Mon Aug 31 2026

Logo

PM મોદીનો મધ્ય એશિયા માટે માસ્ટરપ્લાન: ઉઝ્બેકિસ્તાન અને કિર્ગિસ્તાનના પ્રવાસ માટે શનિવારે રવાના થશે, SCO સમિટમાં લેશે ભાગ

2026-08-27 20:22:00
Author: Mumbai Samachar Team
PM મોદીનો મધ્ય એશિયા માટે માસ્ટરપ્લાન: ઉઝ્બેકિસ્તાન અને કિર્ગિસ્તાનના પ્રવાસ માટે શનિવારે રવાના થશે, SCO સમિટમાં લેશે ભાગ

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં ઉઝ્બેકિસ્તાન તથા કિર્ગિસ્તાનના પ્રવાસે રવાના થશે. આ માટે ખાસ યોજના તૈયાર કરવામાં આવી છે. આ વિદેશ યાત્રામાં તેઓ જુદા-જુદા વિષય સંબંધિત મુદ્દાઓની વાતચીત કરી શકે છે. એમની વિદેશયાત્રાનો શેડ્યુલ શૅર કરવામાં આવ્યો છે. ઉઝ્બેકિસ્તાન અને કિર્ગિસ્તાન બન્ને મધ્ય એશિયાના સૌથી મોટા તેમ જ મહત્ત્વના દેશ છે. મોદી કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં આયોજિત થનારા એક ખાસ કાર્યક્રમમાં હાજરી આપશે. 

ખાસ બેઠકમાં ભાગ લેશે મોદી

શાંઘાઈ સહયોગ સંગઠનની એક ખાસ બેઠકમાં તેઓ હાજરી આપશે. સંઘાઈ સહયોગ સંગઠન (SCO) સંમેલન દરમિયાન મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે ટૂંકી મુલાકાત થઈ શકે છે. વિદેશ મંત્રાલયના સચીવ સિબી જોર્જે જણાવ્યું હતું કે, વડા પ્રધાન મોદી 29થી 30 ઓગસ્ટ સુધી ઉઝ્બેકિસ્તાનની યાત્રા પર રહેશે. 

ઉઝ્બેકિસ્તાનના રાષ્ટ્રપતિના આમંત્રણ પર મોદીએ આ યાત્રાનું આયોજન કર્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને ઉઝ્બેકિસ્તાનના દ્વિપક્ષીય સંબંધો, વ્યાપાર તથા સંબંધો ખૂબ સારા બની રહ્યા છે. 

ભારત અને ઉઝ્બેકિસ્તાને 2011માં પોતાના સંબંધો પર રણનીતિક ભાગીદારી નોંધાવી હતી. એ સમયથી બન્ને દેશ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોમાં વિસ્તાર થયો અને અનેક ક્ષેત્રમાં અવકાશ વ્યાપક થયો. વડા પ્રધાનની આ મુલાકાત ભારત અને ઉઝ્બેકિસ્તાન વચ્ચે વધતી જતી વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે. 

નવા માર્ગો શોધાશે

એવી અપેક્ષા છે કે પરસ્પર હિતના વિવિધ ક્ષેત્રો પર ચર્ચા થશે અને બંને રાષ્ટ્રો વચ્ચે સહયોગ વધારવા માટે નવા માર્ગો શોધવામાં આવશે. આ મુલાકાત ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે લાંબા સમયથી ચાલતા સાંસ્કૃતિક સંબંધો તેમ જ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવામાં શૈક્ષણિક અને લોકો-થી-લોકોના આદાનપ્રદાનની મહત્વપૂર્ણ ભૂમિકાને પ્રકાશિત કરવાની તક પૂરી પાડશે. 

ઉઝ્બેકિસ્તાનની મુલાકાત લીધા પછી, પીએમ મોદી કિર્ગિસ્તાનની યાત્રા કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26મી SCO સમિટમાં ભાગ લેવા માટે તા. 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી બિશ્કેક (કિર્ગિસ્તાનની રાજધાની)ની મુલાકાત લેશે. SCOની સ્થાપના આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદ એમ ત્રણેય દુષ્ટતાઓનો સામનો કરવાના પ્રાથમિક ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી, નોંધનીય છે કે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે તાજેતરમાં રશિયાની મુલાકાત લીધી હતી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી.

શું છે શાંઘાઈ કૉઑપરેશન?

શાંઘાઈ કૉઑપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ને એક આર્થિક અને સુરક્ષા જૂથ તરીકે ઓળખવામાં આવે છે. તેના સભ્યોમાં ભારત, ચીન, રશિયા, પાકિસ્તાન, ઈરાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તજાકિસ્તાન અને ઉઝબેકિસ્તાનનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, SCO સભ્ય દેશોમાં વિશ્વની વસ્તીના આશરે 40 ટકા લોકો રહે છે અને વિશ્વના GDPના 20 ટકા હિસ્સો ધરાવે છે. 

આ સંગઠનની સ્થાપના 2001માં ચીનના શાંઘાઈમાં કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય પ્રાદેશિક સુરક્ષા, આર્થિક સહયોગ અને સાંસ્કૃતિક સંબંધોને પ્રોત્સાહન આપવાનો હતો. વધુમાં, SCO આતંકવાદ અને અલગતાવાદ સામે સામૂહિક લડાઈ પર ભાર મૂકે છે.