Mon Jul 27 2026

Logo

શિવ રહસ્ય: જીવનભર શિવ-શક્તિની આરાધના કરી જીવન-મૃત્યુના ફેરાથી છૂટવા માંગતી હતી

2026-07-27 09:37:00
Author: Bharat Patel
Article Image

- ભરત પટેલ

માતા પાર્વતીની આંખોમાંથી નીકળી રહેલા આંસુથી ભગવાન શિવ વ્યથિત થાય છે. માતા પાર્વતી કુમાર કાર્તિકેયને મળવા જતા હોય છે ભગવાન શિવ તેમને અટકાવતાં કહે છે, ‘થોભો પાર્વતી, આ વસ્તુસ્થિતિ યોગ્ય નથી, સંતાનોના વિકાસ માટે તેમને માતા-પિતાએ એકલા છોડવા અનિવાર્ય છે. તેમણે ફરી રણસંગ્રામમાં ઉતરવું પડશે. તમારે ચિંતિત થવાની જરૂર નથી. કુમાર તેમની પાલક માતા કૃતિકાઓ પાસે પહોંચી ગયા છે.’ સામે કૃતિકા લોકમાં કુમાર કાર્તિકેયને જોઈ કૃતિકા માતાઓ (સીવા, સંભુતી, પ્રિતી, સન્નતી, અનસુયા અને ક્ષમા) ભાવવિભોર બની જાય છે.

કુમાર કાર્તિકેય બધી માતાને પ્રણામ કરી આશિર્વાદ લે છે. માતા સીવા કહે છે, ‘પુત્ર તમે આટલા વરસો સુધી ક્યાં હતાં, માતાની યાદ ન આવી? પુત્રના વિરહમાં માતાની એક એક પળ કઈ રીતે વીતે છે એ તમને ક્યાંથી ખબર પડે?’ માતાઓને પ્રસન્ન કરવા કુમાર કાર્તિકેય કહે છે, ‘માતા હવે તમારા વિરહનો અંત આવી ગયો છે હું અહીં તમારી સાથે છું. તમારો સ્નેહ પામી હું પોતાને પરમ ભાગ્યશાળી હોવાની અનુભૂતિ પામી રહ્યો છું.’

કૃતિકાઓ કુમાર કાર્તિકેયને લાડ લડાવવા લાગી, પણ કુમાર કાર્તિકેયના મુખ મંડલ પરની આભા જોઈ કૃત્તિકાઓ સમજી શકતી હતી કે કાર્તિકેય કોઈ તકલીફમાં છે. માતા અનસુયા તેમને કહે છે, ‘પુત્ર સંકોચ ન અનુભવો, અમે તમને પ્રેમ કરીએ છીએ, તમારી માતા છીએ, તમારા મુખ મંડળની આભા જોઈ સમજી શકીએ છીએ કે તમે કોઈ પીડા અનુભવી રહ્યા છો, કહો પુત્ર શું થયું?’ કુમાર કાર્તિકેય કહે છે, ‘અરુણાસુર નામે એક અસુર છે તેણે પોતાની માતાને ફરી જીવિત કરવા યમદેવનો વધ કરવા જ જઈ રહ્યો હતો મેં તેને અટકાવ્યો, એણે કહ્યું હું મારી માતા ફક્ત પુન:જીવિત કરવા માગું છું અને ત્યારબાદ આજીવન ભગવાન શિવનો સેવક બની તેમની ભક્તિ કરીશ, પણ પિતાજી અરુણાસુરની માતાને પુન:જીવિત કરવા માગતા નથી.

હું ફક્ત એની માતાને પુન:જીવિત કરવા માગું છું કોઈ અમરત્વ નથી માંગતો.’ માતા સીવા સમજાવતાં કહે છે, ‘ભગવાન શિવ અને માતા પાર્વતી યોગ્ય જ કહી રહ્યા છે. સાધારણ માનવી માટે જીવન-મરણનું સંસારચક્ર તોડવું યોગ્ય નથી. તમારે આવું વચન ન આપવું જોઈએ.’ માતા સીવાની વાતથી કુમાર કાર્તિકેયને દુ:ખ થતાં તેઓ ત્યાંથી વિદાય લે છે. કૃતિકા માતાઓ કૈલાસ પહોંચી બધી વાત ભગવાન શિવને જણાવે છે.

