Thu Jul 23 2026

Logo

ભુજમાં લોટસ રિંગરોડ પરથી દબાણો હટાવાયાં: વહીવટી તંત્ર અને સ્થાનિકો વચ્ચે ભારે ઘર્ષણ

2026-05-27 10:25:00
Author: mumbai samachar team
Article Image

ભુજઃ શહેરના લોટસ રિંગરોડ પર આવેલા વાલ્મીકિ નગરમાં ભુજ શહેરી વિકાસ સત્તા મંડળ (ભાડા) દ્વારા હાથ ધરાયેલી દબાણ હટાવ કામગીરી દરમિયાન તંત્ર અને સ્થાનિકો વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું હતું. 

માર્ગ અને મકાન વિભાગ દ્વારા રિંગરોડ વિસ્તૃતીકરણની ચાલી રહેલી કામગીરી અંતર્ગત નડતરરૂપ દબાણો દૂર કરવા ‘ભાડા’ દ્વારા એક માસ પૂર્વે નોટિસ આપવામાં આવી હતી. જેના અનુસંધાને આજે બપોરે પોલીસ બંદોબસ્ત સાથે નગરપાલિકા અને અન્ય વિભાગોના સંકલનથી બુલડોઝર ફેરવી દબાણો તોડી પડાયાં હતાં.

આ કાર્યવાહીનો ઉગ્ર વિરોધ કરતાં સ્થાનિક રહેવાસીઓએ આક્રોશપૂર્વક આક્ષેપ કર્યો હતો કે, વગદારોને સાચવવા માટે ગરીબ પરિવારોના આશિયાના ઉજાડવામાં આવી રહ્યા છે. અગાઉના કલેક્ટરે આપેલી ખાતરી છતાં તેમની બદલી થતાં જ આ ઓચંતી ઝુંબેશ શરૂ કરાઈ છે. 

કામગીરી દરમિયાન વિરોધ પ્રદર્શન કરનારા સ્થાનિકોની પોલીસે અટકાયત કરી હતી. ‘ભાડા’ના અધિકારી મહેશ્વર ઠાકુરના જણાવ્યા મુજબ, નોટિસ આપ્યા બાદ આ કાર્યવાહી કરાઈ છે અને કેટલાક લોકોએ મુદત માગતાં બાકી રહેલાં દબાણો હટાવવા એક સપ્તાહ બાદ પુનઃ ઝુંબેશ યોજાશે.

(ઉત્સવ વૈદ્ય)