નાંદેડ: તેલંગણા પોલીસ પર હુમલો કરીને સ્થાનિક લોકોએ ચોરને છોડાવ્યો હતો, પરંતુ પોલીસે બીજે દિવસે સર્ચ ઑપરેશન હાથ ધરી ફરી આરોપીને પકડી પાડ્યો હતો. ચોરને છોડાવવા ભેગા થયેલા ટોળાને વિખેરવા પોલીસે હવામાં ગોળીબાર પણ કર્યો હતો.
અદિલાબાડ જિલ્લાના બાઝાર હતનુર પોલીસ સ્ટેશનના સબ-ઈન્સ્પેક્ટર રમેશ પરશુરામ ગોકલાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર ઘટના રવિવારની સાંજે 7.30 વાગ્યાની આસપાસ નાંદેડમાં કિનવટ તહેસીલના ગોકુલનગરમાં બની હતી. તેલંગણામાંથી ચોરાયેલી એક રિક્ષા ચિખલી વિસ્તારમાં ટ્રેસ થઈ હતી. પરિણામે બાઝાર હતનુર પોલીસ સ્ટેશનની ટીમ નાંદેડ આવી હતી.
પોલીસની ટીમે આરોપી શેખ બકર ઉર્ફે જફર શેખને તાબામાં લીધો હતો. હાથકડી પહેરાવીને તેને ખાનગી વાહનમાં લઈ જવામાં આવતો હતો ત્યારે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. જમા થયેલા ટોળામાં મહિલાઓનો પણ સમાવેશ થતો હતો. ટોળાએ પોલીસ ટીમને ઘેરી લીધી હતી.પોલીસ પર કથિત હુમલો કરીને વાહનની તોડફોડ કરવામાં આવી હતી. ટોળું આરોપીને પોલીસના સકંજામાંથી છોડાવી રવાના થઈ ગયું હતું. પરિસ્થિતિ ગંભીર હોવાનું જોઈ તેલંગણા પોલીસે ટોળાને વિખેરવા હવામાં અનેક રાઉન્ડ ફાયર કર્યા હતા.
અધિકારીના જણાવ્યા મુજબ સોમવારે મોટા પાયે સર્ચ ઑપરેશન હાથ ધરી શેખ બકરને ફરી પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસ ટીમ પર હુમલો કરવા પ્રકરણે 50થી 60 જણ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. (પીટીઆઈ)
પ્રતીકાત્મક તસવીર