Thu Apr 23 2026

Logo

અગાઉ નક્સલવાદીઓથી છવાયેલા દંતેવાડામાં સચિને બાળકો સાથે ખેલકૂદની મોજ માણી!

2026-04-22 21:15:29
Author: Ajay Motiwala
Article Image

દંતેવાડા (છત્તીસગઢ): એક સમયે માઓવાદી નક્સલવાદીઓથી છવાઈ ગયેલા છત્તીસગઢ રાજ્યના દંતેવાડા (Dantewada) વિસ્તારમાં ક્રિકેટ-લેજન્ડ સચિન તેન્ડુલકર (Sachin Tendulkar) બુધવારે એક ખાસ ઇવેન્ટ (Event)માં બાળકો સાથે ખૂબ રમ્યો હતો અને તેમને ખેલકૂદમાં આગળ વધવા પ્રેરણા આપી હતી.

આ વિસ્તારમાં રમતગમતમાં પાયાના સ્તરેથી પરિવર્તન લાવવાની નેમ સાથે સરકારી વિભાગો દ્વારા (મૈદાન કપ અભિયાન હેઠળ) ખાસ ઇવેન્ટ યોજવામાં આવી હતી જેમાં સચિને ભાગ લીધો હતો. તે જગદાલપુર ઍરપોર્ટ પર પહોંચ્યા બાદ દંતેવાડાના છિંદનાર ગામમાં આયોજિત કાર્યક્રમમાં આવ્યો હતો. મૈદાન કપ સ્પર્ધા મન દેશી તથા સચિન તેન્ડુલકર ફાઉન્ડેશનના સપોર્ટથી યોજવામાં આવી રહી છે જેમાં 5,000થી પણ વધુ બાળકો ભાગ લઈ રહ્યા છે. મૈદાન કપમાં કબડ્ડી, ખો-ખો, ઍથ્લેટિક્સ તથા વૉલીબૉલ સહિતની રમતોનો સમાવેશ છે.

સચિને આ પ્રસંગે ઍરપોર્ટ પર પત્રકારોને કહ્યું, `મૈદાન કપ અભિયાન હેઠળ અમે આશરે 50 સ્કૂલ પ્લેગ્રાઉન્ડ તૈયાર કરી શક્યા એ બદલ હું ખૂબ ખુશ છું. અહીં મન દેશી ટીમ ખૂબ સારું કાર્ય કરી રહી છે.'

દંતેવાડામાં અગાઉ માઓવાદીઓનું સામ્રાજ્ય હતું. 2010ની સાલમાં આ વિસ્તારમાં (સુકુમા જિલ્લામાં) 76 સલામતી રક્ષકો શહીદ થયા એને પગલે આ સમગ્ર વિસ્તારમાં પરિવર્તન આવવાનું શરૂ થઈ ગયું હતું. નક્સલવાદીઓને દેશમાંથી ખતમ કરવાનું અભિયાન નરેન્દ્ર મોદી સરકારનું શાસન આવતાં જ શરૂ થયું હતું અને એમાં સરકારને મોટી સફળતા મળી છે.