Mon Oct 05 2026

Logo

શિવ રહસ્ય: ધન્ય છે દેવી સુક્નયા! તમારા સતિત્વથી મારી દૃષ્ટિ ને યૌવન પરત આવ્યા

2026-09-21 08:30:00
Author: Bharat Patel
શિવ રહસ્ય: ધન્ય છે દેવી સુક્નયા! તમારા સતિત્વથી મારી દૃષ્ટિ ને યૌવન પરત આવ્યા

 

- ભરત પટેલ

ક્રોધિત થયેલા ભગવાન ગણેશને જોઈ માતા પાર્વતી તેમને શાંત પાડે છે અને કહે છે `પુત્ર ગણેશ તમે ક્રોધિત ન થાઓ, સિંદુરાસુર એટલી હિંમત તો નહીં જ ધરાવતો હોય કે એ વૈકુંઠલોક અને કૈલાસ પર આક્રમણ કરે. તમારી જરૂરત જણાતા હું તમારું આવાહન કરીશ.' માતાની વાત યોગ્ય લાગતાં ભગવાન ગણેશ  શાંત થઈ જાય છે. બીજી તરફ સિંદુરાસુર વૈકુંઠલોક પહોંચે છે ત્યાં કોઈ ન દેખાતાં તે કૈલાસ તરફ પ્રયાણ કરે છે. સિંદુરાસુર કૈલાસ પહોંચતાં જ દેવગણો ભગવાન શિવને પોકારવા લાગે છે. દેવગણોનો કોલાહલ સંભળાતાં ભગવાન શિવ તપને ત્યાગે છે. સમસ્ત દેવતાઓ ભગવાન શિવની પાછળ છુપાઈ જાય છે. સામે સિંદુરાસુર પોતાને મહાકાય બનાવી ભગવાન શિવ સહિત સમસ્ત દેવતાઓને પોતાની ભુજામાં ઉંચકી લે છે.

પરિસ્થિતિ વિકટ જણાતાં માતા પાર્વતીના આવાહન પર ભગવાન ગણેશ તુરંત પ્રગટ થાય છે. માતા પાર્વતીની વાત સાંભળવામાં વ્યસ્ત સિંદુરાસુર કંઈ વિચારે એ પહેલાં ભગવાન ગણેશે તેમની સૂંઢથી સિંદુરાસુરની ડોકને જકડી લે છે. ભગવાન ગણેશના સૂંઢની પકડ એટલી મજબૂત હતી કે સિંદુરાસુર શ્વાસ પણ લઈ ન શક્યો. સિંદુરાસુરના બાહુપાશની પકડ ઢીલી થતાં સમસ્ત દેવગણો છુટકારો મેળવે છે. સિંદુરાસુર નિશ્વાસ થઈ ઢળી પડે છે. સમસ્ત દેવતાઓ ભગવાન ગણેશનો જયજયકાર કરે છે. કૈલાસ ખાતે આનંદનું વાતાવરણ થઈ જતાં સમસ્ત દેવગણો અને શિવગણો નૃત્ય કરી ઉત્સવ ઉજવે છે. ઉત્સવ બાદ દેવતાગણ કૈલાસ ખાતે મહેમાનગતિ માણી પોત પોતાના લોક તરફ પ્રયાણ કરે છે. ભગવાન ગણેશ  અને સિદ્ધિ-બુદ્ધિ પણ ગણેશ લોક જવાની પરવાનગી માંગે છે પણ ભગવાન શિવ તેમને રોકે છે.

એક દિવસ સંધ્યા ટાણે ભગવાન શિવ, માતા પાર્વતી, ભગવાન ગણેશ અને સિદ્ધિ-બુદ્ધિ સાથે ગગન વિહાર માટે નીકળે છે. આકાશ માર્ગેથી આગળ વધતાં તમને પૃથ્વી પર એક ઋષિ અને ઋષિપત્ની ભગવાન શિવની આરાધના કરતા દેખાય છે. બુદ્ધિ કહે છે, `જુઓ કેટલા યુવાન ઋષિ નવયુગલ પતિ-પત્ની આરાધનામાં લીન છે.' માતા પાર્વતી કહે છે, `આપણે જે જોઈ રહ્યા છીએ એ નવયુગલ નથી, તેઓ ઘણા વરસોથી આરાધના કરી રહ્યા છે.' સિદ્ધિ કહે છે, `ઘણા વરસોથી આરાધના કરતા હોય તો તેઓ આટલા યુવાન કઈ રીતે હોઈ શકે, માનવ માત્ર હંમેશા યુવાન રહેતા નથી.' માતા પાર્વતી સમજાવતાં કહે છે. `જે ઋષિ છે તેમનું નામ ચ્યવન ઋષિ છે અને તેમની પત્ની છે એ રાજા શર્યાતીની પુત્રી સુક્નયા છે. હું તેમના વિશે વિગતવાર સમજાવું.
*

બુદ્ધિ: `માતા જલ્દી કહો ચ્યવન ઋષિ અને સુક્નયા કઈ રીતે હંમેશાં યુવાન રહે છે, અમારે એ કથા સાંભળવી છે.'

