ડૉ. નિરંજન રાજ્યગુરુ
રસ શાસ્ત્ર- કે રસ તંત્ર એટલે માનવ ચિકિત્સા કાર્યમાં વિવિધ ખનિજ ધાતુઓ તથા અન્ય ખનિજ દ્રવ્યોનો ઔષધિરૂપ ઉપયોગ કરનારી વિશિષ્ટ કીમિયારૂપ વિદ્યા. આયુર્વેદના રસતંત્રમાં ‘રસ’ શબ્દ પારા માટે વપરાય છે. અને પારાને મહાદેવ શિવજીનું વીર્ય તથા ગંધકને પાર્વતીનું રજ કહેવામાં આવે છે. આમ રજ અને બીજનો સંયોગ થાય ત્યારે જ નવસર્જન થાય છે.
રસવિદ્યાના આદ્ય પ્રવર્તક ભગવાન શંકર ગણાય છે. એ પછી સિદ્ધ નાગાર્જુનનું નામ લેવામાં આવે છે. પારાનું સંસ્કૃત નામ ‘રસ’ છે. રસના સ્વામી એ રસેશ. જગતના માત પિતા પાર્વતી અને શિવ ગણાય છે, એમ પારદ અને ગંધકના સંયોગથી અવનવી ઔષધિઓનું નિર્માણ કરવામાં આવે છે. રસના ઘણા તંત્ર ગ્રંથો શિવ પાર્વતીના સંવાદ રૂપે જ લખાયેલા છે. તંત્ર ગ્રંથોમાં-શૈવ તથા બૌદ્ધ તંત્રોમાં માનવ શરીરને રસાયન પ્રયોગો દ્વારા નિરોગી સુદૃઢ બનાવવા માટેના અનેક પ્રયોગો મળે છે.
સોનું, ચાંદી, તાંબુ, લોઢું, સીસું, કાંસું, કલાંઈ, પારો જેવી ધરતીમાંથી નીકળતી ધાતુઓ ઉપરાંત શિલાજિત, ચૂનો, ગંધક, શંખ, ગેરૂ, સંચળ, સિંધાલૂણ, હરતાલ, મન:શીલ, હીરાકસી, રેતી, જવખાર, સાજીખાર વગેરે ધરતીમાંથી પ્રાપ્ત પદાર્થોનો શરીર સ્વાસ્થ્ય માટે ઉપયોગ કરવામાં ખાસ પ્રકારનું શોધન કરવામાં આવે છે, અને તેની ભસ્મ, ક્ષાર વગેરે શુદ્ધ થયેલા તત્ત્વોનો ઔષધિ તરીકે ઉપયોગ થાય છે. ખરેખર તો પ્રારંભે અધ્યાત્મ સાધના, મુક્તિ, આત્મસાક્ષાત્કાર કે મોક્ષ માટે, એ પછી શરીર સ્વાસ્થ્ય માટે, એ પછી હલકી ધાતુઓમાંથી સુવર્ણ જેવી કિંમતી ધાતુઓ બનાવવાના કીમિયાઓ રૂપે અને હાલમાં રોગનિવારક ઔષધિઓના નિર્માણ માટે રસાયન વિદ્યાનો પ્રયોગ થતો રહ્યો છે.
રસાયન એટલે શરીરની સાતે ધાતુઓને શુદ્ધ કરીને પલટાવવાની પ્રક્રિયા. આહાર-વિહારના નિયમન દ્વારા દીર્ઘ જીવન પ્રાપ્ત કરે તથા નીરોગી-સ્વસ્થ-સૌંદર્યવાન, ચારીવાન ઉત્તમ પ્રજા ઉત્પન્ન થાય એવા હેતુથી થતી સારવારને રસાયન ચિકિત્સા એવું નામ અપાયું છે. જરા-વ્યાધિ વિનાશક-હિતકારી રસાયન પ્રયોગ એટલે કાયા કલ્પ, જેમાં દેહ શોધન, મન શોધન, પ્રાણ શોધન આવે છે. સમગ્ર શરીરને દોષ રહિત કરવું, મનને દોષ રહિત કરવું, બુદ્ધિને દોષ રહિત કરવી, ચિત્તને દોષ રહિત કરવું, અહંકારને દોષ રહિત કરવો, પ્રાણને દોષ રહિત કરવો અને એ રીતે સમગ્રતયા સર્વાંગ શુદ્ધિકરણથી મનુષ્ય પોતાનો કાયાકલ્પ કરી શકે છે.
