Fri Sep 04 2026

Logo

મેલ મેટર્સઃ પિતૃસત્તાત્મકતા: પુરુષોનું પ્રભુત્વ કે પછી સામાજિક માનસિકતાનો વારસો?

2026-08-27 08:29:00
Author: Ankit Desai
મેલ મેટર્સઃ પિતૃસત્તાત્મકતા: પુરુષોનું પ્રભુત્વ કે પછી સામાજિક માનસિકતાનો વારસો?

 

અંકિત દેસાઈ

સમાજમાં જ્યારે પણ પિતૃસત્તા એટલે કે ‘પેટ્રિયાર્કી’ શબ્દનો પ્રયોગ થાય છે ત્યારે સામાન્ય રીતે ચિત્ર એવું ઊભું કરવામાં આવે છે કે જાણે એક બાજુ શોષક પુરુષ વર્ગ છે અને બીજી બાજુ માત્ર શોષિત સ્ત્રી વર્ગ છે.

તાજેતરમાં રાજકીય અને સામાજિક સ્તરે આ મુદ્દે નવી ચર્ચાઓ શરૂ થઈ છે,પરંતુ જો રાજકારણ અને પક્ષીય માનસિકતાથી ઉપર ઊઠીને તટસ્થતાથી વિચારવામાં આવે તો એક બહુ જ ઊંડો અને સંવેદનશીલ પ્રશ્ન ઊભો થાય છે: શું પિતૃસત્તાત્મક માનસિકતાનું વહન માત્ર પુરુષો દ્વારા જ થયું છે? કે પછી પુરુષોના નામે સામાજિક વ્યવસ્થાનો એક મોટો હિસ્સો પોતાની જવાબદારીઓમાંથી છટકી રહ્યો છે?

આ વિષયને કોઈ એક જાતિનો વિરોધ કર્યા વગર કે કોઈને નીચા દેખાડ્યા વગર કેવળ માનવશાસ્ત્રીય અને સામાજિક દૃષ્ટિકોણથી સમજવો અત્યંત જરૂરી છે.

ઐતિહાસિક રીતે જોઈએ તો પિતૃસત્તા એ કોઈ એક પુરુષ દ્વારા કે રાતોરાત ઘડી કાઢવામાં આવેલી કોઈ ષડ્યંત્રકારી નીતિ નહોતી, પરંતુ તે સદીઓ જૂની સામાજિક, આર્થિક અને સુરક્ષાત્મક જરૂરિયાતોમાંથી જન્મેલી એક વ્યવસ્થા હતી. પ્રાચીન સમયમાં જ્યારે શારીરિક બળ જ જીવન ટકાવી રાખવા, શિકાર કરવા અને પરિવારની સુરક્ષા કરવાનો મુખ્ય આધાર હતું ત્યારે પુરુષની ભૂમિકા પરિવારના ‘રક્ષક’ અને ‘રોજીરોટી કમાનાર’ તરીકે નિર્ધારિત થઈ. 

સામે પક્ષે, બાળઉછેર અને ઘરની સંભાળની જવાબદારી સ્ત્રીના ફાળે આવી. આ શ્રમવિભાજન શરૂઆતમાં વ્યવહારુ હતું, પરંતુ સમય જતાં આ વ્યવહારુ વ્યવસ્થાએ એક રૂઢિચુસ્ત સામાજિક ઢાંચાનું રૂપ લઈ લીધું. આ ઢાંચામાં સત્તા અને નિર્ણય લેવાના અધિકારો પુરુષના હાથમાં કેન્દ્રિત થતા ગયા અને અહીંથી જ ‘પિતૃસત્તાત્મક માનસિકતા’નો જન્મ થયો.