માતા પાર્વતી: `તો સાંભળો, ઘણા વરસોથી ભગવાન શિવની આરાધના કરતા ઋષિ ચ્યવન ક્યારે વૃદ્ધ થઈ જાય છે એની પણ એમને ખબર પડતી નથી. એક સમયે રાજા શર્યાતી પોતાની પુત્રી સુક્નયાની સાથે વનવિહાર માટે લઈ જાય છે. 
વનવિહાર દરમિયાન સુક્નયાને લાંબેથી માટીના મોટાં ઢેફામાં બે ચમકદાર મોતી દેખાય છે. મોતી એટલા ચમકદાર હોય છે કે એને લઈ લેવા એ ઉત્સુક થઈ જાય છે. માટીનાં ઢેફા નજદીક જતાં તે જુએ છે કે તેનો હાથ મોતી સુધી પહોંચી શકતો નથી. સુક્નયા એના હાથમાં રહેલાં બે તીરથી એ મોતી કાઢવાની કોશિશ કરે છે. તીર માટીના ઢેફામાં ખૂંપતાં જ ચ્યવન ઋષિ બરાડા પાડતાં ઊભા થઈ જાય છે. એમની બંને આંખો ફૂટી ગઈ હોય છે.'

ચ્યવન ઋષિ: `આ દુષ્ટ કોણ છે? જેણે મારી આંખો ફોડી નાંખી, હું તો ઘણા વરસોથી આરાધનામાં વ્યસ્ત છું, બોલો, જલ્દી અથવા હું શાપ આપીશ તો ક્યાંયના નહીં રહો.'

ગભરાયેલી સુક્નયા પિતાને લઈને આવે છે.

સુક્નયા: `ઋષિવર, મને માફ કરો. બે ચમકદાર મોતી જોતાં હું લલચાઈ ગઈ અને મારા હાથમાં રહેલા તીર ખૂંપી બેસી. હું તમારી માફી માંગું છું.'

રાજા શર્યાતી: `હા... ઋષિવર મારી પુત્રી રાજકુમારી સુક્નયાની કોઈ ભૂલ નથી. તમારી આંખોને ચમકદાર મોતી સમજી તીર ખૂંપી બેસી છે, એને માફ કરો, હું રાજા શર્યાતી તમારી માફી માંગું છું.'

ચ્યવન ઋષિ: `રાજન! તમે માફી માંગો તો શું અર્થ? મારે તો જીવનભર આંખોની રોશની વગર જ જીવવું પડશે ને? મારી પિડા કઈ રીતે શાંત થશે?'

ત્યાં ઉપસ્થિત રહેલા કોઈપણ કંઈ ન બોલતાં ચ્યવન ઋષિ કહે છે, `બોલો રાજન! બોલો મારે મારું જીવન કઈ રીતે વ્યતિત કરવું?'

સુક્નયા: `હે ઋષિવર, ચિંતા ન કરો, તમારે જ્યોતિર્હિન બની નહીં જીવવું પડે, અજાણતાં થયેલા પાપનું હું તમારા આંખોની જ્યોતિ બની પ્રાયશ્ચિત કરીશ, હું તમારી દાસી બની તમારી આંખોને રોશની આપીશ.'

ચ્યવનઋષિ: `રાજકુમારી તમને તમારી પિતા પરવાનગી આપશે?'

સુક્નયા: `હે પિતાશ્રી! મારાથી થયેલા પાપનું હું પ્રાયશ્ચિત કરવા માંગું છું, મને આજ્ઞા આપો કે હું ઋષિ ચ્યવનની પત્ની તરીકે તેમની આંખોની રોશની બની તેમની સેવા કરું.'

રાજા શર્યાતી: `પુત્રી તમારી ઈચ્છા રાજપરિવારની ગરિમાને ઉજાગર કરનારું છું, હું તમને આશીર્વાદ આપું છું કે તમે સુખી રહો.'

રાજા શર્યાતીની અનુમતી મળતાં જ રાજકુમારી સુક્નયા ને ચ્યવન ઋષિના લગ્ન ધામધૂમથી પૂર્ણ થાય છે. રાજકુમારી સુક્નયા હવે ઋષિપત્ની બની ચ્યવન ઋષિની આંખોની રોશની બની આશ્રમમાં પોતાના પાપનું પ્રાયશ્ચિત કરે છે.

