(અમારા પ્રતિનિધિ તરફથી)
રાજકોટઃ સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં છેલ્લા સમયમાં હત્યાના બનાવોએ શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પ્રશ્નો ઊભા કર્યા હતા. શહેરમાં ગયા અઠવાડિયે પુત્રના હાથે પિતાની હત્યાનો બનાવ બન્યો હતો ત્યારે ગુરુવારે પિતાએ પુત્રની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ હતી. શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં આ ઘટના ઘટી હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.
શહેરના આહીર ચોક પાસે પિતાએ પુત્રની હત્યા કરી હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. બનાવમાં રામ ઉર્ફે રામ સવસેટા, રામભાઈ બાબુભાઈ બોરીચા, ઉંમર આશરે 32 વર્ષનું મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાની જાણ થતાં ભક્તિનગર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.
પ્રાથમિક માહિતી મુજબ પિતા અને પુત્ર વચ્ચે કોઈ કારણસર થયેલી તકરાર બાદ હત્યાની ઘટના બની હોવાની વિગતો જાણવા મળી હતી. જોકે, હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસ દ્વારા ઘટનાસ્થળે જરૂરી કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
હત્યા કયા હથિયારથી કરવામાં આવી, ઘટનાના સમયે ચોક્કસ શું બન્યું અને હત્યા પાછળનું કારણ શું છે તે સહિતના તમામ મુદ્દાઓને લઈને ભક્તિનગર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલુ છે અને તપાસ પૂર્ણ થયા બાદ ઘટનાની વધુ હકીકતો સામે આવશે, તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.