Tue Oct 06 2026

Logo

મિજાજ મસ્તી: બોલ કે લબ આઝાદ હૈ... કિતને ઔર કબ તક?

2026-05-03 08:58:00
Author: Sanjay Chhel
મિજાજ મસ્તી: બોલ કે લબ આઝાદ હૈ... કિતને ઔર કબ તક?

 

 

 

- સંજય છેલ

 

ટાઇટલ: 

 

આઇનો ફોડવાથી દૃશ્ય ના ભૂંસાય. (છેલવાણી)

 

એક વાર બાળકે બાપને પૂછ્યું, ‘પપ્પા, મારો જન્મ કઈ રીતે થયો?’ બાપે કહ્યું, ‘આકાશમાંથી ઊતરીને એક અપ્સરાએ તારી મમ્મીના ખોળામાં તને મૂક્યો!’ બાળકે પૂછ્યું, ‘અને તમારો જન્મ?’

 

પપ્પાએ કહ્યું, ‘તારી દાદીના ખોળામાં મને અપ્સરાએ મૂક્યો અને એ જ રીતે તારા દાદાને પણ.’ સાંભળીને બાળકે કહ્યું, ‘હદ છે. સાલું, આપણા ખાનદાનમાં કોઈ નૉર્મલ રીતે પેદા જ નથી થયું!’

 

હવે આ સાંભળીને પિતાને ચિંતા થઈ કે મારો દીકરો ખરેખર મોટો થઈ ગયો. એનો મોબાઇલ ફોન હવે ચેક કરતા રહેવું પડશે!

 

શું ‘શ્ર્લીલઅશ્ર્લીલ’ની બાબતમાં આપણે નૉર્મલ નેશન છીએ? ભારતમાં ‘નેટફ્લિક્સ’ જેવાં અનેક ઑનલાઇન પ્લૅટફૉર્મ પર વેબ સિરીઝો ને ફિલ્મોને સેંસર કરવાની વાત ઊપડે રાખે છે, પણ આ બધાં પ્લૅટફૉર્મ્સ વિદેશની ફિલ્મો ને વેબસિરીઝો પણ બેફામ પીરસે છે ને ત્યાંના નિયમો, મૂલ્યો ને કાનૂન અલગ હોય છે એનું શું? જગતના ફિલ્મમેકરોને અશ્ર્લીલતા, ભાષા અને હિંસા વિશે ભારતીય વિચારો, કાયદાઓ જુનવાણી લાગે છે પણ એય હકીકત છે કે ભારતીય વેબસિરીઝોએ કામુકતા, હિંસા અને ગાળગાળીના સંવાદોની હદ વટાવી દીધી છે. વરસોથી ભૂખ્યો માણસ થાળી પર તૂટી પડે એમ દાયકાઓની સેંસરશિપથી કંટાળેલા ફિલ્મમેકરો બેફામ નગ્નતા ને ગાળાગાળી દર્શાવવા લાગ્યા છે. વળી, સ્ટૅન્ડઅપ કૉમેડીવાળાઓ તો ગાળો ને જ રમૂજ કે કૉમેડી માનવા લાગ્યા છે.

 

થોડા વખત પહેલાં સુપ્રીમ કોર્ટે સોશ્યલ મીડિયા માટે કહ્યું હતું કે અશ્ર્લીલ, વિકૃત, રાષ્ટ્રવિરોધી તથા પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડતી વાતો મૂકવી નહીં. સોશ્યલ મીડિયાએ અને  લોકોએ સાવધાની અને સંયમ રાખવો, પણ હવે એ નક્કી કોણ કરશે શું મર્યાદામાં છે ને કયો વિરોધ સરકાર કે દેશવિરોધી છે? સેટેલાઇટ દ્વારા સાત આસમાનથી બધું જ આપણા આંગણામાં વરસતું હોય ત્યારે છત પર તાડપત્રી લગાડવાથી શું વળશે? સમાજ ને સરકાર કોને ક્યાં સુધી રોકશે?

 

ઉન્મુક્ત કલા કે સરકાર વિરોધની આઝાદીના મામલામાં ભારત છોડો અમેરિકાયે અલગ નથી. અમેરિકન ચર્ચની રૂઢિવાદી સંસ્થાઓએ ‘હસ્લર’ નામના શૃંગારિક મૅગેઝિન પર એ આક્ષેપથી પ્રતિબંધ મૂકેલો કે ‘હસ્લર‘માં કામુક ચિત્રો છપાતાં, જેથી લોકનું નૈતિક પતન થાય છે! 

પછી પ્રેસ-કૉન્ફરન્સમાં ‘હસ્લર’નો તંત્રી લેરી ફ્લીંટે અલગઅલગ ફોટોગ્રાફનો સ્લાઇડ શો દેખાડીને લોકોને લાજવાબ કરી દે છે. એક ફોટામાં કોઈ અમેરિકન સૈનિકે વિયેટનામ યુદ્ધમાં સ્થાનિક માણસના માથા પર ગન મૂકીને ઠંડી ક્રૂરતાથી હસી રહ્યો છે અને લેરી પૂછે છે: 

 

