Tue Aug 11 2026

Logo

જે અગાઉ ક્રેશ તથા ક્રાઈસિસના અનુભવોમાંથી પસાર થયા નથી એવી... નવી પેઢીના રોકાણકારો માટે વર્તમાન બોધપાઠ

2026-03-22 09:46:00
Author: Jayesh Chitaliya
Article Image

 

શૅરબજારમાં એક બહુ મોટો વર્ગ કોવિડ બાદ બજારમાં પ્રવેશ્યો, જેને રોકાણકારોની નવી પેઢી- આજના સમયમાં જેન-ઝી પણ કહેવાય છે, જેમણે મહદઅંશે બજારને તેજીમાં અને વૃદ્ધિમાં જોયું છે. હાલની માર્કેટ જેવા ગાબડાં કે ગ્લોબલ ક્રાઈસિસ જોયા નથી. આ વર્ગ સહિત તમામ વર્તમાન સંજોગોમાંથી શું શીખી શકે? 

જયેશ ચિતલિયા

શૅરબજારમાં કોવિડ-19 ના સમયમાં એક વિશાળ વર્ગ શૅરબજારમાં પ્રવેશવા મજબૂર થયો હતો, કેમ કે લોકોએ નોકરીઓ ગુમાવી અને સ્વરોજગાર પણ ગુમાવ્યા, ઘરે બેસી જવું પડયું, કારણ કે બધે લૉકડાઉન હતું. ઘેરબેઠાં લાખો લોકોએ શૅરબજારમાં ટ્રેડિંગ કરવાનો ઉપાય કે વિકલ્પ અજમાવાનો શરૂ કર્યો અને એ થોડો સમય બાદ આવેલી બજારની તેજીમાં કમાતા પણ થયા. 

આમ એક વિશાળ વર્ગ શૅરબજારમાં ‘લગે રહો મુન્નાભાઇ’ની જેમ લાગી ગયો. એ પછી તો યુવા વર્ગ પણ બજારમાં પ્રવેશતો ગયો અને એક્ટિવ થઈ ગયો, જેમણે મોબાઈલ એપ મારફત જ સોદા કરવા માંડયા, આઈપીઓમાં અરજી કરવા લાગ્યા અને થોડો વખત બાદ તો આ જેન-ઝી વર્ગ ડેરિવેટિવ્ઝ જેવાં જોખમી સાધનો ઓપ્શન-ફયુચર્સ (એફ એન્ડ ઓ)માં ટ્રેડિંગ કરતો પણ થઈ ગયો. 

બીજા શબ્દોમાં કહીએ તો આ નવા વર્ગે મહદઅંશે બજારમાં તેજી જોઈ હતી. મંદીના દર્શન કર્યા જ નહોતા. રશિયા-યુક્રેન યુદ્ધ વખતે કરેકશન જોયા ખરાં, પણ ઈરાન-ઈઝરાયલ યુદ્ધે આ વર્ગને બજારના હેવી કરેકશન અને ક્રેશ કેવા હોય એ સમજાવી દીધું. આવા રોકાણકારોની સંખ્યા લાખો-કરોડોમાં છે, એક અભ્યાસ મુજબ કોવિડ બાદ શૅરબજારમાં પ્રવેશનારની સંખ્યા પાંચ કરોડ જેટલી વધી છે અર્થાત્ પાંચેક કરોડ નવા રોકાણકારો માર્કેટમાં આવ્યા.

આમ એક દાયકામાં ભારતીય શૅરબજારે મહદઅંશે બુલિશ ટ્રેન્ડ જોયો હોવાથી રોકાણકારોનો બહુ મોટો વર્ગ ગ્લોબલ ક્રાઈસિસ-ક્રેશ કે ભારે મંદીને જોવા-સમજવામાંથી મુકત રહી ગયો. આવા સમયમાં મૂડીધોવાણ કેવું થાય છે તેનો ગંભીર અહેસાસ આ વર્ગને ભાગ્યે જ થયો હતો. આ  વર્ગે હર્ષદ મહેતા અને કેતન પારેખ-ડોટકોમના સમયની ઘટનાઓ વિશે વાંચ્યું, સાંભળ્યું અને ટીવીના માધ્યમથી જોયું પણ હશે, પરંતુ વાસ્તવિક અહેસાસ તેમને 2026ના આ સમયમાં જોવા સાથે અનુભવવા મળ્યો છે. આ ઘટના જેન-ઝી ઈન્વેસ્ટર્સ માટે બહુ મહત્ત્વનો બોધપાઠ બન્યો છે. આમ તો આ સ્માર્ટનેસ અપનાવે તો આ રોકાણકારો હાલની ખરીદીની તકનો લાભ લઈ શકે, પણ આ માટે તેમની પાસે વિવેક સાથે નિર્ણય લેવાની ક્ષમતા હોવી જોઈએ.