નાટયશાસ્ત્રમાં ભરત મુનિએ મુખ્ય રસની સંખ્યા આઠ બતાવી છે. 1. શૃંગાર, 2. હાસ્ય, 3. કરુણ, 4. રૌદ્ર, પ. વીર, 6. ભયાનક, 7. બીભત્સ, 8. અદ્દભુત અને પછી નવમા શાંત રસનો અછડતો નિર્દેશ ર્ક્યો છે. પાછળથી દસમો વાત્સલ્ય રસ કેટલાક કાવ્યશાસ્ત્રીઓ સ્વીકારે છે, જ્યારે ભક્તિ રસને સ્વીકારનારા ગૌડીય વૈષ્ણવ સંપ્રદાયના મધુસૂદન સરસ્વતી અને રૂપ ગોસ્વામી- એ બે જ આચાર્યો છે.
તેમના મત મુજબ ભક્તિ રસના આલંબન-વિભાવ ભગવાન છે. ભાગવત અને પુરાણાદિની કથાનું શ્રવણ ઉદ્દીપન-વિભાવ છે. અશ્રુપાત, રોમાંચ વગેરે આ રસના અનુભાવો છે. ભક્તની ભગવાન પ્રત્યેની ભક્તિ એ ભક્તિ રસનો સ્થાયી ભાવ છે. ભરતથી માંડી જગન્નાથ સુધીના આચાર્યો ભક્તિ રસને સ્વીકારતા નથી. મધુસુદન સરસ્વતીએ ‘ભક્તિરસાયન’માં અને રૂપ ગોસ્વામીએ ‘હરિભક્તિરસામૃતસિંધુ’માં ભક્તિ રસની સ્થાપના કરી છે અને ભક્તિ રસને બધા જ રસોમાં શ્રેષ્ઠ માન્યો છે. તેમણે ભક્તિ રસના (1) પરાકોટિ ભક્તિ અને (2) અપરાકોટિ ભક્તિ એવા બે પ્રકારો પણ આપ્યા છે.
ચૈતન્ય મહાપ્રભુના શિષ્ય રૂપ ગોસ્વામીએ ભક્તિ રસ વિશે અલંકાર શાસ્ત્રનો એક ગ્રંથ રચ્યો છે. જેનું નામ છે, ‘ભક્તિ રસામૃત સિંધુ’ જેનું બીજું નામ ‘હરિ ભક્તિ રસામૃત સિંધુ’ છે. આ ગ્રંથની રચના ઈ.સ. 1541માં થયેલી. જેમાં ભક્તિ રસ એ એક જ રસ છે અને અન્ય તમામ રસો ભક્તિરસના જ પેટા ભેદ-પ્રભેદો છે એમ જણાવાયું છે. પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર એમ ચાર વિભાગોમાં વહેંચાયેલા આ ગ્રંથમાં ભક્તિરસના મુખ્ય પાંચ પ્રકારો-શાંત ભક્તિરસ, પ્રીતિ ભક્તિરસ, પ્રેયો ભક્તિ રસ, વત્સલ ભક્તિરસ અને મધુર ભક્તિરસનું વર્ણન કરવામાં આવ્યું છે.
જ્યારે ગૌણ પ્રકારોમાં હાસ્ય, અદ્દભુત, વીર, કરૂણ, રૌદ્ર, ભયાનક અને બીભત્સ ભક્તિ રસ એમ સાત પ્રકારો દર્શાવાયા છે. ‘નરસિંહનાં પદોમાં સિદ્ધરસ’ નામના પુસ્તકમાં આપણા મરમી કવિશ્રી મકરન્દ દવેએ ‘સિદ્ધરસ’ની જે વિભાવના આપી છે તે એમના જ શબ્દોમાં જોઈએ- ‘ ગુજરાતી ભાષાના આદ્યકવિનું બિરૂદ જેમને મળ્યું છે એ ભક્તકવિ નરસિંહના રસોલ્લાસને મેં સિદ્ધરસ કહ્યો છે. અને સિદ્ધ-સંકેતોને જાણ્યા વિના આ રસની ગંગા-જમનાનો આનંદ લૂંટી શકાતો નથી. એ માટે આપણે નરસિંહને જ રસદીક્ષા આપનાર અને નરસિંહે જેમને રસજ્ઞો કહ્યાં છે તેમને ચરણે બેસીએ. નરસિંહની રસોપાસનાના ત્રણ મૂળ સ્ત્રોત છે.
