અમિત ત્રિવેદી
શિયાળાની એક મસ્ત સોમવારની સવારે મારો એક ફ્રેન્ડ પોતાની કાર ડ્રાઇવ કરી રહ્યો હતો અને એને લાગ્યું કે આજનો દિવસ કંઈક અલગ છે. એને અચાનક એક વિચિત્ર અનુભવ થયો. રસ્તા પર રોજની જેમ ટ્રાફિક તો નોર્મલ જ હતો, પણ આશ્ચર્યજનક રીતે આજુબાજુ એકદમ શાંતિ હતી! વાહનોનો રોજનો હોર્નનો અવાજ ગાયબ હતો. એને લાગ્યું કે ગાડીઓમાંથી પણ કોઈ અવાજ નથી આવી રહ્યો. એણે ઘણું વિચાર્યું કે આજે મામલો શું છે?
પછી અચાનક એને યાદ આવ્યું કે સવારની ઠંડી હવાથી બચવા માટે એણે કાનમાં કોટન બડ્સ (રૂ ના પૂમડાં) નાખ્યા હતા! આ કોટન બડ્સના લીધે બહારનો ટ્રાફિકનો અવાજ એના સુધી પહોંચી રહ્યો નહોતો. બહારની દુનિયામાં કશું જ નહોતું બદલાયું, પણ એનો પોતાનો અનુભવ આખો બદલાઈ ગયો હતો.
આપણે પણ આપણા જીવનમાં આવી ગોઠવણ ઘણીવાર જોતા હોઈએ છીએ. આવી જ એક જાણીતી વાર્તા ફુટવેર (ચંપલ)ના આવિષ્કારની પણ છે. પગને રસ્તાની ધૂળ-માટીથી બચાવવા માટે એક રાજાએ આખા શહેરમાં કાર્પેટ પાથરવાનો અને રસ્તાઓ પર પાણી છંટાવવાનો હુકમ આપ્યો. પણ આમાંથી કશું કામ ના આવ્યું. છેવટે એક બુદ્ધિશાળી માણસે રાજાને એક જોડી ચંપલ બનાવી આપ્યા.
મોટો બોધપાઠ (લેસન)
આ વાર્તાઓમાંથી રોકાણકારો એ પણ એક મહત્ત્વનો પાઠ શીખવા જેવો છે. જો તમે બહારની દુનિયાના ભય અને જોખમોથી તમારા પૈસાને બચાવવા માગતા હોવ, તો પહેલા બહારના જોખમો ને વાંચો અને સમજો સાથે યાદ રાખો કે તમે બહારના માર્કેટ કે પરિસ્થિતિને બદલી શકવાના નથી, તમારે તમારા પોર્ટફોલિયો માટે એક શીલ્ડ (ઢાલ) તૈયાર કરવી પડશે. બહારના જોખમોને તમે દુનિયામાંથી ક્યારેય પૂરેપૂરા દૂર નથી કરી શકતા. તમે ફક્ત એટલું જ કરી શકો કે એ જોખમોની તમારી નાણાકીય સ્થિતિ (ફાઇનાન્સિયલ સિચ્યુએશન) પર પડતી ખરાબ અસરને ઘટાડી શકો.
ફાઇનાન્સિયલ ઇન્ડસ્ટ્રી પાસે આના ખૂબ જ ઉપયોગી ઉપાય છે. તમારી લાઈફ અને રોકાણમાં આવતા અલગ-અલગ જોખમ સામે રક્ષણ મેળવવા માટે ચોક્કસ ફાઇનાન્સિયલ ટૂલ્સ ઉપલબ્ધ છે:
* મૃત્યુ -બીમારી કે ડિસેબિલિટીના લીધે આવક બંધ થવાનું જોખમ: આ પરિસ્થિતિ સામે રક્ષણ મેળવવાનો સૌથી ઉત્તમ રસ્તો ઇન્સ્યોરન્સ (વીમો) છે.
* પ્રોપર્ટીને નુકસાન થવાનું જોખમ: અહીં પણ યોગ્ય ઇન્સ્યોરન્સ પૉલિસી તમને મોટું નાણાકીય શીલ્ડ આપે છે.
* ઇન્વેસ્ટ કરેલા પૈસા ડૂબી જવાનો ડર: જો તમે પૈસા રોક્યા છે અને એ ગુમાવવાનો ડર લાગે છે, તો એનો શ્રેષ્ઠ ઉપાય ડાઇવર્સિફિકેશન (અલગ-અલગ એસેટ ક્લાસીસમાં પૈસા વહેંચીને ઇન્વેસ્ટ કરવા) છે.
* મોંઘવારી (ઇન્ફ્લેશન)ની અસર: જો મોંઘવારી તમારા સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગને અસર કરી રહી હોય, તો તમારા એક્સપેન્સીસ (ખર્ચ)ને પ્રોપર મોનિટર અને કંટ્રોલ કરો. આના માટે બજેટિંગ કરવું ખૂબ જરૂરી છે. સાથે જ એવા ઇન્વેસ્ટમેન્ટ સોલ્યુશન્સ પસંદ કરો જે લોન્ગ-ટર્મમાં ઇન્ફ્લેશનને સરળતાથી બીટ કરી શકે.
તમારા કંટ્રોલમાં શું છે?
પોતાના પર્સનલ ફાઇનાન્સીસને મજબૂત બનાવવાનો આખો વિષય જ એ વાત પર ટકેલો છે કે કયા જોખમો તમારી સ્થિતિને નુકસાન પહોંચાડી શકે છે અને એની સામે તમે કેવું પ્રોટેક્શન મેળવો છો.
ઘણીવાર લોકો અને ઇન્વેસ્ટર્સ એવા બાહ્ય પરિબળો (એક્સ્ટર્નલ ફેક્ટર્સ) પર વધારે ચર્ચા કરતા હોય છે, જે તેમના કંટ્રોલની બહાર છે, જેમ કે માર્કેટ વોલેટિલિટી કે ગ્લોબલ ઇવેન્ટ્સ. પણ જેના પર, જ્યારે રોકાણકારનો પોતાનો સીધો કંટ્રોલ છે એના વિશે બહુ ઓછી વાત થાય છે.
યાદ રાખો
આખા શહેરના રસ્તાઓ પર કાર્પેટ પાથરવા કરતાં પોતાના પગમાં એક જોડી ચંપલ પહેરી લેવી એ પગને ધૂળથી બચાવવાનો સૌથી બુદ્ધિપૂર્વકનો અને પ્રેક્ટિકલ રસ્તો છે.