નવી દિલ્હીઃ અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામ પાકિસ્તાને કરાવ્યું હોવાના અહેવાલો જાહેર થયાં હતાં, પરંતુ અમેરિકન મીડિયા રિપોર્ટ્સમાં પાકિસ્તાનની પોલ ખુલી ગઈ છે. હવે આ મુદ્દે એટલે કે યુદ્ધ વિરામમાં પાકિસ્તાનની ભૂમિકા અંગે શશિ થરૂરે પણ મોટો સવાલ કર્યો છે. શશિ થરૂરે પાકિસ્તાનને લપડાવ્યું છે. પાકિસ્તાન વાસ્તવમાં કેવા કામ કરે છે તે અંગે પણ શશિ થરૂરે કટાક્ષ કર્યો છે. ચાલો વિગતે જોઈએ...
પાકિસ્તાન અમેરિકાના ઈશારે કામ કરી રહ્યું છે
કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે કહ્યું કે, પાકિસ્તાન મૂળભૂત રીતે રાજદ્વારી 'અંજીરનું પાન' તરીકે કામ કરી રહ્યું છે, જે યુનાઇટેડ સ્ટેટ્સને એક અણઘડ પરિસ્થિતિ ટાળવામાં મદદ કરી રહ્યું છે. એટલે કે આક્ષેપ એવો છે કે, પાકિસ્તાન અમેરિકાના ઈશારે કામ કરી રહ્યું છે. તેની પોતાની કોઈ ઓળખ નથી. આ યુદ્ધ વિરામમાં પણ પાકિસ્તાનની કોઈ પ્રત્યક્ષ ભૂમિકા નથી તેવા પણ અનેક અહેવાલો જોવા મળ્યાં છે.
પાકિસ્તાન તો માત્ર એક મુખોટા સમાન છે
શશિ થરૂરે કહ્યું કે, અત્યારે સંકેત એવા છે કે આખી પ્રક્રિયામાં અસલી નિર્ણય કોઈ બીજુ જ લઈ રહ્યું છે. પાકિસ્તાન તો માત્ર એક મુખોટા સમાન છે. એટલું જ નહીં પરંતુ પાકિસ્તાનના વડા પ્રધાન દ્વારા જે પોસ્ટ કરવામાં આવી હતી તેમાં જે ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો તે પણ ટ્ર્મ્પની હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પાકિસ્તાન ભલે સ્વીકારી નથી રહ્યું પરંતુ એ અત્યારે અમેરિકાના ટપાલી તરીકે કામ કરી રહ્યું છે.
યુદ્ધ વિરામમાં ભારતની ભૂમિકા પર શું બોલ્યાં થરૂર?
શશી થરૂરે ત્રણ દાયકાથી યુનાઇટેડ સ્ટેટ્સમાં કામ કર્યું છે. એટલે અમેરિકાનું વલણ કેવું હોય છે તેનાથી તેઓ પરિચીત છે. શશિ થરૂરે વધુમાં કહ્યું કે, વર્તમાન પરિસ્થિતિઓમાં પાકિસ્તાન પાસે ચોક્કસ રાજદ્વારી ફાયદા છે. પાકિસ્તાન એવી ભૂમિકા ભજવી શકે છે જે અમેરિકા અને ઈરાનને તણાવ ઓછો કરવા સક્ષમ બનાવે છે, બંને પક્ષોને એવું ન લાગે કે તેઓ એકબીજા સામે શરણાગતિ સ્વીકારી રહ્યા છે. ભારતની ભૂમિકા પર બોલતા, શશી થરૂરે કહ્યું કે નવી દિલ્હીએ પણ આગળ વધવું જોઈએ - ભલે પાકિસ્તાન મધ્યસ્થીનું કામ કરી રહ્યું હોય! જો કે, ભારત દ્વારા આ મામલે પ્રત્યક્ષ રીતે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.