જોકે આ માનસિકતાના પોષણ અને વહનમાં માત્ર પુરુષો જ ભાગીદાર છે તેવું માનવું એ સામાજિક વાસ્તવિકતાની એકતરફી વ્યાખ્યા ગણાશે. જો ઊંડાણપૂર્વક નિરીક્ષણ કરવામાં આવે તો પિતૃસત્તા એ કોઈ પુરુષ જાતિ નથી, પણ એક ‘સંસ્કાર અને કન્ડિશનિંગ’છે, જેનો શિકાર પુરુષ અને સ્ત્રી બંને એકસરખી રીતે થાય છે. ઘરમાં જ્યારે દીકરા અને દીકરી વચ્ચે ભેદભાવ થાય છે ત્યારે મોટાભાગના કિસ્સાઓમાં એ નિર્ણય કે વ્યવહાર ઘરની વડીલ સ્ત્રીઓ જેવી કે માતા કે દાદી  દ્વારા થતો જોવા મળે છે. 

વંશવેલો આગળ વધારવા માટે દીકરાનો જ આગ્રહ રાખવો, દીકરીને ચોક્કસ મર્યાદાઓમાં રહેવાની શિખામણ આપવી અથવા પુત્રવધૂ પર ચોક્કસ સામાજિક નિયમો લાદવા  આ બધું જ ઘણીવાર સ્ત્રીઓ દ્વારા જ સ્ત્રીઓ પર લાદવામાં આવે છે એટલે કે પિતૃસત્તાત્મક સોચનું સિંચન અને જતન સ્ત્રીઓ દ્વારા પણ એટલા જ ઉત્સાહથી થયું છે જેટલું પુરુષો દ્વારા થયું છે.

બીજી તરફ, આ જ પિતૃસત્તાત્મક વ્યવસ્થાના નામે પુરુષોનું શોષણ પણ ઓછું નથી થયું. સામાન્ય રીતે માનવામાં આવે છે કે પિતૃસત્તાથી માત્ર પુરુષોને જ ફાયદો થયો છે, પરંતુ વાસ્તવમાં આ વ્યવસ્થાએ પુરુષો પર પણ અમાનવીય અને ભારે અપેક્ષાઓનો બોજ નાખી દીધો છે. ‘પુરુષ ક્યારેય રડે નહીં’, ‘પુરુષે હંમેશાં મજબૂત રહેવું પડે’, ‘પરિવારની તમામ આર્થિક જવાબદારી પુરુષની જ છે’ આ એવી માનસિકતા છે જેણે પુરુષો પાસેથી તેમની સંવેદનશીલતા અને લાગણીઓ વ્યક્ત કરવાનો હક છીનવી લીધો છે. 

કોઈ પુરુષ જો આર્થિક રીતે સફળ ન થાય તો સમાજ તેને એક નિષ્ફળ વ્યક્તિ તરીકે જુએ છે. આ માનસિક દબાણ એટલું તીવ્ર હોય છે કે પુરુષો પોતાની લાગણીઓ અંદર ને અંદર દબાવી રાખે છે, જેના પરિણામે પુરુષોમાં માનસિક તણાવ અને આત્મહત્યાના કિસ્સાઓ પણ વધતા જોવા મળે છે. આમ જે વ્યવસ્થાને પુરુષપ્રધાન કહેવાય છે તે જ વ્યવસ્થા ઘણીવાર પુરુષો માટે એક અદૃશ્ય જેલ બની જાય છે.

અહીં એ પ્રશ્ર્ન પણ ઉપસ્થિત થાય છે કે શું આ માનસિકતાના નામે ‘ચરી ખાવામાં’ આવ્યું છે? હા, સામાજિક અને રાજકીય સ્તરે આ વ્યાખ્યાનો દુરુપયોગ જરૂર થયો છે. એક તરફ પરંપરાવાદી માનસિકતા ધરાવતા લોકોએ પોતાના સ્વાર્થ અને વર્ચસ્વને ટકાવી રાખવા માટે પિતૃસત્તાને ‘સંસ્કૃતિ’ અને ‘પરંપરા’નું રૂપ આપીને તેનો દુરુપયોગ કર્યો. 