ભગવાન શિવ અને માતા પાર્વતી કુમાર કાર્તિકેયને સમજાવવા તેમની પાસે  જાય છે અને  કહે છે, ‘પુત્ર તમારી ભાવનાઓને સંયમમાં રાખો, તમે એક દેવ સેનાપતિ છો, તમારું કર્તવ્ય શું છે એ સમજો.’ ક્રોધિત કાર્તિકેય માતાનો હાથ છોડી ત્યાંથી ક્ષિરસાગર તરફ પ્રયાણ કરે છે. બીજી તરફ અરુણાસુર પ્રકૃતિને પામવા માતા પાર્વતીની આરાધના કરવા લાગ્યો હતો, તેના શરીરમાંથી અગ્નિની જ્વાળાઓ પ્રગટ થવા માંડી.

કુમાર કાર્તિકેય ક્ષિરસાગર પહોંચે છે.

ભગવાન શ્રીહરિ વિષ્ણુ: ‘આવો કુમાર તમારું ક્ષિરસાગરમાં સ્વાગત છે.’

કુમાર કાર્તિકેય: ‘હું અહીં ક્ષિરસાગરમાં એક બાળકરુપે પોતાના મામા શ્રીહરીને મળવા આવ્યો છું.’

ભગવાન શ્રીહરિ વિષ્ણુ: ‘કુમાર ક્ષિરસાગર તમારું મોસાળ છે, પ્રેમથી કહો તમારા મામા સાંભળવા તૈયાર છે.’

કુમાર કાર્તિકેય: ‘હું મારું બાલ્યકાળ વ્યતીત કરી રહ્યો હતો ત્યાં એક દિવસ મને ખબર પડી કે મારા માતા-પિતા કોણ છે. તેમની આજ્ઞાથી હું તેમની સાથે કૈલાસ ગયો. હું પુત્ર પ્રેમને પામવા મથી રહ્યો હતો ત્યાં પિતાજીએ મારા હાથમાં શસ્ત્રો આપી દીધા અને તેઓ મારા પિતા નહીં ગુરુ બની ગયા. શસ્ત્ર શિક્ષા મેળવી હું સેનાપતિ બની ગયો. હું ક્યારેય પુત્ર બની શક્યો નથી. તારકાસુરના વધ બાદ બધાને લાગતું હતું કે હું દેવોનો રાજા બનીશ, પણ પિતાજીએ કહ્યું કે હું દેવોનો રાજા નહીં બની શકું. પિતાજીએ કહ્યું ત્યારે દેવતાઓના રક્ષણ માટે યુદ્ધ કર્યું છે,  અરુણાસુર સાથેના દરમિયાન મેં અરુણાસુરમાં પોતાની માતાનો પ્રેમ-વાત્સલ્ય મેળવવા તડપતો એક પુત્ર જોયો એટલે એક ક્ષણ લાગણીસભર બની જઈ તેને વચન આપ્યું કે તારી માતા અવશ્ય પુન:જીવિત થશે.’

ભગવાન શ્રીહરિ વિષ્ણુ: ‘ભૂલ કરી છે કાર્તિકેય તમે. પણ તમે એમ વિચારી રહ્યા હો કે માતા-પિતા પ્રેમ નથી કરતાં એ તમારી સૌથી મોટી ભૂલ છે. સમસ્યા એક વચનની નથી સમસ્યા એક પુત્રને ભ્રમિત કરી તેની ભાવનાઓનો દુરુપયોગ કરવાની છે. જેનું પરિણામ સંસારને અસંતુલીત કરી દેવાનું છે. એક દિવસ તમને ગ્લાનિ થશે કે તમારા માતા-પિતા તમને કેટલો પ્રેમ કરે છે, તમે એમને કેમ સમજી ન શક્યા. મારા પર વિશ્ર્વાસ રાખી કૈલાસ જાઓ.’

કુમાર કાર્તિકેય: ‘જેવી તમારી ઇચ્છા મામાજી.’

ભગવાન શ્રીહરિ વિષ્ણુ: ‘સફળ ભવ:’

કુમાર કાર્તિકેય ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ લઈ કૈલાસ પહોંચે છે.

માતા પાર્વતી: ‘પુત્ર તમારું કૈલાસ ખાતે આગમન શુભ ફ્ળ આપનારું બનશે.’

