Fri Sep 04 2026

Logo

ભારતીય બોક્સ ઓફિસ પર હજી પણ ‘સ્પાઇડર-મેન’નો દબદબો! કમાણીનો આંકડો 500 કરોડને પાર

2026-08-12 12:00:00
Author: Vimal Prajapati
ભારતીય બોક્સ ઓફિસ પર હજી પણ ‘સ્પાઇડર-મેન’નો દબદબો! કમાણીનો આંકડો 500 કરોડને પાર

મુંબઈઃ ભારતીય બોક્સ ઓફિસ પર માર્વેલની સુપરહીરો ફ્રેન્ચાઇઝીનો જાદુ હજી પણ ચાલી રહ્યો છે. હોલિવુડ સ્ટાર ટોમ હોલેન્ડની ફિલ્મ ‘સ્પાઇડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે’ (Spider-Man: Brand New Day) થિયેટરોમાં ધમાકેદાર કમાણી કરી રહી છે. બીજા સોમવારે કલેક્શનમાં સામાન્ય ઘટાડો નોંધાયા બાદ, બીજા મંગળવારે ફિલ્મે ફરી એકવાર જોરદાર વાપસી કરીને બોક્સ ઓફિસ પર પોતાની પકડ વધુ મજબૂત બનાવી લીધી છે.

13 દિવસમાં ભારતમાં 531 કરોડથી વધુનું ગ્રોસ કલેક્શન

બોક્સ ઓફિસ રિપોર્ટ પ્રમાણે દેશભરના 12,851 થી વધુ શોઝ સાથે ‘સ્પાઇડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે’ ફિલ્મે રિલીઝ થયાના 13મા દિવસે અંદાજે 8.50 કરોડ રૂપિયાનો વેપાર કર્યો છે. જો 13મા દિવસના ગ્રોસ કલેક્શનની વાત કરીએ તો તે 10.02 કરોડ રૂપિયાની આસપાસ રહ્યું છે. આ સાથે જ ભારતીય માર્કેટમાં આ સુપરહીરો ફિલ્મનું કુલ નેટ કલેક્શન 431.50 કરોડ રૂપિયા અને ગ્રોસ કલેક્શન 515.95 કરોડ રૂપિયાથી વધુ થઈ ચૂક્યું છે.

ભારતીય ચાહકોમાં સુપરહીરોનો ભારે ક્રેઝ

ભારતમાં હોલિવુડ અને ખાસ કરીને માર્વેલ સિનેમેટિક યુનિવર્સની ફિલ્મોનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે. બોલિવુડ ફિલ્મોની તીવ્ર સ્પર્ધા વચ્ચે પણ ‘સ્પાઇડર-મેન’ એ બોક્સ ઓફિસ પર એકહથ્થુ શાસન સ્થાપિત કર્યું છે. આગામી વિકએન્ડમાં પણ ફિલ્મની કમાણીમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે તેવું લાગી રહ્યું છે. 

અત્યારે બોક્સ ઓફિસ પર હોલિવુડ સાથે સાઉથની ફિલ્મો પણ ચાલી રહી છે. સાઉથ સુપરસ્ટાર થલાપતિ વિજયની ફિલ્મ ‘જન નાયકન’ની રફતાર હવે ઘણી મંદ પડી ગઈ છે. રિલીઝના 20મા દિવસે ફિલ્મનું દૈનિક કલેક્શન માત્ર લાખો રૂપિયામાં સમેટાઈ ગયું છે. જ્યારે લોકેશ કનગરાજની એક્શન ડ્રામા 'DC' કમાણીમાં રફ્તાર પકડશે તેવું લાગી રહ્યું છે.