Thu Apr 30 2026

Logo

વાસી ‘કવિતા દિવસ’ મુબારક : કટાક્ષથી કવિપત્રો સુધી....

2026-03-22 10:47:26
Author: Sanjay Chel
Article Image

 

મિજાજ મસ્તી - સંજય છેલ

ટાઇટલ્સ: 

ગઝલ ને પઝલમાં બહુ ઉલઝવું નહીં. (છેલવાણી)

આપણા દેશમાં કવિ કે લેખકને ‘ગરીબ’ કહેવા અથવા ‘ગરીબ’ સમજવાની એક જાતની વણલખી સાર્વજનિક ટેવ છે. કહેવાય છે કે મા લક્ષ્મી અને મા સરસ્વતી વચ્ચે વેર છે માટે મા સરસ્વતીના પુત્રો પર મા લક્ષ્મી કૃપા નથી કરતી. કદાચ એટલે જ મોટાભાગના લેખકો, કવિઓ, પૈસાવાળાઓની સરખામણીમાં કડકા, વંચિત ને સુખ સાહ્યબી વિનાના હોય છે.

જોકે આ દેશમાં હજુ સુધી એવી સુવિધા નથી કે તમે પૈસાવાળાઓને તમે ‘મૂર્ખ’ કહી શકો! આપણે ત્યાં કવિ-લેખકને બિંદાસ ‘ગરીબ’ કહેવાનો રિવાજ છે પણ શેઠિયાઓને ‘મૂર્ખ’ કહેવાનો રિવાજ નથી.

આ શબ્દો છે હિંદીના વ્યંગકાર શરદ જોશીના...આ હમણાં એટલે યાદ આવ્યું કે ગઇકાલે જ ‘વિશ્વ કવિતા દિવસ’ ઉજવાઇ ગયો. જો કે આમ તો કવિતાઓ માટે કંઇ કોઇ એક દિવસ જ થોડો હોય? કવિતાઓ તો રોજ લખાતી કે ઉજવાતી હોય છેને? (આ જ્ઞાન અમને હમણાં જ ‘મહિલા દિવસ’ પર લાધ્યું જયારે ઘણી મહિલાઓએ કહ્યું કે દરરોજ ‘મહિલા દિવસ’ જ હોય છે..કે હોવો જોઇએ!)

જોકે જીવનમાં કવિતા ક્યાં નથી? રસ્તો ક્રોસ કરતી કોઇ યુવતીની અલ્લડ અદાથી લઇને માના હાલરડાંમાં કવિતા છે. કોઇ બેકાર પુરુષ, શહેરની સડક પર દિશાહીન ભટકતો હોય ત્યારે એના એક એક નિસાસામાં કવિતા છે. 

સિગરેટના પહેલા કશમાં કે શરાબના આખરી જામના છેલ્લી બૂંદમાં કવિતા છે. લોકડાઉનમાં માઇલો સુધી હાઇ-વે પર ચાલતી ભૂખી ભીડમાં કવિતા છે. એકલી વ્યક્તિના ઘરે અચાનક વાગતી ડોરબેલમાં કવિતા છે. સંસદમાં શોરગુલના ખેલમાં કવિતા છે. કવિતા - કુરુક્ષેત્રની ગીતામાં છે. કવિતા-દંગામાં મરેલા માણસની લાવારિસ ચિતામાં છે. કવિતા- અત્રતત્રસર્વત્ર ફેલાયેલું ચિત્ર છે.

આજકાલ ભારતમાં કવિતાઓનો હોલસેલ યુગ ચાલે છે. ફેસબૂક, ટ્વિટર (નવું નામ ડ ) જેવા સોશ્યલ મીડિયામાં જેને જુઓ તેની પાસે એક કવિતા રેડી પડી છે. ગઝલો ને ગીતો ક્વિંટલના માપે લખાઇ રહ્યાં છે. અગાઉ ‘ચાણક્ય’ના નામે જાતજાતનાં સુવાક્યો માર્કેટમાં ફરતાં, હવે ‘ગુલઝાર’ કે ‘ગાલિબ’ના નામે કોઇપણ ગમે તેવાં કાવ્યો ઠપકારી નાખે છે.

જર્મન મહાકવિ રિલ્કેને 1902માં 19 વરસના યુવાકવિ ફ્રાંઝ કાપુસોએ પોતાની કવિતાઓ વાંચવા મોકલેલી ને ‘કવિ તરીકે આગળ આવવા શું કરવું?’-એની સલાહ માગેલી. ત્યારે રિલ્કેએ તેને 10 પત્ર લખેલાં, જે પછી ‘લેટર્સ ટુ યંગ પોએટ’ નામના પુસ્તક દ્વારા જગવિખ્યાત થયેલા, જેને આજે લેડી ગાગા જેવી સિંગર પણ વારંવાર ટાંકે છે અને હા, પહેલાં તો રિલ્કેએ યુવાકવિને ‘પેમલા- પેમલી’ની ચીકણી ચિબાવલી રોમેંટિક કવિતાઓથી દૂર રહેવા ખાસ ચેતવેલો!

