Wed Oct 07 2026

Logo

RBI એ  પેટીએમ પેમેન્ટ્સ બેંકને શિડ્યુલ્ડ બેંકો ની યાદીમાંથી દૂર કરી

2026-10-07 19:24:39
Author: Chandrakant Kanoja
RBI એ  પેટીએમ પેમેન્ટ્સ બેંકને શિડ્યુલ્ડ બેંકો ની યાદીમાંથી દૂર કરી

નવી દિલ્હી: પેટીએમ પેમેન્ટ્સ બેંકને આરબીઆઈ(RBI ) તરફથી મોટો આંચકો લાગ્યો છે. જેમાં આરબીઆઈએ તેનું બેકિંગ લાયસન્સ રદ કર્યા બાદ તેને શિડ્યુલ્ડ બેંકો'ની યાદીમાંથી દૂર કરી છે. આ પૂર્વે દિલ્હી હાઈકોર્ટે પણ પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડને બંધ કરવાનો આદેશ આપ્યો હતો.

બેંકની કામગીરી થાપણદારોના હિત માટે નુકસાનકારક હતી

આ વર્ષે એપ્રિલમાં RBIએ PPBLનું બેંકિંગ લાયસન્સ રદ કર્યું હતું. આ નિયમોનું પાલન ન કરવાને કારણે આ પગલું લેવામાં આવ્યું હતું. RBIએ જણાવ્યું હતું કે બેંકની કામગીરી થાપણદારોના હિત માટે નુકસાનકારક હતી. આ અંગે ૩૧ જુલાઈએ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. સપ્ટેમ્બરમાં તેને 'ગેઝેટ ઓફ ઈન્ડિયા'માં પણ પ્રકાશિત કરવામાં આવ્યું હતું. 

નવા ગ્રાહકોને જોડવાનું બંધ કરવાનો નિર્દેશ આપ્યો હતો

ઉલ્લેખનીય છે કે, ફિનટેક કંપની પેટીએમની સહયોગી કંપની PPBL અગાઉ પણ અનેક પ્રસંગોએ નિયમનકારી તપાસના દાયરામાં આવી ચૂકી છે. માર્ચ 2022માં મધ્યસ્થ બેંકે તેને નવા ગ્રાહકોને જોડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમજ  PPBLને 11 માર્ચ 2022થી નવા ગ્રાહકોને જોડવાનું બંધ કરવાનો
નિર્દેશ આપ્યો હતો.

શિડ્યુલ્ડ બેંક'  એટલે બીજી અનુસૂચિમાં સમાવિષ્ટ બેંક

RBI એક્ટ, 1934ની બીજી અનુસૂચિ એ માન્યતા પ્રાપ્ત બેંકોની અધિકૃત યાદી છે. તેમાં એવી બેંકોનો સમાવેશ થાય છે જે મધ્યસ્થ બેંકના નાણાકીય ધોરણોને પૂર્ણ કરે છે. આ બેંકોને કામગીરી અંગે વિશેષ વિશેષાધિકારો મળે છે. શિડ્યુલ્ડ બેંક'  એટલે બીજી અનુસૂચિમાં સમાવિષ્ટ બેંક.