(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગુરુવારે બેન્ચમાર્ક શેરઆંકોમાં વિરોધાભાસી ચાલ જોવા મળી હતી, સેન્સેક્સ લગભગ ૧૧૪ પોઈન્ટ વધ્યો હતો, જ્યારે નિફ્ટી ૪૦ પોઈન્ટથી વધુ ગબડ્યો હતો. ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો અને ભૂરાજકીય અનિશ્ર્ચિતતાને કારણે રોકાણકારોમાં સાવચેતીનું માનસ રહ્યું હતું. બપોરે ૩:૧૫ વાગ્યા પછી ક્લોઝિંગ ઓક્શન સેશન દરમિયાન લેવાલી નીકળતા સેન્સેક્સને ટોકો મળ્યો હતો.
સેન્સેક્સ ૧૧૩.૬૧ પોઈન્ટ અથવા ૦.૧૫ ટકા વધીને ૭૮,૦૭૯.૯૬ પર સ્થિર થયો હતો. દિવસ દરમિયાન, બેન્ચમાર્ક ૭૮,૧૧૯.૩૯ની ઊંચી સપાટી અને ૭૭,૬૬૫.૮૯ની નીચી સપાટીને અથડાયો હતો. જ્યારે નિફ્ટી સતત ત્રીજા દિવસની પીછેહઠમાં ૪૦.૧૦ પોઈન્ટ અથવા ૦.૧૬ ટકાના ઘટાડા સાથે ૨૪,૩૯૫.૮૫ પર બંધ થયો હતો.
સેન્સેક્સમાં ઇન્ટરગ્લોબ એવિએશન, એનટીપીસી, ભારત ઇલેક્ટ્રોનિક્સ, લાર્સન એન્ડ ટુબ્રો, હિંદુસ્તાન યુનિલીવર અને ઇટર્નલ ટોપ ગેઇનર હતા. જ્યારે આઇસીઆઇસીઆઇ બેન્ક, ટાઇટન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને ઇન્ફોસિસ ટોપ લુઝર રહ્યા હતા.
નિફ્ટીમાં ટાટા ક્ધઝ્યુમર, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ અને એનટીપીસીના શેર સૌથી વધુ વધનારા શેરોમાં સામેલ હતા, જ્યારે હિન્દાલ્કો, આઇસીઆઇસીઆઇ બેંક અને અલ્ટ્રાટેક સિમેન્ટ ઇન્ડેક્સમાં ટોચના ઘટાડા સાથે બંધ થયા હતા. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૧.૪૪ ટકાના ઘટાડા સાથે ૮૭.૭૦ ડોલર પ્રતિ બેરલ બોલાયું હતું.
ક્ષેત્રીય સૂચકાંકોમાં નિફ્ટી મેટલમાં ૧.૦૫ ટકાનો સૌથી વધુ ઘટાડો હતો, બેંક નિફ્ટી ૦.૪૩ ટકા ઘટ્યો હતો, જ્યારે ફાઇનાન્શિયલ સર્વિસિસ ઇન્ડેક્સ ૦.૩૭ ટકાઘટ્યો હતો. બીજી બાજુ, નિફ્ટી રિયલ્ટી અને એફએમસીજી લગભગ એક ટકા વધ્યા હતા.ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ અને આઇટી અડધા ટકા સુધી વધ્યા હતા.
બજાર નબળાઈ સાથે ખુલ્યું હતું, જેમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો અને આંતરરાષ્ટ્રીય સ્તરેથી મળી રહેલા મિશ્ર સંકેતોની ચિંતા વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી ઘટ્યા હતા. જોકે, પસંદગીના લાર્જ-કેપ શેરોમા જોવા મળેલી રિકવરી અને સ્મોલ-કેપ શેરોમાં નોંધાયેલી સતત મજબૂતાઈએ બેન્ચમાર્ક શેરઆંકોને તેમના મોટાભાગના નુકસાનને ઘટાડવામાં મદદ કરી હતી.
યુએસ-ઈરાન સોદા અંગે સતત અનિશ્ર્ચિતતાને કારણે સ્થાનિક બજાર દિશા શોધવા માટે સંઘર્ષ કરી રહ્યું હતું. પાછલા કેટલાક સત્રોથી શેરબજારમં આ જ વલણ રહ્યું છે. અહેવાલો અનુસાર, ઈરાન અને યુએસ બંનેએ દાવો કર્યો છે કે તેઓ હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણ ધરાવે છે. નોંધવું રહ્યું કે, આ સાંકડા જળમાર્ગ દ્વારા વિશ્ર્વના ક્રૂડ ઓઇલ શિપમેન્ટનો લગભગ પાંચમા ભાગ જેટલો હિસ્સો સ્થ્ાળાંતરિત થાય છે.
આ વર્ષે ૨૮ ફેબ્રુઆરીથી શરૂ થયેલા યુદ્ધના શરૂઆતના દિવસોમાં ઈરાને સ્ટ્રેટ બંધ કરી દીધું હતું. અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટ પર નૌકાદળ નાકાબંધી પણ લાદી હતી, જેના કારણે તહેરાનને ઓઇલ શિપમેન્ટનો પોતાનો હિસ્સો બંધ કરવો પડ્યો હતો.
યુનાઇટેડ સ્ટેટ્સના રિટેલ ફુગાવાના ડેટા અપેક્ષિત ધારણા પ્રમાણે આવ્યા અને ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધારાની આશાઓને ધૂંધળી બનાવી દીધી, જેના કારણે એશિયન બજારો મિશ્ર બંધ થયા હતા. જાપાનનો નિક્કી ઇન્ડેક્સ ૧.૨૪ ટકા વધ્યો, ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ ૦.૫૦ ટકા ઘટ્યો, હોંગકોંગનો હેંગ સેંગ ૦.૨૦ ટકા ઘટ્યો અને દક્ષિણ કોરિયાનો કોસ્પી ૩.૫૬ ટકા વધ્યો હતો.