Sun May 31 2026

Logo

કચ્છમાં PGVCLની મેગા ડ્રાઈવ: વીજતંત્રએ એક દિવસમાં 6.40 કરોડ વસૂલ્યાં

2026-02-26 18:52:49
Author: Vimal Prajapati
Article Image

ભુજઃ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છમાં બાકીદારો પર તવાઈ બોલાવવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં પશ્ચિમ કચ્છમાં 69.65 કરોડ અને પૂર્વ કચ્છમાં 37 કરોડનું બાકી લેણું વસૂલતા હાથ ધરાયેલી ઝુંબેશ દરમ્યાન માત્ર એક જ દિવસમા પશ્ચિમ કચ્છમાં 3.30 અને પૂર્વ કચ્છમાં 3.10 કરોડ  એમ કુલ મળીને 06.40 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યાં છે.

350થી વધુ ટુકડી દ્વારા મેગા ડ્રાઈવ

વધારે વિગતે વાત કરવામાં આવે તો, પશ્ચિમ કચ્છના કુલ 32 સબડિવિઝનની 350થી વધુ ટુકડીઓ દ્વારા મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ અંતર્ગત સ્થળ પર બાકી રહેલા વીજ બિલોનાં જોડાણો કાપવાની કામગીરી હાથ ધરાઇ હતી. જેમાં પૂર્વ કચ્છમાં 3.10 કરોડ તથા પશ્ચિમ કચ્છમાં 3.30 કરોડ મળી 6.40 કરોડ રૂપિયાની રિકવરી કરવામાં આવી છે. બીજી તરફ, વિભાગીય કચેરી નલિયા દ્વારા એચ.પી.રાઠોડના માર્ગદર્શન હેઠળ વીજ બિલની બાકી વસૂલાત માટે મહાઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં લાઇન કર્મચારીઓની 49 ટુકડીઓએ નખત્રાણા, કોઠારા, રવાપર, દયાપર અને નલિયા વિસ્તારમાં 575 વીજ જોડાણો કાપી નાખ્યાં હતાં.

279 ગ્રાહકોએ તાત્કાલિક બિલ ચૂકવ્યાં

સૂત્રોના જણાવ્યાં પ્રમાણે કોઠારામાં 169, નખત્રાણામાં 110, દયાપરમાં 129, નલિયામાં 115 અને રવાપરમાં 54 જોડાણોનો સમાવેશ થાય છે. આ કડક કાર્યવાહીનાં પગલે 279 ગ્રાહકોએ તાત્કાલિક 29.18 લાખ રૂપિયાના બાકી લેણાં અને 33,300 રૂપિયા પુન: જોડાણ શુલ્ક પેટે ચૂકવી દીધા હતા. આજ રીતે, મુંદરા તાલુકામાં સબ ડિવિઝન-1, સબ ડિવિઝન-2 અને મુંદરા ગ્રામ્ય દ્વારા બાકીદારોના વીજ જોડાણ કાપવા માટે મેદાને ઉતરેલી 10 ટુકડીઓએ 200 જોડાણો કટ કરીને રૂપિયા 15 લાખની વસૂલાત કરી હતી. 

189 ગ્રાહક પાસેથી 21.68 લાખની વસૂલાત થઈ

આ સાથે પીજીવીસએલ-2માં બિલ ન ભરેલા 58 જોડાણ કટ થયાં હતાં અને 189 ગ્રાહકો પાસેથી 21.68 લાખની વસૂલાત થઈ હતી, જ્યારે રૂરલમાં 68 જોડાણો કપાયાં હતાં. આ વિસ્તારમાં રહેણાંક અને વાણિજ્યિક સહિત કુલ 61 લાખની વસૂલાત થઇ હોવાનું એચ.પી.રાઠોડે ઉમેર્યું હતું. 

દરમિયાન, પશ્ચિમ ગુજરાત વીજકંપની લિમિટેડ દ્વારા બાકી વીજ બિલનાં નાણાં સબ-ડિવિઝન ઓફિસની કચેરી પરની બારીઓ તથા વિવિધ ઓનલાઇન માધ્યમો દ્વારા તાત્કાલિક ભરી, ડિસકનેક્શન તથા ત્યારબાદ કરવામાં આવતી રિકનેક્શનની કાર્યવાહી તથા રિકનેક્શન ચાર્જીસમાંથી મુક્તિ મેળવવા અપીલ કરવામાં આવી છે.
(ઉત્સવ વૈદ્ય)