Mon Oct 05 2026

Logo

અરાઉન્ડ ધ વર્લ્ડઃ હોફસ્ટેટેનમાં સ્વિસ ગાય વચ્ચે હાઇકની મજા...

2026-09-19 07:52:00
Author: Pratiksha Thanki
અરાઉન્ડ ધ વર્લ્ડઃ હોફસ્ટેટેનમાં સ્વિસ ગાય વચ્ચે હાઇકની મજા...

 

પ્રતીક્ષા થાનકી

આખો દિવસ સ્વિસ આલ્પ્સમાં ગાયોના ગળે બાંધેલી ઘંટડીઓ સાંભળવામાં ગજબની શાંતિ મળતી હતી. જોકે એ શાંતિ માટે સ્વિત્ઝરલેન્ડ જવું જરાય ફરજિયાત નથી. કોઈ પણ દેશમાં સારા વેધરમાં લીલોતરી વચ્ચે કે જંગલમાં કુદરતની વચ્ચે શાંત મગજ અને કોઈ હડબડી વિનાના પ્લાન સાથે એટલી જ મજા કરી શકાય, પછી તે યુરોપનું, ભારતનું કે ઉત્તર કે સાઉથ અમેરિકાનું ગામડું હોય કે ન્યૂ ઝિલેન્ડનાં ખેતરો.

 કોઈ કારણસર વેધર આજકાલ ખાસ ભરોસાપાત્ર રહ્યું નથી પણ છતાંય જ્યારે જિંદગી મોકો આપતી કે રજાઓ લેવાનો મેળ પડી જતો, ત્યારે એવી કોઈ જગ્યા તો મળી જ જતી હતી. ગયા વર્ષની દિવાળી પર અમે ચારેય અમદાવાદથી આબુ કે મુંબઈથી માથેરાન નીકળ્યાં હોઈએ એવી રીતે સ્વિસ આલ્પ્સમાં પહોંચી ગયાં હતાં. એ પણ વેધર સાં નથી એ માહિતી સાથે. જ્યારે રજા હોય અને પ્લાન હોય ત્યારે જ વેધર ખરાબ હોય તે પણ ક્યારેક મર્ફીનાં લો જેવું બની જતું હોય તેવું લાગે. ત્યારે જર્મન કહેવત ખાસ યાદ આવે, વરસાદ કે સ્નોમાં બહાર નીકળતાં અચકાવું નહીં, આપણે કંઈ ખાંડનાં નથી બનેલાં. 

લાસ્ટ મિનિટ હોવા છતાં બ્રિએન્ઝમાં એક મજાનો હોલિડે એપાર્ટમેન્ટ મળી ગયો હતો. બરાબર પહાડો વચ્ચે ઢોળાવો પર વસેલા ગામડામાં બે-ત્રણ દિવસ બીજે ક્યાંય જઈ ન શકાય તો પણ બસ ગાયો, ઘેટાં અને ખેતરોની કેડીઓ અને પહાડી ટે્રક વચ્ચે ફર્યા કરીશું એમ વિચારીને અમે ત્યાં પહોંચી જ ગયેલાં. અમારો એપાર્ટમેન્ટ બ્રિએન્ઝ પાસેના તેનાથી પણ વધુ નાનકડા ગામ હોફસ્ટેટેનમાં હતો. 

હોફસ્ટેટેનમાં ગણીને દસ-પંદર ઘરો હતાં અને દરેકની બહાર મોટાં ખેતરો. અમે લુસર્નથી સીધાં ત્યાં પહોંચેલાં. હજી સનસેટ થયો ન હતો.રસ્તામાં ક્યાંય રોકાવાને બદલે અમે ત્યાં જ એક્સ્પ્લોર કરવા માટે સજ્જ હતાં. અહીં જર્મની કરતાં વધુ ઠંડી હતી. સામાન એપાર્ટમેન્ટમાં મૂકી અમે વધુ એક જેકેટ ચડાવીને ચાલવા બહાર નીકળી પડ્યાં.

બ્રિએન્ઝ અને હોફસ્ટેટેન પણ ખ્યાતનામ ઇન્ટરલાકેનની મ્યુનિસિપાલટીમાં હતું અને બર્નની કેન્ટોનનો ભાગ હતું. આ રિજનની મજા એ હતી કે દરેક ખૂણો યશ ચોપડાની ફિલ્મોનો ભાગ હોય તેવું લાગતું હતું. ગયા વર્ષે વધુપડતા વરસાદમાં બધું જ ગ્રીન હતું. આ વર્ષના ઉનાળા પછી તો ત્યાં છેલ્લા ઘણા મહિનાઓથી `ફાયર બેન' હતું. એટલે કેમ્પિગ પર નીકળેલાં લોકોએ કે પછી જંગલ સાથે જોડાયેલાં ગાર્ડનોમાં લોકોને ગ્રિલ માટે પણ આગ લગાડવાની મનાઈ હતી. 

આ રિજનમાં જંગલમાં નાના વિસ્તારોમાં એમ જ આગ લાગી જતી હતી. ગામમાં એક લટાર સાથે જ સ્પષ્ટ થઈ ગયું હતું કે અહીં મોટાં ભાગનાં ઘરો હોલિડે એપાર્ટમેન્ટમાં ફેરવાઈ ચૂક્યાં હતાં. સ્થાનિક છાપાંએ એ પણ દેખાડી દીધું કે અહીં લોકોને સેક્નડ હોમ કે હોલિડે હોમ બનાવવા માટે સ્વિસ સરકાર તરફથી ખાસ સપોર્ટ પણ મળતો હતો. 

