ટ્રેન્ટ બ્રિજ (નૉટિંગમ): અહીં ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે પાંચ મૅચવાળી ટી-20 સિરીઝની ત્રીજી મૅચ મંગળવારે (ભારતીય સમય મુજબ રાત્રે 10.00 વાગ્યાથી) રમાશે અને એ જીતીને ટીમ ઇન્ડિયાએ શ્રેયસ ઐયરને તેની કૅપ્ટન્સીની પ્રથમ જીત આપવાની રહેશે. જોકે એમાં ખુદ શ્રેયસે પણ અસરદાર પર્ફોર્મ કરી બતાવવું પડશે. આયરલૅન્ડમાં તેના નેતૃત્વમાં ભારત (India) બન્ને ટી-20 મૅચ હાર્યું હતું અને ઇંગ્લૅન્ડ (England)માં ભારત 0-1થી પાછળ છે.
ભારત ટ્રેન્ટ બ્રિજમાં આયરલૅન્ડ અને બાંગ્લાદેશ સામેની ટી-20 જીતી ચૂક્યું છે, પણ ઇંગ્લૅન્ડ અને સાઉથ આફ્રિકા સામે ભારતે પરાજય જોવો પડ્યો છે. છેલ્લે જુલાઈ 2022માં અહીં ઇંગ્લૅન્ડ વિરુદ્ધ ભારત માત્ર 17 રનથી હારી ગયું હતું. 216 રનના લક્ષ્યાંક સામે ભારતે નવ વિકેટે 198 રન બનાવ્યા હતા જેમાં ભૂતપૂર્વ સુકાની સૂર્યકુમાર યાદવ (117 રન, પંચાવન બૉલ, છ સિક્સર, 14 ફોર)નું સૌથી મોટું યોગદાન હતું. જોકે ભારત ત્યારે હારી જતાં તેની સદી પાણીમાં ગઈ હતી, પરંતુ મંગળવારે અહીં સેન્ચુરિયન સૂર્યાની ખોટ ટીમને જરૂર વર્તાશે.
ભારત મંગળવારે જીતશે તો સિરીઝ જીતવાનો કે ડ્રૉ કરાવવાનો મોકો રહેશે, પણ જો ભારત હારી જશે તો સિરીઝ જીતી નહીં શકે અને બ્રિટિશરો શ્રેણી હારા નહીં શકે, કારણકે ત્યાર બાદ માત્ર બે ટી-20 મૅચ બાકી રહેશે.
વૈભવ સૂર્યવંશીને શનિવારે ડેબ્યૂ કરવાની સુવર્ણ તક મળી હતી. જોકે તે બે છગ્ગા ફટકાર્યા બાદ 14 રનના પોતાના સ્કોર પર આઉટ થઈ ગયો હતો. હવે ફરી મંગળવારે આ ટૅલન્ટેડ ટીનેજરની આકરી પરીક્ષા થશે.
વૈભવ સૂર્યવંશી સોમવારે ટ્રેન્ટ બ્રિજમાં પ્રેક્ટિસ પછી ચાહકોને મળ્યો હતો.