Tue Oct 06 2026

Logo

માતાના મઢ જતા પદયાત્રીઓની સેવા-સારવાર માટે જિલ્લાનું આરોગ્ય તંત્ર સજ્જ: રૂટ પરનાં કેન્દ્રો ૨૪ કલાક ધમધમશે

2026-10-05 12:19:00
Author: Mumbai Samachar Team
માતાના મઢ જતા પદયાત્રીઓની સેવા-સારવાર માટે જિલ્લાનું આરોગ્ય તંત્ર સજ્જ: રૂટ પરનાં કેન્દ્રો ૨૪ કલાક ધમધમશે

સામખિયાળીથી માતાના મઢ સુધીના તમામ પ્રાથમિક-સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં દવાનો પૂરતો જથ્થો

ભુજ: આગામી આસો નવરાત્રિ પર્વ નિમિત્તે કચ્છના સુપ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ ખાતે મા આશાપુરાના દર્શનાર્થે પગપાળા આવી રહેલા લાખો પદયાત્રીઓની આરોગ્ય સુખાકારી જળવાઈ રહે તે માટે જિલ્લા વહીવટી તેમજ આરોગ્ય તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. અમદાવાદ, રાજકોટ સહિત રાજ્યભરમાંથી તેમજ સ્થાનિક સ્તરેથી આવતા શ્રદ્ધાળુઓ માટે પદયાત્રાના તમામ મુખ્ય રૂટ પર આવેલાં સરકારી દવાખાનાઓને આજથી તા. ૧૧ ઓક્ટોબર સુધી અવિરત આરોગ્ય સેવાઓ આપવા એલર્ટ કરી દેવાયાં છે.

જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પદયાત્રા માર્ગ પર આવેલા તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો તેમજ સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલોમાં ઈમરજન્સી અકસ્માત સારવાર, જીવનજરૂરી દવાઓ તેમજ રેફરલ સર્વિસ માટેની તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. લાંબી પદયાત્રાના કારણે યાત્રાળુઓમાં પગમાં સોજા આવવા, ફોલ્લા પડવા, સ્નાયુ ખેંચાઈ જવા કે પગના તળિયામાં ઈજા થવાની વ્યાપક ફરિયાદો રહેતી હોવાથી જરૂર પડ્યે સંબંધિત આરોગ્ય કેન્દ્રો ખાતે નિષ્ણાત ફિઝિયોથેરાપિસ્ટની સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જિલ્લા કલેક્ટર તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા વ્યવસ્થાઓની સમીક્ષા અર્થે રૂટ પરના દવાખાનાઓની રૂબરૂ મુલાકાત લેવામાં આવશે.

યાત્રાળુઓની સુવિધા અર્થે કચ્છમાં પ્રવેશતા સામખિયાળી પીએચસીથી શરૂ કરીને ભચાઉ સીએચસી, ગાંધીધામ રામબાગ હોસ્પિટલ, અંજાર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, રતનાલ અને કુકમા પ્રાથમિક કેન્દ્રો, દુધઈ સીએચસી તેમજ ધાણેટી અને ચાંદરાણી કેન્દ્રો કાર્યરત રહેશે. જ્યારે ભુજ સિવિલ હોસ્પિટલથી આગળ દેશલપર (વાંઢાય), નખત્રાણા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, રવાપર, માતાના મઢ અને દયાપર પીએચસી સહિત તમામ વચ્ચે આવતા પેટા આરોગ્ય કેન્દ્રો ૨૪ કલાક રાઉન્ડ ધ ક્લોક ધમધમતા રહેશે.

આ ઉપરાંત માંડવી તરફથી આવતા પદયાત્રીઓ માટે ગુંદિયાળી, માંડવી, ગઢશીશા, ગોધરા અને મંગવાણા તેમજ અમદાવાદ તરફથી આવતા માઇભક્તો માટે રાપર અને ગાગોદર તથા રાજકોટ માર્ગે ચિત્રોડ અને સામખિયાળી ખાતે તમામ પ્રકારની તબીબી સારવાર રાત-દિવસ ઉપલબ્ધ રહેશે.

ઉત્સવ વૈદ્ય