Thu Apr 30 2026

Logo

તેલંગણાના રામપ્પા મંદિરની ઈંટો પાણીમાં ડૂબતી નથી, તરે છે!

2026-03-08 09:27:00
Author: Mumbaisamachar Team
Article Image

 

હેં... ખરેખર?! - પ્રફુલ શાહ

આજકાલના રોડ બનવા સાથે તૂટવા માંડે છે, પુલ ઉદ્ઘાટન પહેલા બેસી પડે છે અને સિમેન્ટની ઇમારતોનું આયખું દાયકા કે દશકને બદલે વર્ષમાં ગણવાની નોબત આવી પડી છે. આની સામે એક મંદિર 800 વર્ષથી ગૌરવપૂર્વક અડગ ઊભું હોય એ કેવું આશ્ર્ચર્યચકિત કરી મૂકે ને? ક્યારેક તો થાય કે નવી વિદેશી ટેકનોલોજીને ફંગોળી દઈને પોતાની પ્રાચીન તકનીક ફરી અપનાવીને એ ટકાઉ જ્ઞાન પર ગર્વ અનુભવવો જોઈએ. 

800 વર્ષ જૂના મંદિરનો ઉલ્લેખ કર્યો એ છે રામપ્પા મંદિર. દક્ષિણ ભારતના તેલંગણા રાજ્યના મુલુગુ જિલ્લામાં આવેલા પાલમપેટ ગામમાં સ્થિત આ મંદિર રુદ્રેશ્વર મંદિર તરીકે ય ઓળખાય છે. વરંગલથી આશરે 66 કિમી દૂર આવેલું આ પ્રખ્યાત શિવ મંદિર છેક 13મી સદીની કાકતિય વંશની ભવ્ય સ્થાપત્યકળાનો ઉત્તમોત્તમ નમૂનો છે.

આજે ય એ દુનિયાભરને અચંબિત કરે છે. એનું એક પ્રમાણ છે 2021માં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ પ્લેસ (વિશ્વ ધરોહર સ્થળ) તરીકેનો ટેગ મળવો. આ ભારતનું 39મું વિશ્વ ધરોહર સ્થળ બન્યું હતું. 

આવા મહત્ત્વપૂર્ણ સ્થાનની ભૂગોળ થોડી વધુ વિગતે સમજીએ. સરનામું છે પાલમપેટ, વેંકટપુર મંડલ, મુલુગુ જિલ્લો, તેલંગણા. 

વરંગલથી લગભગ 66-75 કિમી તો હૈદરાબાદથી આશરે 209 કિમી દૂર. તે મુલુગુ જિલ્લાના વેંકટપુર મંડલના પાલમપેટ ગામની એક ખીણમાં સ્થિત છે. આજે ભલે આ નાનું ગામ હોય, પરંતુ 13મી અને 14મી સદી દરમિયાન તેનો ઇતિહાસ અત્યંત ગૌરવપૂર્ણ હતો.

આ મંદિર ભગવાન શિવ (રામલિંગેશ્વર સ્વામી)ને સમર્પિત છે. એની વિશેષતા છે એકદમ હળવી ઈંટોનો ઉપયોગ. એ ય પાછી વજનમાં એટલી હલકી કે પાણીમાં તરે! જો આપણે રોજિંદા વપરાશની સામાન્ય ઈંટને પાણીમાં ફેંકીએ તો તે ડૂબી જ જાય, પરંતુ રામપ્પા મંદિરમાં વપરાયેલી ઈંટો પાણીમાં તરે છે!

