હરારેઃ ક્રિકેટના ભગવાન સચિન તેન્ડુલકરનો વર્ષો જૂનો એક મોટો વર્લ્ડ રેકૉર્ડ ઝિમ્બાબ્વેના વિકેટકીપર-બૅટ્સમૅન બ્રેન્ડન ટેલરે મંગળવારે તોડી તો નાખ્યો, પરંતુ માત્ર આંકડાની દૃષ્ટિએ સચિન તેના પછી બીજા નંબરે થઈ ગયો કહેવાય. ટેલરની લાંબી કારકિર્દી વિવિધ મુદ્દાને કારણે ખોરવાઈ ગઈ હોવાથી સચિનના રેકૉર્ડનું મહત્ત્વ વધી જાય છે.
વાત એવી છે કે સચિનની વન-ડે કારકિર્દી બાવીસ વર્ષ અને 91 દિવસ સુધી ચાલી હતી, જ્યારે બ્રેન્ડન ટેલરની વન-ડે કરીઅર બાવીસ વર્ષ અને 146 દિવસની છે. તે મંગળવારે હરારેમાં ઑસ્ટ્રેલિયા સામે સિરીઝની પ્રથમ વન-ડે રમ્યો એ સાથે તેણે સચિન (Sachin)ના વિશ્વ વિક્રમને પાર કરી લીધો હતો. જોકે સૌથી મોટો મુદ્દો એ છે કે બ્રેન્ડન ટેલરને આટલી લાંબી કરીઅર દરમ્યાન ઈજા નડવા ઉપરાંત બીજા બે મોટા કારણસર લંબાઈ ગઈ એમ કહી શકાય.
40Y Brendan Taylor breaks #SachinTendulkar 's record for the longest career in men's ODIs 👏 pic.twitter.com/2uOfoxmwpS
— lightningspeed (@lightningspeedk) September 15, 2026
બ્રેન્ડન ટેલર (Brandan Taylor) 40 વર્ષનો છે. તેની વન-ડે કારકિર્દી એપ્રિલ, 2004માં શરૂ થઈ હતી. જોકે 2015માં તેણે ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડ તરફથી સારું પેમેન્ટ ન મળતાં તેણે નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. તે ઝિમ્બાબ્વે વતી માર્ચ, 2015થી જાન્યુઆરી, 2018 સુધીમાં કુલ 33 મહિના નહોતો રમ્યો. ત્યારે તે ઇંગ્લૅન્ડમાં કૉલ્પેક ડીલ હેઠળ રમ્યો હતો. બીજું, 2021થી 2025ની સાલ દરમ્યાન તેને કેટલાક અંગત બાબતો નડી હતી તેમ જ તેણે એ અરસામાં આઇસીસીના ક્રિકેટલક્ષી ભ્રષ્ટાચાર-વિરોધી નિયમનો અને ડ્રગ્સ-વિરોધી નિયમનો ભંગ કર્યો હોવાથી તેના રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યારે તે 47 મહિના સુધી ઝિમ્બાબ્વે વતી નહોતો રમ્યો. ત્રીજું, ઑગસ્ટ, 2025થી સપ્ટેમ્બર 2026 સુધીમાં તેને ઈજા નડી હતી જેને લીધે તે 13 મહિના નહોતો રમ્યો.
બ્રેન્ડન ટેલરે સચિનનો સૌથી લાંબી વન-ડે કારકિર્દીનો બાવીસ વર્ષનો વર્લ્ડ રેકૉર્ડ તો તોડ્યો, પરંતુ ટેલર આ કારકિર્દી દરમ્યાન કુલ મળીને 93 મહિના નહોતો રમ્યો એટલે તેના વિશ્વવિક્રમનું મહત્ત્વ ખાસ કંઈ ન કહેવાય એવી ભારતીય ક્રિકેટમાં ચર્ચા છે.
Brendan Taylor breaks Sachin Tendulkar's record for longest career in men's ODIs
— ANI Digital (@ani_digital) September 15, 2026
Read @ANI Story |https://t.co/oYrcGzbbnT#SachinTendulkar #BrendanTaylor #ZIMvsAUS pic.twitter.com/JEK5lSU1AR
સચિને 1989થી 2012 સુધીમાં 463 વન-ડેમાં વિક્રમજનક 18,426 રન બનાવ્યા હતા. બ્રેન્ડન ટેલરે મંગળવારની ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે પહેલાં 207 વન-ડેમાં 6,704 રન બનાવ્યા તેમ જ સ્ટમ્પ્સની પાછળથી કુલ 162 શિકાર કર્યા.