Mon Oct 05 2026

Logo

શિવ રહસ્યઃ હે ગુરુવર! તમે મને તમારાં ચરણોમાં સ્થાન આપી અસુરી જ્ઞાન આપો...

2026-10-05 07:48:00
Author: Bharat Patel
શિવ રહસ્યઃ હે ગુરુવર! તમે મને તમારાં ચરણોમાં સ્થાન આપી અસુરી જ્ઞાન આપો...

 

ભરત પટેલ

ચ્યવન ઋષિને નવયૌવન પ્રાપ્ત થતાં તેઓ પત્ની સુક્ધયા સાથે ફરી શિવ આરાધનામાં લીન થઈ જાય છે. દેવર્ષિ નારદ આકાશ માર્ગે ભ્રમણ કરતા હોય છે એ દરમિયાન ચ્યવન ઋષિના આશ્રમનું વાતાવરણ તેમને કંઈક અજુગતું લાગતાં તેઓ ક્ષીરસાગર પહોંચે છે. ભગવાન વિષ્ણુ તેમને કહે છે કે, ચ્યવન ઋષિ ભગવાન શિવના આરાધક છે, તેમના આશીર્વાદથી જ તેમણે નવયૌવન પ્રાપ્ત કર્યું છે. જો તમને કંઈક ચિંતાનો વિષય જણાતો હોય તો તમારે કૈલાસ અવશ્ય જવું જોઈએ. 

દેવર્ષિ નારદ તરત જ કૈલાસ તરફ પ્રયાણ કરે છે. માર્ગમાં ફરી ચ્યવન ઋષિનો આશ્રમ આવતાં દેવર્ષિ જુએ છે કે સુકન્યા અને ચ્યવન ઋષિ ભગવાન શિવની આરાધનામાં વ્યસ્ત છે. આરાધના દરમિયાન ચ્યવન ઋષિની નજર સુક્ધયા પર પડતાં તેઓ મોહિત થઇ જાય છે. તેઓ પોતાની નજર સુકન્યાથી હટાવી શકતા નથી અને એ જ સમયે સુકન્યાની નજર પણ ચ્યવન ઋષિ પર પડે છે. બંનેની દૃષ્ટિ એકબીજામાં મળતાં બંને મોહિત થઈ જાય છે. બંનેના દૃષ્ટિ સમાગમથી સુક્ધયાની આંખમાંથી એક ટીપું બાજુમાં રાખેલા કમંડળમાં પડે છે. 

અશ્રુનું એ ટીપું કમંડળમાં પડતાં જ ચમત્કાર થાય છે અને તેમાંથી એક યુવાન પ્રગટ થાય છે. તે ચ્યવન ઋષિની બાજુમાં આવી ઊભો રહે છે. ચ્યવન ઋષિ તેને કહે છે, તમે કોણ છો? યુવાન કહે છે ‘હે પિતાશ્રી! હું તમારા અને માતા સુકન્યાના દૃષ્ટિ સમાગમથી પ્રગટ થયેલો તમારો પુત્ર મદાસુર છું. મારી ઉત્પત્તિનું કારણ જણાવી મને આજ્ઞા આપો કે મારે શું કરવાનું છે?’ ગંભીરતાને ધ્યાનમાં લઈ દેવર્ષિ નારદ કહે છે, ‘ચ્યવન ઋષિ અહીં આવો, હું તમને સમજાવું છું.’ દેવર્ષિ નારદની ભાષાનો અર્થ સમજી જતાં ચ્યવન ઋષિ દેવર્ષિ નારદ પાસે જાય છે. 