આવી ઈંટ શા માટે વપરાઈ? અને બનાવાઈ કેવી રીતે? છેક 13મી સદીમાં કાકતિય વંશના શિલ્પકારોએ માટી, લાકડાના ભુક્કા અને અમુક જડીબુટ્ટીઓના મિશ્રણથી એવી છિદ્રાળુ ઈંટો બનાવી હતી, જે વજનમાં પંખીની પાંખ જેવી હલકી અને મજબૂતીમાં પથ્થર જેવી મજબૂત હતી. આ ઈંટોનું ઘનત્વ પાણી કરતાં પણ ઓછું છે. આવું શા માટે વિચાર્યું? મંદિરના સમગ્ર ઢાંચાને એકદમ હળવું રાખવા કે જેથી ભૂકંપના આંચકા-ઝાટકા વચ્ચે ય મંદિર અખંડ રહે, સુરક્ષિત રહે. આજે નાનો ટેક્નોલોજી તરીકે ઓળખાતા વૈજ્ઞાનિક વિચારનો ભારતની પ્રાચીન કળામાં સદીઓ પહેલા ઉપયોગમાં લેવાયો હતો. મેરા ભારત મહાન. 

આ ઉપરાંત રામપ્પા મંદિર તેની અત્યંત સુક્ષ્મ કોતરણીવાળા સ્તંભો અને પિરામિડ જેવી છત માટે પ્રસિદ્ધ છે. આ મંદિરનું નામ શિલ્પકાર રામપ્પાના નામ પરથી પડ્યું છે, તેથી તેને રામપ્પા મંદિર કહેવામાં આવે છે.

રામપ્પા મંદિર 6 ફૂટ ઊંચા તારાના આકારના ચબૂતરા પર ભવ્ય રીતે ઊભું છે. ગર્ભગૃહના આગળ આવેલા મંડપમાં અનેક સુંદર કોતરણીવાળા સ્તંભો છે, જેમની રચના એવી રીતે કરવામાં આવી છે કે પ્રકાશ અને અવકાશનું અદ્ભુત સંયોજન સર્જાય છે. મંદિરની મુખ્ય રચના લાલ બાલુઆ પથ્થરથી બનાવવામાં આવી છે, જ્યારે બહારના સ્તંભો લોખંડ, મેગ્નેશિયમ અને સિલિકા સમૃદ્ધ કાળા બેસાલ્ટ પથ્થરના મોટા ખંડોથી બનાવવામાં આવ્યા છે. 

મંદિર પર પૌરાણિક પ્રાણીઓ તેમજ મહિલા નૃત્યાંગનાઓ અને સંગીતકારોની સુંદર મૂર્તિઓ કોતરવામાં આવી છે. આ મૂર્તિઓને ‘કાકતિય કળાની શ્રેષ્ઠ કૃતિઓ’ ગણવામાં આવે છે, જે પોતાની સૂક્ષ્મ કોતરણી, આકર્ષક મુદ્રાઓ અને લાંબા શરીર તથા માથાની રચના માટે જાણીતી છે. આ બધા કારણોસર જ શિલ્પકાર રામપ્પાના નામ પરથી રાખવામાં આવ્યું અને કદાચ ભારતનું આ એકમાત્ર મંદિર છે જે તેનું નિર્માણ કરનારા શિલ્પકારના નામ પરથી ઓળખાય છે.

મંદિર પરિસરમાં આવેલા એક શિલાલેખ મુજબ આ મંદિરનું નિર્માણ ઈ.સ. 1213માં કાકતિય વંશના શાસક ગણપતિ દેવના શાસનકાળમાં તેમના સેનાપતિ રેચર્લા રુદ્ર દેવ દ્વારા કરાવવામાં આવ્યું હતું. આ મંદિર એક શિવાલય છે જ્યાં ભગવાન રામલિંગેશ્વરની પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે પ્રખ્યાત પ્રવાસી માર્કો પોલોએ કાકતિય સામ્રાજ્યની મુલાકાત દરમિયાન આ મંદિરને ‘મંદિરોની આકાશગંગાનો સૌથી તેજસ્વી તારો’ ગણાવ્યું હતું.

આવી અદ્ભુત કળા અને ટેકનિકને પુનર્જીવિત ન કરવી જોઈએ?