એટીએસની કાર્યવાહીને કારણે આ વર્ષે ૨૦,૮૨૩ કિલો જેટલો જંગી જથ્થો પકડી લેવામાં આવ્યો હતો.
દસ વર્ષમાં ૧૩ હજાર કરોડથી વધુનો મુદ્દામાલ
છેલ્લા એક દાયકાના આંકડાઓ પર નજર કરીએ તો, ગુજરાતમાં ડ્રગ્સ વિરોધી અભિયાન વધુ તેજ બન્યું છે. છેલ્લા ૧૦ વર્ષમાં એજન્સીઓએ કુલ ૧.૭૪ લાખ કિલો સિન્થેટિક ડ્રગ્સ પકડી પાડ્યું છે, જેની બજાર કિંમત ૧૩,૯૩૯ કરોડ રૂપિયાથી વધુ હોવાનું અંદાજવામાં આવ્યું છે.
વર્ષ ૨૦૨૪ની સરખામણીએ ૨૦૨૫માં કામગીરીમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ૨૦૨૪માં ૫૮૮ કેસ નોંધીને ૧૪૭૯ કરોડનું ડ્રગ્સ જપ્ત કરાયું હતું, જેની સામે ૨૦૨૫માં કુલ ૯૮૦ કેસો કરીને ડ્રગ્સ માફિયાઓની કમર તોડી નાખવામાં આવી છે. પકડાયેલા જથ્થામાં હેરોઈન, મોર્ફિન અને મેથએમ્ફેટામાઇન જેવા જીવલેણ ડ્રગ્સનો સમાવેશ થાય છે.
તપાસમાં સામે આવ્યું છે કે ગુજરાતના વિશાળ દરિયાકાંઠેથી ડ્રગ્સની ઘૂસણખોરી કરી તેને અન્ય રાજ્યો અને દેશોમાં મોકલવામાં આવે છે. જોકે, ગાંધીધામ પાસેથી અગાઉ પકડાયેલા કરોડોના ડ્રગ્સના મૂળ સુધી પહોંચવામાં એજન્સીઓને હજુ પણ પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં ગુજરાત પોલીસ, ડીઆરઆઈ (DRI) અને એનસીબી (NCB) જેવી સંસ્થાઓ સંયુક્ત રીતે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કાર્ટેલને નેસ્તનાબૂદ કરવા માટે સક્રિયપણે કાર્ય કરી રહી છે.