Fri Sep 04 2026

Logo

સાબરકાંઠામાં કરુણ ઘટના, સાબરમતી નદીમાં નહાવા પડેલા બે યુવકોના ડૂબી જતા  મોત

2026-08-25 19:45:53
Author: Mumbai Samachar Team
સાબરકાંઠામાં કરુણ ઘટના, સાબરમતી નદીમાં નહાવા પડેલા બે યુવકોના ડૂબી જતા  મોત

 

ખેડબ્રહ્મા: ગુજરાતમાં નદી, તળાવ અને કેનાલમાં બાળકો અને યુવાનોનું ડુબી જવાથી મોતની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી છે. આ દરમિયાન સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ખેરોજ નજીક સાબરમતી નદીમાં નહાવા પડેલા બે યુવકોના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા. આ કરૂણ ઘટના 24મી ઓગસ્ટ સોમવારની સાંજે બની હતી. 

બંને યુવકોના મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા

આ અંગે સ્થાનિક વહીવટી તંત્ર અને ફાયર વિભાગ દ્વારા હાથ ધરાયેલી શોધખોળ બાદ 25મી ઓગસ્ટ મંગળવારના દિવસે બંને યુવકોના મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ખેરોજ પોલીસે મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બે યુવકો નદીના નહાવા પડયા હતા 

ઘટના અંગે મળતી માહિતી મુજબ, ઉંબોરા ગામના 24 વર્ષીય દિનેશ પરમાર અને 25 વર્ષીય રાહુલ પરમાર ખેરોજ નજીક આવેલી સાબરમતી નદીમાં નહાવા પડ્યા હતા. આ દરમિયાન બંને ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. બનાવ અંગે સ્થાનિક લોકોએ જાણ કરતા તાલુકા વહીવટી તંત્ર અને ખેડબ્રહ્મા નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને શોધખોળ શરૂ કરી હતી.