ચ્યવન ઋષિ દેવર્ષિ નારદને કહે છે, ‘હે દેવર્ષિ મારી ભૂલનું પરિણામ આ મદાસુર છે, મારે શું કરવું જોઈએ એ મને સમજ પડતી નથી.’ દેવર્ષિ નારદ તેમને સમજાવતાં કહે છે, ‘હે ઋષિવર આ યુવાન જન્મતાં જ પોતાને મદાસુર કહીને પોતાની ઓળખ આપે છે. એનામાં આસુરી વૃત્તિ હોવાનું જ દૃષ્ટિપાત થાય છે. તમારે એને અસુરગુરુ શુક્રાચાર્ય પાસે મોકલી દેવો જોઈએ. જેથી તેઓ મદાસુરને યોગ્ય દિશાએ વાળી શકે.’ ચ્યવન ઋષિ દેવર્ષિની વાત સમજી જતાં મદાસુર પાસે આવી તેને કહે છે, ‘હે પુત્ર મદાસુર, અસુરગુરુ શુક્રાચાર્ય પાસે જાઓ અને તેમને ગુરુ બનાવી શિક્ષા ગ્રહણ કરો.’
***
મદાસુર: ‘પિતાશ્રી તમે કહો છો એમ અસુરગુરુ શુક્રાચાર્યને ગુરુ બનાવી શિક્ષણ ગ્રહણ કરીશ પણ મારે એ માટે ક્યાં જવાનું છે જણાવવાની કૃપા કરશોજી.’

ઋષિ ચ્યવન: ‘પુત્ર અસુરગુરુ શુક્રાચાર્ય દંડકારણ્ય વનમાં ગોદાવરી નદીના તટ પર આવેલા તેમના આશ્રમ ભાર્ગવ તીર્થ પર મળશે. જો તેઓ ત્યાં ઉપલબ્ધ નહીં હોય તો તેઓ તેમના બીજા નિવાસ શુક્ર લોકમાં મળશે. તમારે તેમને ગુરુ બનાવી વિદ્યા પ્રાપ્ત કરવી, હું એ પણ જાણું છું કે અસુર ગુરુ શુક્રાચાર્ય જ એવા ગુરુ છે જે તમને યોગ્ય દિશા અને યોગ્ય માર્ગે પહોંચાડી શકશે, અને યાદ રહે તેમના આદેશ અનુસાર જ તમારે આચરણ કરવાનું છે.’ પિતા ચ્યવનઋષિના આદેશને શિરોમાન્ય ગણી મદાસુર અસુરગુરુ શુક્રાચાર્ય પાસે જવા પ્રસ્થાન કરે છે.
***
સુકન્યા: ‘હે સ્વામિ! આપણે બહુ મોટી ભૂલ કરી બેઠા છીએ, આપણે પ્રાયશ્ચિત કરવું જોઈએ.’

ચ્યવન ઋષિ: ‘હા સુકન્યા, આપણે બહુ મોટી ભૂલ કરી બેઠા છીએ, આપણે પ્રાયશ્ચિત અવશ્ય કરવું પડશે.’ચ્યવન ઋષિ અને સુકન્યા પ્રાયશ્ચિત્ત કરવા બેસે છે.
***
બીજી તરફ મદાસુર દંડકારણ્ય વનમાં ગોદાવરી નદીના તટ પર આવેલા અસુરગુરુ શુક્રાચાર્યના આશ્રમ ભાર્ગવ તીર્થ પર પહોંચે છે મદાસુર જુએ છે કે ત્યાં યજ્ઞ ચાલી રહ્યો છે પણ કોઈ દેખાતું નથી. એ વિચાર કરે છે કે આવું કંઈ રીતે શક્ય બને યજ્ઞ ચાલુ છે પણ કોઈ દેખાતું કેમ નથી.

મદાસુર: ‘અસુરગુરુ અને મારા થનારા ગુરુ શુક્રાચાર્યને પ્રણામ.’
અસુરગુરુ શુક્રાચાર્ય: ‘હે યુવક પહેલા જણાવ તું કોણ અને મને ગુરુ શા માટે બનાવવા અહીં આવ્યો છે, ત્યારબાદ જ તું મને જોઈ શકશે.’
મદાસુર: ‘હે ગુરુવર! હું ચ્યવન ઋષિ અને માતા સુક્ધયાના દૃષ્ટિયોગથી ઉત્પન્ન થયેલો તેમનો પુત્ર મદાસુર છું. હું તમારા શરણે આવ્યો છું. મને તમારો શિષ્ય બનાવો.’

