Mon Oct 05 2026

Logo

મેટ્રિમોનિયલ સાઇટ પરથી કરેલા ત્રીજા લગ્નમાં NRI મહિલા ફસાઈ: પતિ દારૂ-જુગારનો બંધાણી નીકળ્યો; સાવકા સંતાનોએ પણ ત્રાસ ગુજાર્યો

2026-10-05 13:05:41
Author: Mayur Patel
મેટ્રિમોનિયલ સાઇટ પરથી કરેલા ત્રીજા લગ્નમાં NRI મહિલા ફસાઈ: પતિ દારૂ-જુગારનો બંધાણી નીકળ્યો; સાવકા સંતાનોએ પણ ત્રાસ ગુજાર્યો

Chat GPT Generated Image


અમદાવાદઃ મૂળ અમદાવાદની અને વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલી 46 વર્ષીય NRI મહિલા સાથે લગ્નના નામે મોટી છેતરપિંડી અને શારીરિક-માનસિક ત્રાસનો મામલો સામે આવ્યો હતો. અમદાવાદના આનંદનગર વિસ્તારમાં રહેતી આ મહિલાએ અગાઉ બે વાર છૂટાછેડા લીધા પછી અને અમેરિકાનું નાગરિકત્વ મેળવ્યા બાદ, એક મેટ્રિમોનિયલ સાઇટ મારફતે એક યુવક સાથે ત્રીજા લગ્ન કર્યા હતા. જોકે, લગ્નના થોડા જ દિવસોમાં પતિનો અસલી ચહેરો સામે આવતાં મહિલાની ધીરજ ખૂટી ગઈ હતી. હવે આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

લગ્નના 15 દિવસમાં ભાંડો ફૂટ્યો

મહિલાએ પોલીસને જણાવ્યું કે લગ્નને માંડ 15 દિવસ થયા હતા ત્યાં જ તેને પતિ પર શંકા થવા લાગી હતી. પતિ સતત મોબાઈલ ફોનમાં વ્યસ્ત રહેતો હતો. મહિલાએ તપાસ કરતાં પતિના મોબાઈલમાંથી ગોવા, યુએસએ અને અમદાવાદ સહિત અંદાજે 15 જેટલી અલગ-અલગ યુવતીઓ અને મહિલાઓ સાથેના પ્રેમ સંબંધોને લગતી આપત્તિજનક ચેટ્સ, નામો અને નંબરો મળી આવ્યા હતા. આ બાબતે પૂછપરછ કરતાં પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે ગાળાગાળી તેમજ મારપીટ કરી હતી.

દારૂ અને જુગારની લત પણ આવી સામે

તપાસ દરમિયાન પીડિતાને જાણવા મળ્યું કે તેનો પતિ દારૂ અને જુગારની લત પણ ધરાવે છે. લગ્ન પછી પતિ તેને ગોવા અને બાલી ફરવા લઈ ગયો હતો, જ્યાં ગોવાની એક હોટલમાં જુગારમાં પૈસા હારી ગયા બાદ તેણે મહિલા સાથે અત્યંત ખરાબ વર્તન કર્યું હતું. આ પ્રવાસ દરમિયાન પતિની એક પ્રેમિકાએ પણ પોતાને તેની પત્ની ગણાવીને દાવો કર્યો હતો. આ વાતનો વિરોધ કરતા પતિએ ફટકારી હતી. તે આટલેથી જ ન અટક્યો, તેણે પીડિતાના પિતા દ્વારા દુકાન વેચીને મેળવેલી રકમ પણ દહેજ પેટે માંગી લીધી હતી. આરોપીએ મહિલા પાસેથી સોના-ચાંદીના દાગીના પણ પડાવી લીધા હતા.

આ ઉપરાંત, મહિલા પોતાના પિયરમાંથી જે સોના-ચાંદીના દાગીના લાવી હતી, તે બેંક લોકરમાં મૂકવાના બહાને પતિએ પોતાની પાસે રાખી લીધા હતા અને પરત આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. સતત મળી રહેલા આ ત્રાસને કારણે એનઆરઆઈ મહિલાએ અમદાવાદના પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવવા પડ્યા હતા. પોલીસે પીડિતાના આરોપોના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી પતિના અગાઉ પણ લગ્ન થઈ ચૂક્યા હતા અને તેને એક પુત્ર તેમજ એક પુત્રી પણ છે.

તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આરોપી પતિની સાથે તેનો પુત્ર અને પુત્રી પણ પીડિતાને ધમકીઓ આપતા હતા, તેનું આર્થિક શોષણ કરતા હતા તેમજ તેને અસહ્ય શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. આ બાબતને ધ્યાનમાં રાખીને પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી હતી.