લખનઊઃ રાજસ્થાન રૉયલ્સ (RR) છેલ્લી બે મૅચ હાર્યું છે તથા લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)એ છેલ્લી ત્રણેય મૅચમાં પરાજય જોયો છે અને બુધવારે (સાંજે 7.30 વાગ્યાથી) આ બે ટીમ વચ્ચે જે ટક્કર છે એમાં જીતનાર ટીમની ગાડી મુંબઈની જેમ ફરી પાટા પર આવતી જોવા મળશે. મુંબઈની ટીમ સોમવારે અમદાવાદમાં પહેલી વખત જીતીને અને આ વખતે સતત ચાર પરાજય જોયા બાદ ગુજરાત સામે વિજય મેળવીને ફરી વિજયના માર્ગે આવી ગયું છે.
બુધવારની મૅચ લખનઊ (LUKHNOW)માં ભારતરત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવાની છે અને આ ગ્રાઉન્ડ પર યજમાન લખનઊની ટીમ 2025ની સીઝનની શરૂઆતથી માંડીને અત્યાર સુધીમાં નવમાંથી માત્ર બે મૅચ જીતી છે એટલે અહીં ઇતિહાસ રિષભ પંતની ટીમની તરફેણમાં નથી એ જોતાં એણે બુધવારે જીતવા માટે કમર કસવી પડશે અને નાનામાં નાની ભૂલ ન થાય એની તકેદારી રાખવી પડશે.
PTI
લખનઊની પિચ કેવી છે?
લખનઊના એકાના સ્ટેડિયમની પિચ લાલ માટીથી બનાવવામાં આવી છે. એના પર બોલરને સારા બાઉન્સ મળે છે તેમ જ વિકેટકીપરે પણ બૅટ્સમૅન દ્વારા ચૂકી જવાતા બૉલ ઝીલવામાં ખાસ કોઈ સંઘર્ષ નથી કરવો પડતો. જોકે અસહ્ય ગરમીને કારણે પિચ સૂકી થઈ જવાની સંભાવના છે. અહીં રિષભ પંતના સુકાનમાં લખનઊની ટીમ પ્રથમ બૅટિંગ સાથે જે બે મૅચ રમી છે એમાં અનુક્રમે માત્ર 141 રન અને 164 રન કરી શકી છે અને એ બન્નેમાં પરાજિત થઈ છે. બુધવારે પ્રથમ બૅટિંગ આવશે તો લખનઊએ ધુંઆધાર બૅટિંગથી 200 જેટલા રન તો કરવા જ પડશે.
બન્નેની સંભવિત ટીમઃ
લખનઊઃ રિષભ પંત (કૅપ્ટન, વિકેટકીપર), મિચલ માર્શ, એઇડન માર્કરમ, આયુષ બદોની, મૅથ્યૂ બ્રીટ્ઝકે/નિકોલસ પૂરન, હિમ્મત સિંહ, મુકુલ ચૌધરી, એમ. સિદ્ધાર્થ/શાહબાઝ અહમદ, મોહમ્મદ શમી, પ્રિન્સ યાદવ, આવેશ ખાન/મયંક યાદવ અને (12મો પ્લેયર) મોહસિન ખાન.
રાજસ્થાનઃ રિયાન પરાગ (કૅપ્ટન), યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિમરૉન હેટમાયર, ડૉનોવાન ફરેરા, રવીન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, રવિ બિશ્નોઈ, નેન્ડ્રે બર્ગર, યશ રાજ પુન્જા અને (12મો પ્લેયર) બ્રિજેશ શર્મા/સંદીપ શર્મા.