અસુરગુરુ શુક્રાચાર્ય: ‘હે મદાસુર! હું રહ્યો અસુરોનો ગુરુ અને તમારા પિતા દેવાધી દેવ ભગવાન શિવના ભક્ત હું તને મારો શિષ્ય નહીં બનાવી શકું, તમારે દેવગુરુ બૃહસ્પતિ પાસે જવું જોઈએ.’

મદાસુર: ‘હે ગુરુવર! મારા પિતા ચ્યવન ઋષિએ મને કહ્યું કે, હે પુત્ર તમે અસુરગુરુ શુક્રાચાર્ય પાસે જાઓ અને તેમને ગુરુ બનાવી વિદ્યા ગ્રહણ કરો, અસુર ગુરુ શુક્રાચાર્ય જ એવા ગુરુ છે જે તમને યોગ્ય દિશા અને યોગ્ય માર્ગે પહોંચાડી શકશે.’

અસુરગુરુ શુક્રાચાર્ય: ‘પહેલા મને મારી દિવ્ય દૃષ્ટિથી જોવા દો કે તમે જે કહી રહ્યા છો એ સત્ય તો છે ને?’
અસુરગુરુ શુક્રાચાર્ય પોતાની દિવ્ય દૃષ્ટિથી જુએ છે તેમને દેખાય છે કે ઋષિ ચ્યવન અને તેમની પત્ની પ્રાયશ્ચિત્ત કરી રહ્યાં છે.

અસુરગુરુ શુક્રાચાર્ય: ‘હું જોઈ રહ્યો છું કે તમારા પિતા ચ્યવન ઋષિ અને માતા સુકન્યા તમને ઉત્પત્તિ કરવાનું પ્રાયશ્ચિત્ત કરી રહ્યાં છે, આનો સ્પષ્ટ અર્થ એ થાય છે કે તમે શિવ આરાધના કરશો તો કોઈ લાભ નહીં થાય. તમારે માતા શક્તિની આરાધના કરવી જોઈએ. તેઓ પ્રસન્ન થઈ તમને સફળતાનું વરદાન આપશે.’
મદાસુર: ‘હે ગુરુવર! તમે મને તમારાં ચરણોમાં સ્થાન આપી, અસુરી જ્ઞાન આપો.’

અસુરગુરુ શુક્રાચાર્ય: ‘ક્યારેય નહીં, તમે ચ્યવનની જેમ મારા મનમાં પણ વિકાર ઉત્પન્ન કરી શકો છો, હું દૈત્યગુરુ અસુરગુરુ છું. મારામાં જો કોઈ વિકાર ઉત્પન્ન થઈ જાય તો અસુરોની અસુર વિકૃતિ ક્યાં સુધી પહોંચી જાય તેની સીમા નહીં રહે. જાઓ મનમાં રહેલા વિકારોનો ત્યાગ કરી માતા શક્તિની આરાધના કરો, માતા અવશ્ય પ્રસન્ન થશે.’

ગુરુ શુક્રાચાર્યનો આદેશને શિરોમાન્ય ગણી મદાસુર એક પર્વતની ટોચ પર માતા શક્તિની આરાધનામાં વ્યસ્ત થઈ જાય છે.
***
બીજી તરફ કૈલાસ ખાતે ભગવાન ગણેશ, માતા પાર્વતી અને શિવગણ ભગવાન શિવની પૂજા-અર્ચનામાં વ્યસ્ત હોય છે. તે જ સમયે મદાસુરની આરાધનાનો સ્વર કૈલાસ સુધી પહોંચે છે.
ભગવાન ગણેશ: ‘માતા! હવે વધુ એક અસુર દ્વારા થઇ રહેલી તમારી આરાધનાનો સ્વર કૈલાસ સુધી પહોંચવા માંડયો છે.
નંદી: ‘પ્રિય ગણેશ! શું માતા ફરી કોઈ વરદાન આપી દેશે?’      (ક્રમશ:)