Sun Aug 23 2026

Logo

ગુજરાતના એક તરફ લઠ્ઠાકાંડ, તો બીજી તરફ સુરતમાં 178 દારૂની બોટલ સાથે 72 વર્ષીય વૃદ્ધા ઝડપાઈ!

2026-08-22 17:07:39
Author: Devayat Khatana
Article Image

સુરત: ગુજરાતમાં એક તરફ ભાવનગરમાં ગંભીર લઠ્ઠાકાંડની ચર્ચા છે, તો બીજી તરફ રાજ્યમાં દારૂનો કાળો કારોબાર અટકવાનું નામ નથી લઈ રહ્યો. બુટલેગરો અને વેપારીઓ બેફામ બનીને દારૂનું વેચાણ કરી રહ્યા છે. આવા સમયે સુરતની સચીન જીઆઈડીસી પોલીસે એક સપાટો બોલાવીને એક ૭૨ વર્ષીય વૃદ્ધાને વિદેશી દારૂ અને બિયરના મોટા જથ્થા સાથે ઝડપી પાડી છે. વારંવારના કિસ્સાઓ પછી પણ મહિલાઓ આવા ગેરકાયદે વેપલાથી દૂર રહેવાને બદલે સક્રિય રીતે સંડોવાયેલી જોવા મળી રહી છે.

સુરત શહેરના સચીન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, પોલીસ ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને બાતમી મળી હતી. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે ગભેણી ગામમાં આવેલા સારંગ ફળિયામાં રહેતી મંછીબેન ખલાસીના ઘરે દરોડો પાડ્યો હતો. પોલીસની ટીમને જોતાં જ 72 વર્ષીય મંછીબેન ખલાસી પોતાના ઘરની પાછળના ખુલ્લા વાડામાં પ્લાસ્ટિકની બોરીઓ સંતાડવાનો પ્રયાસ કરવા લાગી હતી. મહિલા પોલીસની મદદથી તેને રોકીને તે બોરીઓની તલાશી લેવામાં આવતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.  

પોલીસે જપ્ત કરેલી બોરીઓ ખોલીને ગણતરી કરતાં તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની દારૂની કુલ 143 કાચ તેમજ પ્લાસ્ટિકની બોટલો મળી આવી હતી. આ ઉપરાંત જુદી જુદી બ્રાન્ડના બિયરના 35 ટીન પણ જપ્ત કરાયા હતા. આમ કુલ મળીને દારૂ અને બિયરની 178 બોટલ પકડાઈ છે, જેની કુલ કિંમત રૂપિયા 26,068 જેટલી થવા જાય છે. પોલીસ પૂછપરછમાં પકડાયેલી વૃદ્ધાએ કબૂલાત કરી હતી કે આર્થિક લાભ માટે તે દમણ ખાતે આવેલા અલગ-અલગ બારમાંથી આ દારૂનો જથ્થો લાવી હતી અને વગર પાસ પરમિટે તેનું છૂટકમાં વેચાણ કરતી હતી.  

ગુજરાતમાં નકલી દારૂના કારણે મોતની ઘટનાઓને પગલે દારૂબંધીના કડક અમલના દાવાઓ વચ્ચે સુરતમાં ઝડપાયેલો આ જથ્થો ફરી સવાલો ઊભા કરે છે. ખાસ કરીને 72 વર્ષની ઉંમરની મહિલા દારૂના જથ્થા સાથે ઝડપાતા પોલીસ માટે પણ આ કેસ ચર્ચાસ્પદ બન્યો છે. સ્થાનિક સ્તરે આ મહિલા અગાઉ પણ દારૂના ગુનાઓમાં સંડોવાયેલી હોવાના આક્ષેપો વચ્ચે સચીન GIDC પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.