એશિયન ગેમ્સ-2026માં ભારતને મહિલા ટીમે અપાવ્યો પ્રથમ ગોલ્ડ, જય શાહને વિજેતાપદના રૂપમાં મળી બહુમૂલ્ય ગિફ્ટ
નિશીનઃ જાપાનમાં આયોજિત એશિયન ગેમ્સમાં નિશીન શહેરમાં મંગળવારે ભારતીય મહિલા ક્રિકેટરોએ ફાઈનલમાં રનનો વરસાદ વરસાવીને વિક્રમજનક 3/216ના સ્કોર બાદ શ્રીલંકાને ફક્ત 69 રનમાં આઉટ કરીને 147 રનથી વિજય મેળવી લીધો હતો અને સ્મૃતિ મંધાના (79 રન, 45 બૉલ, સાત છગ્ગા, 5 ચોગ્ગા) ફાઇનલની સર્વશ્રેષ્ઠ બૅટર હતી જેણે એક મોટી સિદ્ધિ પણ મેળવી હતી. મહિલા ક્રિકેટમાં 11,000 આંતરરાષ્ટ્રીય રન પૂરા કરનારી તે પહેલી જ ખેલાડી બની છે. ભારતના 216 રન એશિયન ગેમ્સમાં મહિલાઓની ટૂર્નામેન્ટના ઇતિહાસમાં સર્વોચ્ચ સ્કોર છે. મહિલાઓની ટી-20માં 147 રનનું વિનિંગ-માર્જિન ભારત માટે હવે સર્વશ્રેષ્ઠ છે. ભારતના દાવમાં કુલ 13 સિક્સર ફટકારાઈ હતી. એક ટી-20 ઇન્ટરનૅશનલમાં કોઈ એક ટીમના કુલ છગ્ગાના રેકૉર્ડસમાં આ હવે નવો કીર્તિમાન છે. ભારત એશિયા કપમાં પાંચ અને હવે એશિયન ગેમ્સમાં ત્રણ, એમ કુલ મળીને સતત આઠ ટી-20 મૅચ જીત્યું છે.

ભારતીય મહિલા ક્રિકેટરોએ આ સાથે ભારતને સતત બીજી એશિયન ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ અપાવ્યો છે. આ વખતની એશિયાડમાં ભારતને પ્રથમ સુવર્ણ ચંદ્રક મહિલા ક્રિકેટરોના હાથે મળ્યો છે. આઇસીસીના ચૅરમૅન જય શાહનો મંગળવારે જન્મદિન હતો અને તેમને ભારતની મહિલા ટીમે વિજેતાપદના રૂપમાં યાદગાર બક્ષિસ આપી છે.
મંગળવારની ફાઇનલમાં ભારતે પ્રથમ બૅટિંગ લીધા પછી 20 ઓવરમાં ત્રણ વિકેટે 216 રન બનાવ્યા હતા. શ્રીલંકા (SriLanka)ને 217 રનનો તોતિંગ લક્ષ્યાંક મળ્યો હતો. શ્રીલંકાની ટીમના 69 રનમાં કેપ્ટન અથાપથ્થુના 29 રન હાઈએસ્ટ હતા. સ્પિનર દીપ્તિ શર્માએ સૌથી વધુ ત્રણ વિકેટ તેમ જ શેફાલી, શ્રેયંકા પાટીલ અને શ્રી ચરનીએ બે-બે વિકેટ લીધી હતી.
એ પહેલાં, સ્મૃતિ મંધાના (Smriti Mandhana) અને શેફાલી વર્મા (48 રન, 29 બૉલ ત્રણ છગ્ગા, 3 ચોગ્ગા) વચ્ચે 99 રનની ઓપનિંગ ભાગીદારી થઈ હતી. બંનેની વિકેટ પડ્યા પછી વિકેટકીપર રિચા ઘોષે (49 રન, 22 બૉલ, ત્રણ છગ્ગા, છ ચોગ્ગા) પણ મોટું યોગદાન આપ્યું હતું.