આ શૅરબજાર છે, ભાઈઓ...

હાલ તો લાખો ઈન્વેસ્ટર્સ ટ્રેડિંગ - ઈન્વેસ્ટમેન્ટ એપ્સ મારફત શેરસોદા કરતા થઈ ગયા છે. આઈપીઓમાં અરજી કરી લિસ્ટિંગ બાદ તરત નીકળી જવું એ તેમની માટે રમત જેવું થઈ ગયું છે. ઓછી મૂડી સાથે મોટા નફા માટે ઓપ્શન્સ ટ્રેડિંગનો સટ્ટો કરવામાં તેમને મજા આવે છે. 

જોકે ઈરાન યુદ્ધના પગલે સર્જાયેલા ગ્લોબલ સંજોગોની અસરોએ આ વર્ગને વિચારતા કરી દીધો છે કે આ શૅરબજાર છે, જ્યાં ગમે ત્યારે કંઇપણ થઈ શકે.

અલબત્ત, કોઈ પણ સ્થિતિ કાયમી હોતી નથી. યુદ્ધ તો અગાઉ પણ થઈ ચૂક્યાં છે. માત્ર જેન-ઝી કે નવા લોકો માટે આ ઘટના નવી છે. આની અસર થોડા સમય બાદ ઘટશે ને  પછી બજાર રિકવર થશે -  વધશે એ નકકી, જેમ દર ક્રેશ યા ક્રાઇસિસ બાદ થાય છે તેમ ... હવે આ જેન ઝી વધુ સમજ-ધીરજ અને પરિપકવતા ધરાવતા થશે એવી આશા ચોકકસ રાખી શકાય. ભારતીય મૂડીબજાર-શૅરબજાર માટે આ તંદુરસ્ત નિશાની ગણાય.

હવે ધ્યાનમાં રાખવા જેવી વાત...

વર્તમાન સંજોગોમાં જેન-ઝી ઈન્વેસ્ટરે શું ધ્યાનમાં રાખવું એ સમજીએ. આમ તો આ વાત બધાંને જ લાગુ પડે છે, પરંતુ જેમણે માર્કેટની તેજી-મંદીની કમસે કમ બે સાઈકલ જોઈ નથી તેમની માટે આ સમજવું વધુ મહત્ત્વનું છે. આ સમયમાં એસેટ એલોકેશન પર ધ્યાન વધુ જરૂરી બની જાય. હાલ પેનિક કરતા પેશન્સ રાખવા, વોલેટિલિટીના માહોલમાં શિસ્ત રાખવી. એ જ રીતે સમાચારોના આધારે વારંવાર નિર્ણય બદલતા રહેવું નહીં, માર્કેટ પ્રત્યે ઝાઝું ઈમોશનલ પણ ન  બનવું. 

સામાન્ય રીતે ઈક્વિટી માર્કેટ બગડે ત્યારે અને ક્રાઈસિસ કે વોરના સમયમાં ગોલ્ડ વધુ ધ્યાન ખેંચે છે, જેથી ગોલ્ડમાં રોકાણનું પ્રમાણ થોડું વધારી શકાય. પણ ફિઝિકલ કરતાં ડિમેટ ગોલ્ડ વધુ બહેતર. એકસાથે રોકાણ કરવાને બદલે નાની-નાની રકમ સાથે એટલે કે જઈંઙ માર્ગે રોકાણ કરવાનું રાખવું. માત્ર કવાલિટી સ્ટોકસ (ફંડામેન્ટલ્સ આધારિત) પસંદ કરવામાં સાર રહેશે. 

કરેકશનમાં ખરીદી માટે કેશ હાથ પર રાખવા. અમુક સેકટર્સ પર યુદ્ધ દરમિયાન પણ બહુ અસર થતી નથી, જેમ કે ઋખઈૠ (ફાસ્ટ મુવિંગ ક્ધઝયુમર્સ ગુડસ), ફાર્મા, યુટિલિટીઝ અને સંરક્ષણ ક્ષેત્ર, આવા સેકટરમાંથી મજબતિં સ્ટોકસ સિલેકટ કરાય. આવા સમયમાં વધુ પડતું સટ્ટો કરવાથી દૂર રહેવું, 

ઈતિહાસ સાક્ષી છે કે યુદ્ધમાં ઘટેલું બજાર પછીથી રિકવર થાય છે, પણ તેને લાંબો સમયગાળો આપવો આવશ્યક છે.