ઈન્ટરવલ:

નાનો સિતમગર- જ્યારે મોટા કેરો ભય આવે ને ત્યારે દિલથી માને કે પોતે છે, 

સ્વતંત્રતાનો પૂજક! (ઓડેન) યુવાકવિને લખેલ પત્રોમાં રિલ્કે કહે છે:

તારા અંતરમાં ઊંડો જા ને પોતાના અસ્તિત્વને શોધ. ત્યાં જ કવિતા અને જીવનનું ઝરણું છે... એનાથી વિશેષ મારી પાસે કોઇ સલાહ નથી. કવિ માટે એકલતાથી મોટી કોઇ મૂડી નથી. એ એકાંતને સાચવ ને એમાં ડૂબીને તારી અંદરની વેદનામાંથી જે બહાર આવશે, પછી
 એ કવિતા વિશે તારે કોઇને પૂછવું નહીં પડે કે કવિતા સારી છે કે ખરાબ છે.

 કવિ રિલ્કેનો ફ્રાંઝ સાથેનો પત્રવ્યવહાર મૃત્યુ લગી એટલે કે 1902થી 1908 સુધી ચાલતા રહ્યો. પેલો યુવાકવિ ફ્રાંઝ પોતે કંઇ મોટો કવિ ના બની શક્યો, પણ રિલ્કેના મોત બાદ એના પત્રોનું પુસ્તક, 1929માં પ્રગટ કરીને કવિ રિલ્કે સાથે, સાહિત્યજગતમાં અમર જરૂર થઇ ગયો. આ છે કવિના શબ્દોની તાકાત.

ચલો, ફરી જોઇએ શરદ જોશીના નિબંધ ‘કવિતાએં ઔર કારખાને’ના વ્યંગને, જેમાં ‘વેપારી અને કવિ’ની બડી નટખટ તુલના કરી છે:

‘જેમ જરૂરિયાત પૂરતા પૈસા કવિ-લેખકો પાસે હોય છે, તેમ સ્વાર્થ પૂરતી બુદ્ધિ શેઠિયાઓ પાસે પણ હોય છે. આઝાદી પછી કવિ-લેખકોએ પુસ્તકો લખ્યા, સંપાદન કર્યું અને બીજી બાજુ લક્ષ્મીજીનાં સંતાનોએ ધંધા શરૂ કર્યા, કારખાનાંઓ ઊભા કર્યા. મોટાભાગના લેખકો, કવિઓની અંદરની સાચી અનુભૂતિ કે લાગણી ઓછી હતી એટલે એમનાં પુસ્તકો મોંઘાં તો થયાં, પણ જોઈએ એટલા વેંચાયા નહીં. એમને ખ્યાતિ મળી, પરંતુ પ્રકાશકે એમનું શોષણ પણ કર્યું. 

પછી લેખકો, કવિઓ સત્તાના ખોળામાં જઈને બેસી ગયા અને સરકારી લાઈબ્રેરીમાં પોતાનું પુસ્તક મૂકવા, સરકારી ઇનામો કે યુનિવર્સિટીમાં ફેલોશિપ વગેરે લેવાનાં આઇડિયા રચવા માંડ્યા. ત્યાં સુધી કે નવું લખવા માટે પણ એમને સરકારી મદદની જરૂર પડવા લાગી. બરાબર એ જ વખતે ઓછી બુદ્ધિને લીધે મા લક્ષ્મીના પુત્રોના કારખાનાઓ ફેલ થવા લાગ્યા, મિલો બંધ પડવા માંડી. મતલબ કે કવિતા સંપાદનના જેવી જ દયનીય હાલત, હવે કારખાનાઓની પણ થવા માંડી. 

એટલે હવે લેખકો, કવિઓની ગરીબીની વાત સ્વીકાર કરતી વખતે મને શેઠ લોકોને મૂર્ખ કહેવાની પણ મંજૂરી આપો! આઝાદી પછી એકબાજુ અમુકને કવિ, લેખક બનવાનો ચસ્કો લાગ્યો અને બીજી તરફ એ શેઠિયાઓ જે પેઢીઓથી વ્યાજ પર વ્યાજ ચઢાવી અને મકાનો બનાવીને ભાડેથી આપી ભાડા ખાઈને આળસુ જીવન જીવતા હતા. પણ આ દેશમાં રિવાજ એવો કે લેખકને ‘ગરીબ’ કહી શકો, પણ શેઠિયાને નહીં!

એક કવિતા સંપાદનના ફ્લોપ થવાથી દેશનું એટલું નુકસાન નહીં થાય, જેટલું એક કારખાનું નિષ્ફળ જવાથી થાય છે! પણ શું કરીએ? લક્ષ્મીના પુત્રોને ‘મૂર્ખ’ કહેવાની સગવડ જ નથી, આ દેશમાં!

રિલ્કેના ગંભીર પત્રો કે શરદ જોશીની હળવી મજાક બાજુએ મૂકીએ પણ સૌને ‘વાસી કવિતા દિવસ’ મુબારક. તમારાં કાતિલ કમીના જીવનમાં, તમારી અંદરનો કવિ જીવતો રહે બસ એટલું કરજો.

એન્ડ ટાઇટલ્સ:

આદમ: એક કવિતા સંભળાવું?

ઇવ: આ નહીં બીજી કોઇ...