Tue Jun 23 2026

Logo

માંડ એક વર્ષથી ભારત વતી રમતી સ્પિનર શ્રી ચરની બની ગઈ વર્લ્ડ નંબર-વન

Dubai   2026-06-23 21:11:18
Author: Ajay Motiwala
Article Image

દુબઈઃ ભારતની 21 વર્ષની લેફ્ટ-આર્મ સ્પિનર શ્રી ચરની (Shri Charni) હજી માંડ એક વર્ષથી ભારત વતી રમે છે અને એમાં તો તેણે સર્વોચ્ચ શિખર હાંસલ કરી લીધું છે. મહિલાઓની ટી-20માં તે વર્લ્ડ નંબર-વન (Number One) બોલર બની ગઈ છે.

આંધ્ર પ્રદેશની ચરનીએ ઇંગ્લૅન્ડની છેલ્લાંમાં છેલ્લાં આઇસીસી રૅન્કિંગ્સમાં ઇંગ્લૅન્ડની લિન્સી સ્મિથને હટાવીને મોખરાનું સ્થાન મેળવ્યું છે. ઇંગ્લૅન્ડમાં જ ચાલી રહેલા ટી-20 વર્લ્ડ કપની ત્રણ મૅચમાં 10 વિકેટ લેનાર શ્રી ચરનીએ નેધરલૅન્ડ્સ સામેની મૅચમાં ચાર વિકેટ લઈને નંબર-વનની રૅન્ક પર કબજો કર્યો હતો. સાઉથ આફ્રિકા સામે ભારત હાર્યું હતું, પણ ચરનીએ ત્રણ વિકેટ લીધી હતી.

શ્રી ચરનીએ ટી-20 ફૉર્મેટમાં કુલ 23 મૅચમાં 38 વિકેટ લીધી છે. તેણે ગયા વર્ષે નૉટિંગમમાં ઇંગ્લૅન્ડ સામેની ટી-20 મૅચથી આ ફૉર્મેટમાં ડેબ્યૂ કર્યું હતું.

શ્રી ચરની મોખરે આવી ગઈ છે અને એ સ્થાન ગુમાવનાર લિન્સી સ્મિથ ત્રીજા નંબર પર ધકેલાઈ ગઈ છે. તેના જ દેશની શાર્લી ડીન બીજા નંબરે આવી ગઈ છે.