તો બીજી તરફ આધુનિક સમયમાં કેટલાક વર્ગો દ્વારા દરેક સામાજિક કે વ્યક્તિગત નિષ્ફળતાનો દોષનો ટોપલો ‘પિતૃસત્તા’ અને આખી પુરુષ જાતિ પર ઢોળી દેવાની સરળ રીત અપનાવવામાં આવી છે. કોઈ પણ જટિલ સામાજિક સમસ્યાને કેવળ ‘પુરુષશાહી’ કહીને સરળ બનાવી દેવી એ પણ એક પ્રકારની બૌદ્ધિક આળસ છે. પુરુષોને સામૂહિક રીતે ગુનેગાર ઠેરવી દેવાથી વાસ્તવિક સમસ્યાનો ઉકેલ આવતો નથી બલ્કે તેનાથી સમાજમાં પુરુષ અને સ્ત્રી વચ્ચે સંવાદના બદલે અવિશ્વાસ અને સંઘર્ષ ઊભો થાય છે.

આજના આધુનિક અને શિક્ષિત સમાજમાં જરૂરિયાત એ વાતની છે કે આપણે પિતૃસત્તાને ‘પુરુષ વિરુદ્ધ સ્ત્રી’ના ચશ્માંથી જોવાનું બંધ કરીએ. પિતૃસત્તા એ લિંગ (ૠયક્ષમયિ) આધારિત સમસ્યા નથી, પરંતુ વિચારસરણી આધારિત સમસ્યા છે. એક સ્ત્રી પણ પિતૃસત્તાત્મક સોચ ધરાવતી હોઈ શકે છે જો તે અન્ય સ્ત્રીની સ્વતંત્રતાને નકારે; અને એક પુરુષ સંપૂર્ણપણે પિતૃસત્તાથી મુક્ત હોઈ શકે છે જો તે સમાનતા અને સ્ત્રીના આત્મસન્માનમાં વિશ્વાસ ધરાવતો હોય.

આ માનસિકતામાંથી બહાર નીકળવાનો માર્ગ એકબીજા પર દોષારોપણ કરવાનો નથી, પણ સહિયારી જવાબદારી સ્વીકારવાનો છે. પરિવારોમાં ઉછેરની પ્રક્રિયાથી જ પરિવર્તન લાવવું પડશે. દીકરાઓને માત્ર ‘કમાઉ દીકરો’ બનવાના બદલે સંવેદનશીલ માનવી બનવાનું શીખવવું પડશે અને દીકરીઓને માત્ર ‘સહનશીલ’ બનવાના બદલે આત્મનિર્ભર બનવાનું પ્રોત્સાહન આપવું પડશે. શ્રમ અને જવાબદારીઓની વહેંચણી લિંગના આધારે નહીં, પણ ક્ષમતા અને  ઇચ્છાના આધારે થવી જોઈએ.

ઇનશૉર્ટ, પિતૃસત્તાત્મક માનસિકતા એ કોઈ એક જાતિ દ્વારા લાદવામાં આવેલો અત્યાચાર નથી, પરંતુ માનવ સમાજે પોતાની વિકાસયાત્રા દરમિયાન ઊભી કરેલી એક એવી વ્યવસ્થા છે જે હવે આજના સમયમાં અપ્રાસંગિક અને નુકસાનકારક બની ગઈ છે. પુરુષો કે સ્ત્રીઓ  બંનેમાંથી કોઈએ પણ આ માનસિકતાનો ભોગ બનવાની કે તેના નામે એકબીજા સામે આંગળી ચીંધવાની જરૂર નથી. જ્યારે સમાજ પુરુષને તેના અપેક્ષાઓના અતિશય ભારમાંથી મુક્ત કરશે અને સ્ત્રીને તેના અધિકારો અને નિર્ણયશક્તિ આપશે ત્યારે જ એક સ્વસ્થ, સમતુલિત અને સાચા અર્થમાં સમાન સમાજનું નિર્માણ થઈ શકશે.