(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે પાછલા ત્રણ ટ્રેડિંગ દિવસોમાં ભારે પછડાટ ખાધા પછી, સોમવારે ખાસ કરીને બ્લુ-ચિપ બેંકિંગ કાઉન્ટર્સમાં વેલ્યુ બાઇંગનો ટેકો મળતાં બેન્ચમાર્ક શેરઆંક સેન્સેક્સ અને નિફ્ટીમાં એક ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. ઇરાને હોર્મુઝ સ્ટ્રેઇટમાંથી અમેરિકા અને ઇઝરાયલ સિવાયના ઓઇલ ટેન્કરોને પસાર થવા માટે આપેલી લીલીઝંડી અને ભારતના બે એલપીજી ટેન્કર ત્યાંથી સરળતાથી પસાર થઇ ગયા હોવાના અહેવાલને કારણે બજારના સેન્ટિમેન્ટમાં સુધારો થયો હતો.
બીએસઈ સેન્સેક્સ દિવસ દરમિયાન ભારે અફડાતફડી સાથે ૭૫,૮૦૫.૨૭ પોઇન્ટની ઊંચી સપાટી અને ૭૩,૯૪૯.૭૬ પોઇન્ટની નીચી સપાટી વચ્ચે ફંગોળાયા બાદ અંતે ૯૩૮.૯૩ પોઈન્ટ અથવા ૧.૨૬ ટકા ઉછળીને ૭૫,૫૦૨.૮૫ પર સ્થિર થયો હતો. જ્યારે એનએસઈ નિફ્ટી ૨૫૭.૭૦ પોઈન્ટ અથવા ૧.૧૧ ટકા વધીને ૨૩,૪૦૮.૮૦ પોઇન્ટની સપાટી પર બંધ થયો હતો.
નોંધવું રહ્યું કે, પાછલા સપ્તાહે, સેન્સેક્સ ૪,૩૫૪.૯૮ પોઈન્ટ અથવા ૫.૫૨ ટકા ઘટીને ૭૪,૫૬૩.૯૨ની સપાટી પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી ૫૦ ૧,૨૯૯.૩૫ પોઈન્ટ અથવા ૫.૩૧ ટકા ઘટીને ૨૩,૧૫૧.૧૦ની સપાટી પર બંધ થયો હતો, જે તાજેતરના વર્ષોમાં સૌથી અત્યંત તીવ્ર સાપ્તાહિક ઘટાડામાંનો એક છે. પાછલા સપ્તાહના છેલ્લા ત્રણ જ સત્રમાં સેન્સેક્સમાં લગભગ ૩૭૦૦ પોઇન્ટથી વધુ ધોવાણ થયું છે.
સેન્સેક્સના શેરોમાં અલ્ટ્રાટેક સિમેન્ટ ૪.૨૨ ટકા ઉછળીને ટોપ ગેઇનર બન્યો હતો. અન્ય વધનારા શેરોમાં ટ્રેન્ટ, એચડીએફસી બેન્ક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ઇટર્નલ, બજાજ ફાઇનાન્સ, આઇટીસી, ટાટા સ્ટીલ અને સ્ટેટ બેન્કનો સમાવેશ હતો. જ્યારે ભારત ઇલેક્ટ્રોનિક્સ, સન ફાર્મા, પાવર ગ્રીડ અને ભારતી એરટેલ સૌથી વધુ ઘટનારા શેર રહ્યા હતા. સત્રના પાછલા ભાગમાં ખાસ કરીને ઓટો, બેંકિંગ અને એફએમસીજી શેરોમાં વેલ્યુ બાઇંગનો ટેકો મળતાં બજારમાં રીલીફ રેલી જોવા મળી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ સ્ક્રિપ્સમાં મુખ્યત્વે અલ્ટ્રાટેક સિમેન્ટ ૪.૨૨ ટકા, ટ્રેન્ટ ૩.૦૧ ટકા, એચડીએફસી બેન્ક ૨.૮૮ ટકા, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૨.૮૬ ટકા, ઈટર્નલ ૨.૮૦ ટકા, બજાજ ફાઈનાન્સ ૨.૭૯ ટકા, આઈટીસી ૨.૨૨ ટકા, ટાટા સ્ટીલ ૨.૦૪ ટકા, સ્ટેટ બેન્ક ૧.૮૯ ટકા, બજાજ ફિનસર્વ ૧.૮૮ ટકા અને આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૪૯ ટકા વધ્યા હતા, જ્યારે બીઈએલ ૨.૩૨ ટકા, સન ફાર્મા ૧.૨૫ ટકા, પાવર ગ્રીડ ૦.૯૮ ટકા, ભારતી એરટેલ ૦.૮૨ ટકા, એનટીપીસી ૦.૫૯ ટકા અને ટાટા ક્ધસલ્ટન્સી ૦.૦૮ ટકા ઘટ્યા હતા.