નરસિંહની વાણીમાં ‘એ રસનો સ્વાદ શંકર જાણે, કે જાણે શુકજોગી રે, કાંઈ એક જાણે વ્રજની વનિતા, ભણે નરસૈયો ભોગી રે... ’, ‘શ્રી વૃંદાવન જમુના તીરે, બંસી બટે રસ જામિયો, પ્રેમે પિયા રાસ રમિયા, ત્યાંહ નરસૈયો ઝૂલી રહ્યો.પાસ રહીને નયન નીરખ્યો, અનુભવ રસ થયો જેહ,જેવી લીલા નજરે દીઠી, મુખડે ગાઈ તેહ...’જેવી પંક્તિઓમાં વારંવાર રસની વાત આવે છે....... વૃન્દાવનના ચાર પ્રકાર છે.
ભૌમ, કુંજ, નિકુંજ અને નિભૃત-નિકુંજ ભૌમમાં પાર્થિવદેહ, કુંજમાં ભાવદેહ, નિકુંજમાં રસદેહ અને નિભૃત - નિકુંજમાં સિદ્ધદેહનો પ્રવેશ થાય છે. પાર્થિવ દેહ જડ છે. ભાવ દેહ ભાવોદ્રેક સમો તરલ છે, રસદેહમાં ભાવ સ્થિર છે, અને સિદ્ધદેહમાં ભાવૈક્ય સાધી ઘનીભૂત ચૈતન્યરૂપે નિત્યલીલામાં પ્રવેશ કરી શકાય છે. ‘પ્રેમની વાત પરીક્ષિત પ્રીછયો નહી, શુકજીએ સમજીને રસ સંતાડયો.’ નરસિંહની રસોપાસના ભારતીય રસોપાસનાના મહાપ્રવાહનું એક ઉત્તુંગ મોજું છે.
ભાગવતને આધારે જયદેવથી માંડી ગૌડીય, દાક્ષિણાત્ય કે મૂળ વ્રજવાસી વૈષ્ણવ કવિઓએ વહાવેલા રસના અનુપાન સાથે નરસૈયાના રસનું પાન કરવું જોઈએ ; એમાં યે સિદ્ધોની વાણી ભળે તો રસાયન-કલ્પ થઈ જાય.
બૌદ્ધ શૂન્યસહજ સુંદરી, શાક્ત કામેશ્વર-કામેશ્વરી, શૈવ ભૈરવ-ભૈરવી, રસસિદ્ધોમાં પારદ-સિન્દુર, હરગૌરીરસ અને વૈષ્ણવ રાધા-કૃષ્ણની લીલામાં મૂળગત ભેદ નથી. સીતા-રામનો પણ એક રસિક સંપ્રદાય છે તેની નોંધ લેવી જોઈએ...‘ પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે, દૂબળા ભૂતનું ઢોકળે મન ચળે, ચતુરધા મુક્તિ તેઓ ન માગે...’ ,‘ ભૂતળ ભક્તિ પદારથ મોટું બ્રહ્મલોકમાં નાહીં રે, દેહ દમી અમરાપુર પામો, અંતે ચોરાસી માંહી રે...એ રસનો સ્વાદ શંકર જાણે, કે જાણે શુકજોગી રે, કાંઈ એક જાણે વ્રજની વનિતા : ભણે નરસૈંયો ભોગી રે..’ ચારણી સાહિત્યના આદિકવિ તરીકે ગણાતા ઈસરદાસજીએ પોતાના ગ્રંથનું નામ જ ‘હરિરસ રાખેલું.