યુદ્ધની આ હિંસા અમેરિકાની વલ્ગરનેસ-અશ્ર્લીલતા છે કે પછી મૅગેઝિનના નગ્ન ફોટાઓ? લાશોના ઢગલા પાસે બિયર પી રહેલા અમેરિકી સૈનિકોનો ફોટો દેખાડીને પૂછે છે કે આ તસવીર વલ્ગર છે કે બિકિનીમાં દેખાતી સુંદર સ્ત્રી? લેરી આમ એક પછી એક અનેક સ્લાઇડ્ઝ દેખાડે છે જેમાં હિંસા ને અશ્ર્લીલ તસવીરો સામસામે છે. આ જોઈને નાગરિકો, પત્રકારો, ન્યૂઝ ચૅનલ્સવાળા, પોલીસવાળા કોઈ પાસે જવાબ નથી કે સ્ત્રી-પુરુષના નગ્ન ફોટા વધુ હાનિકારક છે કે નિર્દોષ લોકો પર બૉમ્બ ફેંકવા ‘અશ્ર્લીલ’ છે? પછી અમેરિકન પ્રજા ભડકી ઊઠે છે ને ‘હસ્લર’ના તંત્રી લેરીના ટેકામાં હજારોની ભીડ રોડ પર ઊતરી આવે છે.

 

આવું અમેરિકામાં 40-50 વરસ અગાઉ શક્ય હતું.

 

ઇન્ટરવલ:

 

અપમાન રચયિતા કા હોગા

 

રચના કો અગર ઠુકરાઓગે (સાહિર)

 

સમાજમાં સેક્સને કારપેટ નીચે સંતાડવાની પ્રવૃત્તિ સદીઓથી ચાલે છે. રાણી વિક્ટોરિયાના જૂના જમાનામાં જૂની અંગ્રેજી સોસાયટીમાં સાર્વજનિક રૂપે કોઈ ના તો સેક્સની વાત કરતું કે ના તો એની હળવી ચર્ચાઓ પણ થતી. સુપ્રસિદ્ધ ફિલોસોફર અને મનોવૈજ્ઞાનિક વિલિયમ જેમ્સે એની વિખ્યાત કિતાબ ‘મનોવિજ્ઞાનના સિદ્ધાંતો’માં સેક્સ વિશે માત્ર દોઢ જ પાનું લખેલું. રાધર, લખી શકેલા, સભ્ય સમાજના ડરથી. માત્ર દોઢ જ પાનું લખીને પણ પછી એમણે નીચે નોંધ મૂકવી પડેલી કે આ બારીકીઓ જરા અપ્રિય લાગે એવી છે. પાછા વિલિયમ જેમ્સ એમના જમાનામાં ખૂબ પ્રોગ્રેસિવ કે પ્રગતિશીલ ગણાતા!

 

યુરોપ કે અમેરિકાને છોડો, પણ આપણે ત્યાં બીજી બધી વાતમાં પ્રગતિશીલ અને સત્તા સરકાર સામે બોલવામાં નિર્ભય એવા મહાત્મા ગાંધીજી પોતે પણ શૃંગારિક શિલ્પોવાળા ખજૂરાહો મંદિરને પબ્લિક માટે ખુલ્લુ ના મૂકવાની તરફેણમાં હતા. એ સમયના પરંપરાવાદી લોકોનું માનીને ખજૂરાહોનાં શિલ્પોને ચૂનાથી ઢાંકી દેવા માગતા હતા અને ગાંધીજીએ ત્યારે એમને ખૂલીને કંઈ જ નહોતું કહ્યું. પછી અમુક સમજુ અને આધુનિક લોકોએ ગાંધીજીને સમજાવવા પડેલા અને માની ગયેલા. વળી એ જ ગાંધીજીએ ‘ચોકલેટ’ નામની વિવાદાસ્પદ હિંદી વાર્તાના પક્ષમાં સમર્થન આપેલું!

 

આજના આધુનિક પણ અગાઉ જુનવાણી એવા અમેરિકા-યુરોપમાં દાયકાઓ પહેલાં સેક્સ એજ્યુકેશનની અનેક કિતાબો પ્રકાશિત થયેલી જેમ કે- ‘ધ સેક્સબુક’. ત્યારે અનેક રૂઢિચુસ્તોએ વિરોધ કરેલો, પણ અમેરિકામાં એર્વિન હબરલે, બિલ મેકબ્રાઇડનાં ચિત્રો સાથે આ જ કિતાબનું પ્રકાશન કર્યું ત્યારે અનેક મા-બાપોએ, કિશોરોએ હાશ અનુભવી, કારણ કે સેક્સ અંગેની અનેકો ભ્રમણાઓ તૂટી, ચિંતા ઘટી. પણ ત્યારે અમેરિકામાં એમ કહીને શુદ્ધીવાદીઓએ વિરોધ કરેલો કે આવાં નગ્ન ચિત્રોથી બાળકોમાં સેક્સની ઇચ્છાઓ ઊલટાની વધશે. અડિયલ આલોચકોએ કહેલું કે માત્ર ઇમોશનલી ડિસ્ટર્બ અને પરવર્ટ (વિકૃત) લોકો જ સેક્સ વિશે આવું વિચારતા હોય છે! 

 

ખેર, ભારત હોય કે અમેરિકા

 

શ્ર્લીલ-અશ્ર્લીલ દૃશ્યો કે ગંદી ભાષા પર, સરકારી વિરોધની સીમા વગેરે પર વિવાદો સદીઓથી ચાલે  રાખે છે ને ચાલ્યા કરશે.

 

એન્ડટાઈટલ્સ:

 

આદમ: અશ્ર્લીલ લોકોને અંદર કરવા જોઈએ

 

ઇવ: પહેલાં તારી ફાંદ અંદર કર.