ભારતીય શેરબજારમાં ત્રણ સત્ર બાદ જોવા મળેલા સુધારામાં ખાસ કરીને બેન્ક્સ, ફાઈનાન્સિયલ સર્વિસીસ અને ઓટો શેર્સ સર્વાધિક વધ્યા હતા, જ્યારે ઓઈલ એન્ડ ગેસ અને હોસ્પિટલ્સ શેર્સ સૌથી અધિક ઘટ્યા હતા અને સત્રને અંતે માર્કેટ કેપમાં રૂ.૭૫૦૦૦ કરોડનો વધારો નોંધાયો હતો. સેન્સેક્સની ૩૦ સ્ક્રિપમાંથી ૨૪ સ્ક્રિપ્સ વધી અને ૬ સ્ક્રિપ ઘટી હતી.
બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ ૧૫૦ મિડકેપ ૦.૪૨ ટકા અને બીએસઈ ૨૫૦ સ્મોલકેપ ૦.૪૭ ટકા ઘટ્યા હતા. સ્ટ્રેટેજી ઈન્ડાયસીસમાં બીએસઈ આઈપીઓ ઈન્ડેક્સ ૦.૫૦ ટકા અને બીએસઈ એસએમઈ આઈપીઓ ૦.૯૮ ટકા ઘટ્યા હતા. માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૪૨૯.૮૨ લાખ કરોડથી રૂ.૦.૭૫ લાખ કરોડ વધીને રૂ.૪૩૦.૫૭ લાખ કરોડ રહ્યું હતું.
સેક્ટરલ ઈન્ડેક્સમાં મુખ્યત્વે બીએસઈ ટોપ ૧૦ બેન્ક્સ ૧.૬૧ ટકા, પ્રાઈવેટ બેન્ક ૧.૩૮ ટકા, ફાઈનાન્સિયલ સર્વિસીસ ૧.૩૨ ટકા, ઓટો ૧.૨૩ ટકા, બેન્કેક્સ ૧.૦૮ ટકા, એફએમસીજી ૦.૯૪ ટકા, કંઝ્યુમર ડિસ્ક્રેશનરી ૦.૫૬ ટકા, કોમોડિટીઝ ૦.૫૫ અને પીએસયુ બેન્ક ૦.૪૫ ટકા વધ્યા હતા, જ્યારે ઓઈલ એન્ડ ગેસ ૨.૨૯ ટકા, હોસ્પિટલ્સ ૧.૬૪ ટકા, રિયલ્ટી ૧.૫૧ ટકા, એનર્જી ૧.૩૬ ટકા, હેલ્થકેર ૧.૧૩ ટકા, કેપિટલ ગુડ્સ ૦.૯૧ ટકા અને પાવર ૦.૫૯ ટકા ઘટ્યા હતા.
એક્સચેન્જમાં ૪,૫૩૭ સ્ક્રિપ્સમાં કામકાજ થયું હતું. ૧,૫૦૯ સ્ક્રિપ્સ વધી હતી, ૨,૮૬૦ સ્ક્રિપ્સ ઘટી હતી અને ૧૬૮ સ્ક્રિપ્સ સ્થિર રહી હતી. ૮૧ સ્ટોક્સ બાવન સપ્તાહની ઉચ્ચ સપાટીએ અને ૯૦૭ સ્ટોક્સ બાવન સપ્તાહની સૌથી નીચી સપાટીએ પહોંચ્યા હતા. ૧૧ સ્ક્રિપ્સને ઉપલી અને ૧૨ સ્ટોક્સને નીચલી સર્કીટ લાગી હતી.
એશિયન બજારોમાં, જાપાનનો નિક્કી ૨૨૫ ઇન્ડેક્સ અને શાંઘાઈનો એસએસઇ કમ્પોઝિટ ઇન્ડેક્સ નીચા સ્તરે બંધ થયો, જ્યારે દક્ષિણ કોરિયાનો બેન્ચમાર્ક કોસ્પી અને હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ ઊંચો સ્થિર થયો. યુરોપમાં બજારો મોટાભાગે નીચા સ્તરે ટ્રેડ કરી રહ્યા હતા. શુક્રવારે યુએસ બજાર નીચા સ્તરે બંધ થયું હતું.
ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક, બ્રેન્ટ ક્રૂડ, ૧.૪૧ ટકા ઉછળીને ૧૦૪.૪ પ્રતિ બેરલ બોલાયું હતું. એક્સચેન્જ ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ શુક્રવારે રૂ. ૧૦,૭૧૬.૬૪ કરોડના ઇક્વિટી વેચ્યા હતા, જોકે, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. ૯,૯૭૭.૪૨ કરોડના શેર ખરીદ્યા હતા.
ભારત માટે પોઝિટીવ ડેવલપમેન્ટમાં હોર્મુઝ સ્ટ્રેઇટથી ભારતનું એક ઓઇલ ક્ધટેનર ભારત આવી પહોંચ્યું હોવાના અહેવાલ છે અને એલપીજીના અન્ય બે જહાજ, શિવાલિક અને નંદાગીરી સ્ટ્રેઇટ ઓફ હોર્મુઝમાંથી હેમખેમ પસાર થઇ ગયા હોવાથી સેન્ટિમેન્ટમાં સુધારો હતો. ઇરાને ભારતના જહાજોને હોર્મુઝ સામુદ્રધુનીમાં પસાર થવાની પરવાનગી આપ્યા બદા હવે અમેરિકા અને ઇઝરાયલ સિવાયના તમામ દેશના ક્ધટેન્રને પસાર થવાની પરવાનગી જાહેર કરી છે.