Fri Oct 09 2026

Logo

સુરતમાં શોષણ સામે કામદારોનું 'ગાંવ ચલો' આંદોલન ઉગ્ર બન્યું, 10 લાખ કામદારો વતન જતા રહેતાં ઉદ્યોગાની હાલત કફોડી

2026-10-09 10:55:00
Author: Vimal Prajapati
સુરતમાં શોષણ સામે કામદારોનું 'ગાંવ ચલો' આંદોલન ઉગ્ર બન્યું, 10 લાખ કામદારો વતન જતા રહેતાં ઉદ્યોગાની હાલત કફોડી


સુરતઃ સુરતમાં અત્યારે બીજા રાજ્યોમાંથી આવેલા શ્રમિકો પાછા વતન જઈ રહ્યાં છે. તેમને 12 કલાક સુધી કામ કરાવવામાં આવે છે, પરંતુ સામે તેમને રજાઓ આપવામાં આવતી નથી. દિવસના 12-12 કલાક સતત કામ, મહિનાના 30 દિવસ સુધી કોઈ રજા નહીં, અને બીમારી કે થાકના લીધે એક દિવસ રજા લઈએ તોય પગાર કાપી લેવાય! 7-8 મહિના સુધી લોહી-પરસેવો પાડ્યા પછી વતન જવાની રજા માગીએ તો શેઠ પગાર રોકીને ગેટની બહાર કાઢી મૂકે છે. અઠવાડિયામાં માત્ર એક રવિવારની છુટ્ટી માગવા બદલ અઢીસો-ત્રણસો લોકોને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યા. પોલીસ કે તંત્ર પાસેથી પણ માત્ર પોકળ આશ્વાસન મળે છે. આવા બધા આક્ષેપો સાથે આ મજૂરો ‘ગાંવ ચલો’ આંદોલન અંતર્ગત પાછા વતન જઈ રહ્યાં છે. 

રાત-દિવસ મજૂરી કરતા લાખો શ્રમિકોનો આક્રોશ ઉગ્ર બન્યો

આ કોઈ એક કારીગરની વાર્તા નથી, પરંતુ સુરતના કાપડ અને એમ્બ્રોડરી ઉદ્યોગમાં રાત-દિવસ મજૂરી કરતા લાખો શ્રમિકોનો આક્રોશ અને દર્દ છે. કારખાનેદારો દ્વારા કરવામાં આવતા ભયંકર આર્થિક અને માનસિક શોષણ સામે શ્રમિકોએ 'ગાંવ ચલો આંદોલન'નું શરૂ કર્યું છે. સુરત શહેર અને જિલ્લામાંથી અંદાજે 10 લાખથી વધુ શ્રમિકો આ આંદોલનમાં જોડાયા છે, જેના કારણે સુરત રેલવે સ્ટેશન પર ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતી ટ્રેનોમાં ચડવા માટે શ્રમિકોની અભૂતપૂર્વ લાંબી લાઈનો જોવા મળી રહી છે.

મહિનામાં 26 દિવસ કામ કરવા શ્રમિકોની તૈયારી

શ્રમિકોની મુખ્ય માગ અઠવાડિયામાં માત્ર એક સાપ્તાહિક રજા (રવિવાર) ની છે. જોકે, કારખાના માલિકો મહિનાના તમામ 30 દિવસ કામ કરાવવા માટે દબાણ કરી રહ્યા છે. જો મજૂરો દ્વારા રજાની માંગણી કરવામાં આવે તો તેમને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકીઓ આપવામાં આવે છે અને વધુમાં વધુ કામ કરવા માટે દબાણ કરવામાં આવે છે. જેના કારણે આ શ્રમિકો હવે  શહેરની નોકરી છોડીને ગામડે મજૂરી કરવા માટે તૈયાર થયાં છે. 

પીડિત શ્રમિકોએ વર્ણવી પોતાની વ્યથા

માલિકોની ધમકીઓ અને દબાણના કારણે શ્રમિકો માનસિક રીતે પરેશાન થઈ ગયાં છે. એક શ્રમિકે કહ્યું કે, પોતાની રીતે રજા લઈએ તો દિવસનો પગાર કાપી લેવાતો. હવે સુરતમાં આવી ગુલામી કરવા કરતાં ગામ જઈને રેતીમાં કાકડી-ખીરા વાવીને ખેતી કરી લઈશ, પણ અહીં શોષણ સહન નહીં કરું! બીજા એક શ્રમિકે કહ્યું કે, માલિકો શરૂઆતમાં રવિવારની રજા આપવાની હા પાડે છે, ૨ અઠવાડિયા રજા આપે અને પછી જૂની સિસ્ટમ ચાલુ કરી દે છે. પગાર વધારતા નથી અને રજાનો પગાર કાપી લે છે. માલિકે તો સીધું કહી દીધું કે રવિવારની રજા નહીં મળે, જવું હોય તો જઈ શકો છો! મૂળ વાત એ છે કે, પરિવારથી દૂર રહીને કામ કરતા શ્રમિકો હવે આવી ગુલામી કરવા માટે તૈયાર નથી!

શ્રમિકોના આ આક્રોશ વચ્ચે મજૂર યુનિયનો પણ તેમની મદદ માટે આગળ આવ્યા છે. મજૂર યુનિયન દ્વારા સુરત રેલવે સ્ટેશને વતન જઈ રહેલા મજૂરો માટે પાણી અને બિસ્કિટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મજૂર યુનિયનના પ્રતિનિધિએ કહ્યું કે, જ્યારથી મજૂરોએ પોતાનો હક માગવા 'ગાંવ ચલો આંદોલન' શરૂ કર્યું છે, ત્યારથી કારખાના માલિકો વેરભાવ રાખીને શ્રમિકોને હેરાન કરી રહ્યા છે અને ગેરકાયદેસર રીતે નોકરીમાંથી કાઢી રહ્યા છે. આ પ્રકારના અત્યાચારના અસંખ્ય વીડિયો પુરાવા અમારી પાસે ઉપલબ્ધ છે.

સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર ઘેરાતા સંકટના વાદળો

સુરતનો કાપડ અને એમ્બ્રોડરી ઉદ્યોગ દેશ-વિદેશમાં પ્રખ્યાત છે, પરંતુ આ ઉદ્યોગની કરોડરજ્જુ સમાન ઉત્તર પ્રદેશ અને બિહારના શ્રમિકોનું આ રીતે સમૂહમાં પલાયન ઉદ્યોગકારો માટે મોટી ચેતવણી છે. જો કારખાનેદારો સમયસર માનવીય અભિગમ અપનાવીને અઠવાડિક રજા અને યોગ્ય કામના કલાકોની માગણીઓ નહીં સ્વીકારે, તો આગામી દિવસોમાં કારીગરોના અભાવે કરોડો રૂપિયાનો ટેક્સટાઇલ ઉદ્યોગ ઠપ્પ થઈ જવાની પૂરેપૂરી શક્યતા છે.

વધુ જુઓ...