Mon May 11 2026

Logo

વિશેષઃ જ્ઞાન બંધન છે: એક સૂત્રમાં કહેવાયેલી અદભુત વાત

2026-05-04 10:34:00
Author: Rajesh Yagnik
Article Image

રાજેશ યાજ્ઞિક

ભારતના ધર્મોમાં અગણિત શાસ્ત્રો છે. તેમાં જ્ઞાનનો મહાસાગર છે, એમ કહીએ તો મહાસાગર શબ્દ પણ તુચ્છ લાગે તેટલું જ્ઞાન તેમાં છે. એટલુંજ નહીં, પ્રત્યેક શાસ્ત્રો પર ઋષિ-મુનિઓએ, જ્ઞાનીઓએ અને અભ્યાસુઓએ ચિંતન-મનન કરીને તેમાંથી ભાવાર્થના મોતીઓ ઉલેચીને આપણી સમક્ષ રાખ્યા છે. કારણકે મોટાભાગનાં શાસ્ત્રો, પછી તે સંસ્કૃતમાં હોય, પ્રાકૃતમાં હોય, પાલીમાં હોય કે અર્ધમાગધીમાં હોય, તે બધામાં સૂત્રાત્મક રીતે એટલું કહેવાયું છે કે એકએક શ્ર્લોક પર દિવસો સુધી ચર્ચા થઇ શકે. 

આવું જ સૂત્ર છે જ્ઞાનં બંધ : અર્થાત જ્ઞાન એ બંધન છે. બે શબ્દોના આ સૂત્ર સાંભળતાં જ આપણે ચોંકી જઈએ. જ્ઞાન વળી બંધન કઈ રીતે? મુક્તિના માર્ગે આગળ વધવા તો જ્ઞાન જરૂરી છે. તો પછી આ કેવી વાત થઈ? આપણે તત્ત્વત્રયીની ચર્ચા કરતી વખતે જે વાત કરી, તે વાત અહીં ફરી એકવાર પુનરુક્તિના દોષ સાથે પણ કરવી જરૂરી છે. જ્ઞાન મિથક પણ હોઈ શકે. જૈન દર્શન જેને મિથ્યા કહે છે તેવું. 

સનાતન કહે છે. બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે. જુઓ, વાત કહેવાની રીત અલગ છે, પણ વાત એક જ છે. બ્રહ્મ એટલે કોણ? શાસ્ત્રકારો તેનો જવાબ આપતાં કહે છે, અહમ બ્રહ્માસ્મિ. યજુર્વેદનું આ સૂત્ર મહાસૂત્ર કહેવાય છે. અહમ એટલે હું. આ હું એટલે કોણ? આપણે કોને હું માનીએ છીએ? આ શરીરને હું કહીએ? તો હું બોલનાર શરીર તો નથી? તેની અંદરથી અવાજ આવે છે. આ હું એટલે આત્મા. પણ આપણે આત્માને ઓળખતા નથી. 

અહમ બ્રહ્માસ્મિ એટલે હું જ સર્વવ્યાપી પરમાત્મા છું. આ જ્ઞાન જો આવી જાય તો એ મુક્તિ તરફ લઇ જાય. પણ હું એટલે આ બહારનું શરીર અને તેની આસપાસ રચેલી દુનિયા જ આપણે માટે હું હોય તો એ સત્ય નથી. એ જ મિથ્યા જ્ઞાન છે.

આ જગતમાં આવીને આપણે શાળાથી લઈને ઈન્ટરનેટ સુધી દરેક માધ્યમથી માહિતીનો સંગ્રહ કર્યો. જે પણ કહેવાતું જ્ઞાન આપણે ભેગું કર્યું, તેનાથી આપણી સ્મૃતિ ભરી દીધી. આ જ્ઞાન પણ બંધન છે. કેમકે તેમાંથી આપણા પોતાના અનુભવ જનિત જ્ઞાન કેટલું? બધું ઉધારનું છે. અને જે ઉધારનું છે, એ તો બંધન જ કહેવાય, પછી એ નાણાં હોય કે જ્ઞાન. આવા જ્ઞાનથી મનુષ્યોની વચ્ચે દીવાલો રચાય છે. વધુ જાણતા હોય તે પોતાનાથી ઓછું જાણનારાને તુચ્છ સમજે. 

આપણે જેને નિમ્ન સમજીએ છીએ તેના આત્મા અને આપણા આત્મામાં ફરક ક્યાં છે? આપણે જે ધર્મ જાણીએ છીએ તેનાથી પણ વાડા ઊભા કરીએ છીએ. હું ઊંચો ને પેલો નીચોનો ભાવ કેળવીને બેઠા છીએ. એક જ પદાર્થમાં એક વ્યક્તિ ને જે દેખાય છે તે બીજાને દેખાતું નથી. તો સત્ય શું? કોનું જ્ઞાન સાચું? જે ફરક છે તે આપણાં કર્મોને કારણે આત્મા પર ચઢેલા આવરણોનો જ છે. જૈન દર્શન તેને જ જ્ઞાનાવરણીય કર્મો કહે છે. 

આપણે કોઈ અજાણ્યા સ્થળે જવા મુસાફરી કરતા હોઈએ. માર્ગમાં અધવચ્ચે કોઈ જગ્યાએ આપણે એમ સમજીએ કે બસ, આપણે જ્યાં પહોંચવું હતું એ જગ્યા આ જ છે, અને ત્યાં જ રોકાઈ જઈએ. તો આપણે હકીકતમાં જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચી શકીએ ખરાં? એ જ પ્રમાણે આપણે અંતિમ સત્યનું જ્ઞાન ધરાવતા નથી. તેમ છતાં હું જાણું છું, તેવા ભ્રમમાં જીવીએ છીએ. તેથી જ્ઞાનની જે પરમ અવસ્થાને પ્રાપ્ત કરવાની છે, ત્યાં પહોંચી શકતા નથી. આ પ્રકારના જ્ઞાનને શાસ્ત્રો બંધન કહે છે. 

અહમ બ્રહ્માસ્મિ કહેવાનો અર્થ એ જ છે કે હું બ્રહ્મનો જ એક અંશ છું. અન્ય મનુષ્યો, પક્ષીઓ, પ્રાણીઓ, બધા એ જ બ્રહ્મનો અંશ છે. આકૃતિમાં દેખાતો ભેદ આપણા માટે ભેદ છે. હું અને તે એવો ફરક છે. આપણું આ ભેદ વાળું જ્ઞાન એ જ સંસારમાં બંધન કરનાર છે. શરીર પણ જો આપણું હોત તો આપણા કહ્યા પ્રમાણે ચાલત. તેના ઉપર આપણું પૂર્ણ નિયંત્રણ  હોત. પણ તેવું નથી. ગમે ત્યારે શરીર કામ કરતુ બંધ થઇ જાય, કોઈ પણ અંગ ગમે ત્યારે ખોટકાઈ જાય. આપણે કંઈ કરી શકતા નથી. તો જે જ્ઞાન આપણને આ સ્પષ્ટ સમજણ આપતું નથી તે અધ્યાત્મના માર્ગે આગળ વધતા અટકાવે છે. તેથી એ જ્ઞાન બંધન છે.