કુમાર કાર્તિકેય: ‘માતા મારું જીવન દેવતાઓના કલ્યાણ માટે જ લખાયું છે, માતા પિતાના સ્નેહ માટે નહીં.’

માતા પાર્વતી આટલું સાંભળી વ્યથિત થઈ જાય છે. જ્યારે એક માતાની મમતા પર પ્રશ્ર્ન ઉઠે છે ત્યારે માતા એ સહન કરી શકતી નથી. 

માતા પાર્વતી: ‘પુત્ર તમે આપેલું વચન ખોટું નહીં પડે, હું અરુણાસુરની માતાને પુન:જીવિત કરીશ, પણ પુત્ર એટલું જરૂર કહીશ કે તમે સ્થિતિને એટલી અનિયંત્રિત કરી દીધી છે કે તમે પોતે પણ નિયંત્રિત નહીં કરી શકશો. હવે જે કરવાનું હશે એ સ્વયં હું કરીશ. હું છેલ્લી વાર તમને પૂછું છું કે શું તમારા વચનની પૂર્તિ હજી આવશ્યક છે.’

થોડા સમય સુધી કુમાર કાર્તિકેય તરફથી કોઈ જવાબ ન મળતાં માતા પાર્વતી કહે છે કે ‘તમારા તરફથી કોઈ ઉત્તર ન મળતાં હું એમ સમજું છું કે તમારા વચનની પૂર્તિ આવશ્યક છે.’ આટલું કહી માતા પાર્વતી ત્યાંથી વિદાય લે છે.
* * *
સામે અરુણાસુર માતા પાર્વતીની આરાધનામાં લીન હોય છે. માતા પાર્વતી તેની સામે પહોંચે છે.

માતા પાર્વતી: ‘અરુણાસુર આંખ ખોલો.’

અરુણાસુર: ‘માતા તમે દૃશ્યમાન નથી, મને દર્શન આપો.’

માતા પાર્વતી: ‘અરુણાસુર તમારી કરતૂત આસુરી હોવાથી હું તમને દર્શન નહીં આપી શકું.’

અરુણાસુર: ‘માતા દર્શન આપો અને મારી માતાને પુન:જીવિત કરો.’

માતા પાર્વતી કુમાર કાર્તિકેય દ્વારા અપાયેલા વચનની પૂર્તિ હેતુ અરુણાસુરને દર્શન આપે છે અને પોતાની યોગાગ્નિના તેજપૂંજથી અરુણાસુરની માતાને પુન:જીવિત કરે છે. અરુણાસુર તેની માતાને ભેટવા જાય છે પણ તે ભેટી શકતો નથી. તેની માતાનો આત્મા તેને રોકી દે છે અને કહે છે, ‘હે અરુણ મેં જીવનભર શિવ-શક્તિની આરાધના કરી અને જીવન-મૃત્યુના ફેરાથી છૂટવા માંગતી હતી. હું શિવ-શક્તિ દ્વારા મળેલા આશીર્વાદથી જીવન-મૃત્યુના ફેરાથી મુક્ત થવાની જ હતી પણ તેં મારા શબને અગ્નિસંસ્કાર ન આપીને મને મુક્તિ ન મળવાં દીધી. માતા પાર્વતી હું તમને વિનંતી કરું છું કે મારા પતિ દ્વારા થતા સમાજના દમનને જોઈ હું જીવન-મૃત્યુના ફ્ેરાથી છૂટવા માંગતી હતી હવે મને મુક્તિ આપો. માતા મને મારા ધામ જવાની પરવાનગી આપો. હવે તમારા તેજપૂંજના સ્પર્શથી હું મારા ધામ જઈ શકીશ.’

માતા પાર્વતી: ‘જાઓ વૈતરણી પાર કરો.’

માતા પાર્વતીના આશીર્વાદથી અરુણાસુરની માતા વૈતરણી પાર કરે છે અને જીવન-મૃત્યુના ફેરાથી મુક્તિ મેળવે છે.

પોતાની સામે મૃત માતાનું શરીર અદૃશ્ય થતાં અરુણાસુર ત્રાડ પાડે છે, ‘માતા પાર્વતી આ છળ-કપટ છે, તમે આવું કઈ રીતે કરી શકો?’ 

 (ક્રમશ:)