એક સમયે સુક્નયા નદી કિનારે પાણી ભરવા જાય છે, પાણી ભરીને ફરવા જાય છે તો તેની સામે બે યુવાન ઊભા હોય છે.

યુવાન: `હે સુક્નયા, તમે ખૂબ જ સુંદર છો. તમે વૃદ્ધ નેત્રહીન ચ્યવન ઋષિ સાથે લગ્ન કરી જીવનની સૌથી મોટી ભૂલ કરી છે. તમારા યૌવન અને જીવન સાથે અન્યાય કર્યો છે, અમારામાંથી કોઈપણ એકને પતિ તરીકે સ્વીકાર કરી તારું યૌવન અને જીવન સફળ કરી શકે છે. અમે અમારી ઔષધિઓથી તારા પતિનું કાયાકલ્પ કરી તેમને દૃષ્ટિ અને યૌવન ફરી આપી દેશું. દેવી સુક્નયા તું પણ પાપમુક્ત થઈ જશે.'

સુક્નયા: `હે અશ્વિનીકુમારો! તમે તો મારા પૂજ્ય છો. હું એક સતિ નારી છું, મારી સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂકી તમારું દેવત્વ અને મારા સતિત્વને લાંછન લગાડી રહ્યા છો. આપ દેવતાઓના વૈદ્ય છો અને મારા પતિ ચ્યવનઋષિને સ્વસ્થ કરવા સક્ષમ છો. તમે મારા પર કૃપા કરવા પ્રગટ થયા છો તો કૃપા કરી મારા પતિને સ્વસ્થ બનાવી તેમને ફરી દૃષ્ટિ આપો. મારી પ્રાર્થના સ્વીકારો પ્રભુ.'

અશ્વિની કુમાર: `દેવી સુક્નયા! અમે ભગવાન શિવના આદેશથી જ અહીં પ્રગટ થયા છીએ. અમે તમારી દૃઢતા અને સતિત્વની જ પરીક્ષા લઈ રહ્યા હતા, ચાલો અમને ચ્યવનઋષિ પાસે લઈ જાઓ.'

સુક્નયા: `ચાલો પભુ ચાલો.'

અશ્વિનીકુમારો ચ્યવન ઋષિના આશ્રમે પહોંચે છે, અશ્વિનીકુમારો ચ્યવન ઋષિની આંખોમાં તેમની ઔષધિઓનો લેપ કરે છે.

અશ્વિનકુમાર: `ચ્યવન ઋષિ તમારી આંખો પરથી લેપને ધીરે ધીરે દૂર કરો.'

ચ્યવનઋષિ બેઠાં થઈ ધીરે ધીરે તેમનો લેપ દૂર કરે છે અને આંખો ખોલતાં જ સામે સુક્નયા દેખાય છે.

ચ્યવનઋષિ: `સુક્ન્યા હું તમને જોઈ શકું છું, મારી દૃષ્ટિ પરત આવી છે. આપ ધન્ય છો અશ્વિનકુમારો. તમે મારા પર મહાન ઉપકાર કર્યો છે.'

અશ્વિનકુમાર: `અમે તો ભગવાન શિવના આદેશનું પાલન કર્યું છે. હવે તમે આ પ્રાશનું સેવન કરો. આ પ્રાશના સેવનથી તમારું યૌવન ફરી આવશે. તમે યુવાન બની જશો.'

ચ્યવનઋષિ અશ્વિનકુમાર દ્વારા અપાયેલા પ્રાશનું સેવન કરતાં જ યુવાન થઈ જાય છે.

ચ્યવન ઋષિ: `ધન્ય છે દેવી સુક્નયા! તમારા સતિત્વથી મારી દૃષ્ટિ અને યૌવન પરત આવ્યું છે. હું ફરી યુવાન થઈ ગયો છું. ધન્ય છે દેવી.'

સુક્નયા: `હે અશ્વિનકુમાર, ભગવાન શિવના આદેશથી તમે સ્વામિને દૃષ્ટિ આપી યુવાન બનાવ્યા એ બદલ હું તમને નમન કરું છું.'

અશ્વિનકુમાર: `હે ચ્યવનઋષિ સમગ્ર સંસારમાં આ પ્રાશને જે પણ આરોગશે તે પોતાની યુવાની જાળવી રાખશે   અને સમગ્ર સંસારવાસીઓ આ પ્રાશને ચ્યવનપ્રાશના નામે ઓળખશે. 
(ક્રમશ:)