Wed Sep 02 2026

Logo

શાળાની વિદ્યાર્થિનીનો કર્યો વિનયભંગ, પચાસ હજાર પડાવ્યા: યુવક ઝડપાયો...

2026-03-04 18:01:08
Author: Yogesh D. Patel
શાળાની વિદ્યાર્થિનીનો કર્યો વિનયભંગ, પચાસ હજાર પડાવ્યા: યુવક ઝડપાયો...

થાણે: થાણેમાં છેલ્લા છ મહિનાથી શાળાની પંદર વર્ષની વિદ્યાર્થિનીનો વિનયભંગ કરવા અને તેની પાસેથી પચાસ હજાર રૂપિયા પડાવવા બદલ 23 વર્ષના યુવકની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.આરોપીની ઓળખ પ્રથમેશ દેસાઇ તરીકે થઇ હોઇ તે લોકમાન્ય નગર વિસ્તારનો રહેવાસી છે અને વિદ્યાર્થિનીનાં માતા-પિતાએ 1 માર્ચે ફરિયાદ નોંધ્યા બાદ પ્રથમેશ દેસાઇને કસ્ટડીમાં લેવાયો હતો, એમ અધિકારીએ કહ્યું હતું.

વર્તકનગર પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા મુજબ સપ્ટેમ્બર, 2025થી ફેબ્રુઆરી, 2026 દરમિયાન આરોપી દેસાઇએ વિદ્યાર્થિનીને નિશાન બનાવી હતી. આરોપી દેસાઇ ઘણી વાર તેને એકાંત સ્થળોએ લઇ જતો અને તેનો વિનયભંગ કરતો હતો.આરોપીએ વિદ્યાર્થિનીને તેમના કથિત સંબંધની જાણ માતા-પિતાને કરી દેવાની ધમકી આપી હતી અને તેની પાસેથી પચાસ હજાર રૂપિયા પડાવ્યા હતા.

આરોપીની સતત ધમકી અને વારંવારની પૈસાની માગણીથી કંટાળીને વિદ્યાર્થિનીએ હિંમત કરીને તેનાં માતા-પિતાને તમામ હકીકત જણાવી હતી, જેને પગલે તેમણે વર્તકનગ પોલીસ સ્ટેશનમાં જઇ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી દેસાઇ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી હતી. (પીટીઆઇ)