Tue Oct 06 2026

Logo

નાશિકના દીકરાએ જાપાનમાં રચ્યો ઇતિહાસ: કાંદા વેચનારા પિતાના પુત્રએ 56 વર્ષ પછી હાઈ જમ્પમાં ભારતને અપાવ્યો સિલ્વર મેડલ

Nagoya   2026-09-27 21:16:25
નાશિકના દીકરાએ જાપાનમાં રચ્યો ઇતિહાસ: કાંદા વેચનારા પિતાના પુત્રએ 56 વર્ષ પછી હાઈ જમ્પમાં ભારતને અપાવ્યો સિલ્વર મેડલ

નાગોયા/નાશિક: એક તરફ પિતા ખેતરમાં ડુંગળી ઉગાડી તેને વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા, તો બીજી તરફ તેમનો દીકરો ઊંચાઈને પાર કરવાની તૈયારી કરી રહ્યો હતો. મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના એક સામાન્ય ખેડૂત પરિવારથી આવનારા સર્વેશ કુશારેએ હવે એશિયન ગેમ્સ 2026માં પુરુષોની હાઈ જમ્પ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. 2.25 મીટરની છલાંગ સાથે સર્વેશે ભારતને 56 વર્ષ બાદ આ હાઈ જમ્પમાં મેડલ અપાવ્યું છે.

સર્વેશ કુશારેનો જન્મ નાસિક જિલ્લાના દેવરગાંવમાં થયો હતો. તેમનો પરિવાર ખેતી સાથે જોડાયેલો છે અને તેમના પિતા ડુંગળીના ખેડૂત છે. જ્યારે સર્વેશે હાઈ જમ્પની શરૂઆત કરી ત્યારે તેમની પાસે આજના સમય જેવી આધુનિક ટ્રેનિંગ સુવિધાઓ કે પ્રોફેશનલ લેન્ડિંગ મેટ ઉપલબ્ધ નહોતી. પરંતુ પિતાએ દીકરાનું સપનું અધૂરું ન રહેવા દીધું.

પિતાએ ખેતરમાં જ સર્વેશની પ્રેક્ટિસ માટે જુગાડથી લેન્ડિંગ પિટ તૈયાર કરી હતી. ખેતરમાં મળતા કચરા, મકાઈના છોતરા અને કપાસનો ઉપયોગ કરીને એવી વ્યવસ્થા કરવામાં આવી હતી કે ઊંચાઈ પરથી કૂદ્યા બાદ સર્વેશને ઈજા ન થાય. તેમના પિતા જ શરૂઆતના કોચ પણ બન્યા અને દીકરાને સતત પ્રેક્ટિસ માટે પ્રોત્સાહિત કરતા રહ્યા.

આ મહેનતનું પરિણામ હવે એશિયન ગેમ્સના મંચ પર જોવા મળ્યું છે. ફાઈનલમાં સર્વેશે 2.10, 2.14, 2.18, 2.22 અને 2.25 મીટરની ઊંચાઈ સફળતાપૂર્વક પાર કરી. જોકે 2.28 મીટરની ઊંચાઈ પાર કરવામાં તે સફળ રહ્યો નહોતો. ચાઈનીઝ તાઈપેઈના ચાઓ-હ્સુઆન ફૂએ પણ 2.25 મીટર પાર કર્યું, પરંતુ કાઉન્ટબેક નિયમના આધારે તેમને ગોલ્ડ મળ્યો અને સર્વેશે સિલ્વર મેડલ જીત્યો. 

આ સિલ્વર મેડલનું મહત્વ એટલા માટે પણ વધારે છે કે પુરુષોની હાઈ જમ્પમાં ભારતે છેલ્લે 1970ની બેંગકોક એશિયન ગેમ્સમાં મેડલ જીત્યો હતો. ત્યારબાદ 56 વર્ષ સુધી ભારતનો કોઈ પુરુષ હાઈ જમ્પર પોડિયમ સુધી પહોંચી શક્યો નહોતો. સર્વેશે આ લાંબી રાહનો અંત લાવી દીધો છે.

2023ની એશિયન ગેમ્સમાં સર્વેશ 2.26 મીટરની છલાંગ લગાવ્યા બાદ ચોથા સ્થાને રહ્યો હતો અને મેડલથી ચૂકી ગયો હતો. પરંતુ હવે નાગોયામાં સિલ્વર મેડલ સાથે તેણે એ અધૂરું સપનું પૂરું કર્યું છે. ખેડૂત પિતાના ખેતરમાં શરૂ થયેલી પ્રેક્ટિસથી લઈને એશિયન ગેમ્સના પોડિયમ સુધીની સર્વેશની સફર ભારતીય રમતજગતની એક ખાસ કહાની બની ગઈ છે.