હાલમાં દુનિયામાં જે ઊથલપાથલ ચાલી રહી છે તેની યુરોપ પર પણ ઘણી અસર પડી છે. તેમાંની સૌથી મોટી ઇફેક્ટ એ છે કે જર્મનીનાં મૂળ જર્મન નાગરિકોની સ્વિસ સિટીઝનશિપ માટે એપ્લાય કરવાની સંખ્યા વધી ગઈ છે. 

જર્મન અને સ્વિસ લાઇફમાં તો ખાસ ફરક નથી પણ ટેક્સ અને પોલિટિક્સમાં ફરક જરૂર છે. ગામ ભલે સાંજે ખેતર તરફથી પાછી લાઈનમાં જઈ રહેલી ગાયોની ઘંટડીઓથી રણકતું હોય, છેલ્લાં બે-ત્રણ વર્ષથી દુનિયામાં જે ચાલી રહ્યું છે તે વિષયો સાવ મગજમાં અને વાતોમાં આવ્યા વિના તો રહે જ નહીં. જોકે થોડી જ વારમાં વાતાવરણ વધુ પડતું મજેદાર અને હિપનોટિક બની ગયું હતું. એપાર્ટમેન્ટ પરથી અમે લોકલ હાઇક્સના મેપ જોઈ લીધા હતા. થોડા ઢોળાવો સાથે અમે એક મજાના વ્યૂ સુધી પહોંચી ગયેલાં.

બીજા દિવસે અમારે ઝેરમાટ જઈને મેટરહોર્ન જોવાનો પ્રયત્ન કરવાનો હતો. તે પછીના દિવસે ઇન્ટરલાકેનના યશ ચોપડા સ્ટેચ્યૂ જવાનું હતું. આ પ્લાન વચ્ચે હોફસ્ટેટેનની સૌથી મહત્ત્વની ત્રણ હાઇકમાંની એક તો અમારે તે સાંજે જ પૂરી કરવી પડે તેવું હતું. અમે 45 મિનિટની સૌથી નાની સર્કિટ લીધી. તેમાંય ધીમે ધીમે ગપ્પાં મારવા સાથે ફોટા પાડવામાં તે 45 મિનિટની હાઇક જોતજોતામાં દોઢ કલાકની બની ગઈ હતી. 

આ હાઇક પર આઇસ્ટેલેનબાખના રસ્તે હોર્સ ફાર્મ વચ્ચેથી પસાર થયાં. જરા ઊંચાઈથી લેક બ્રિએન્ઝની ઝલક પણ દેખાઈ ગઈ. રસ્તામાં પાછાં આવતાં આલફ્રેડોનાં પિત્ઝેરિયાથી જમવાનું સાથે લઈને આવ્યાં. બધી તરફ સ્વિસ વાઇબમાં બીજા દિવસે સવારે બેસતા વર્ષના ફોન કોલ્સ પણ ત્યાં ઠંડીમાં બાલ્કનીમાંથી કરવાના થયા. 

હજી ઝેરમાટ તરફ જવાની વાર હતી. એટલે પહેલાં તો અમે સવારે ફરી અલગ દિશામાં એક લટાર મારી. સવારમાં કોઈ ગાર્ડનના ચિકન કૂપમાં એક લેડી એગ્સ લેવા ઘૂસેલી, બહાર ટમેટા ઊગેલાં, બીજી તરફ એક મોટા ખેતરમાં ગાયો હતી. ગાયોની નજીક ગયાં ત્યાં એ પણ ફેન્સની નજીક આવીને જાણે અમારી સાથે વાતો કરવા માગતી હોય એમ અવાજો કરવા લાગી. તેમના ગળામાં બાંધેલી ઘંટડીઓ તો રણકતી જ હતી.

તળેટીમાં આ રિજનની ગાયોની હિસ્ટ્રી અને લોકલ પ્રોડક્ટની વાત કરતું ટ્રાઉફર મ્યુઝિયમ અમને તેમના વિષે વધુ સમજ આપી ગયું. ત્યાં જ જાણવા મળ્યું કે સ્વિત્ઝરલેન્ડમાં 12 માણસ દીઠ એક ગાય છે. એટલે જોવા જાઓ તો આખા ટચૂકડા દેશમાં સાતેક લાખ જેટલી ગાયો છે. એટલે સ્વાભાવિક છે ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં ગાયોનાં ઝુંડ દેખાયા કરે છે. અને મોટાભાગની ગાયોને પરિવારના સભ્ય જેવી ટ્રીટમેન્ટ મળે છે, તેને મજાનું નામ પણ આપવામાં આવે છે. હજી ગાયોના પ્રકારો અને તેમના ઇતિહાસ વિષે વધુ માહિતી મેળવવા માટે અમારે ત્યાં પાછું જવું પડે તેમ હતું. સ્વિત્ઝરલેન્ડની ગાયોના પ્રેમમાં ન પડવાનું અશક્ય છે.