Fri Oct 02 2026

Logo

પનવેલ-વસઈ રેલવે કોરિડોર મજૂંરીના 'અભાવે' રખડ્યો: એક વર્ષથી પ્રસ્તાવ પેન્ડિંગ

2026-09-09 19:04:04
Author: Mumbai Samachar Team
પનવેલ-વસઈ રેલવે કોરિડોર મજૂંરીના 'અભાવે' રખડ્યો: એક વર્ષથી પ્રસ્તાવ પેન્ડિંગ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મધ્ય અને પશ્ચિમ રેલવે સાથે હાર્બર લાઈનને જોડનારા પ્રોજેક્ટ લોન્ચ કર્યા પછી નિરંતર વિલંબ થવાને કારણે પ્રવાસીઓની નારાજગી વધી છે. વસઈ-વિરારથી પનવેલ અને નવી મુંબઈ તરફ મુસાફરી કરતા લાખો મુસાફરો માટે મહત્વપૂર્ણ ગણાતો પનવેલ-વસઈ સબર્બન રેલવે કોરિડોર હજુ પણ અંતિમ મંજૂરીના અભાવે રખડ્યો છે. મહારાષ્ટ્ર સરકારની મંજૂરી બાદ પ્રોજેક્ટનો પ્રસ્તાવ ઓક્ટોબર 2025માં રેલવે મંત્રાલયને મોકલવામાં આવ્યો હતો, પરંતુ લગભગ એક વર્ષ બાદ પણ આ પ્રસ્તાવને  હજી સુધી કેન્દ્ર સરકાર તરફથી અંતિમ મંજૂરી મળી નથી.

લગભગ 69.2 કિલોમીટર લાંબો આ રેલવે કોરિડોર મુંબઈના પશ્ચિમ અને નવી મુંબઈ વિસ્તાર વચ્ચે સીધી રેલવે કનેક્ટિવિટી સ્થાપિત કરવા માટે મહત્વપૂર્ણ છે. પ્રોજેક્ટ સાકાર થાય તો વસઈ-વિરાર, નાલાસોપારા, પાલઘર તેમજ આસપાસના વિસ્તારોના મુસાફરોને પનવેલ અને નવી મુંબઈ તરફ જવા માટે વધુ સુવિધાજનક રેલવે વિકલ્પ મળી શકે છે. 

હાલમાં આ વિસ્તારો વચ્ચે સીધી ઉપનગરીય રેલવે કનેક્ટિવિટી મર્યાદિત હોવાથી મુસાફરોને વારંવાર ટ્રેન બદલવી પડે છે અને લાંબી મુસાફરી કરવી પડે છે. પરિણામે રોજિંદા પ્રવાસીઓએ હાલાકીભર્યો લાંબો પ્રવાસ કરવાની ફરજ પડે છે.

પનવેલ-વસઈ કોરિડોરને સપ્ટેમ્બર 2025માં મહારાષ્ટ્ર સરકારની સંબંધિત સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ 3 ઓક્ટોબર 2025ના રોજ પ્રોજેક્ટનો પ્રસ્તાવ રેલવે મંત્રાલયને મોકલવામાં આવ્યો હતો. જોકે, સપ્ટેમ્બર 2026 સુધી રેલવે મંત્રાલય તરફથી અંતિમ મંજૂરી મળી નથી.આ કારણે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની આગળની પ્રક્રિયા અટકી છે અને મુસાફરોને હજુ રાહ જોવી પડી રહી છે.

પનવેલ-વસઈ કોરિડોરનું મહત્વ માત્ર રેલવે કનેક્ટિવિટી પૂરતું મર્યાદિત નથી. આ કોરિડોરથી વસઈ-વિરાર અને ઉત્તર મુંબઈના વિસ્તારોને નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરફ જવા માટે પણ વધુ સરળ રેલવે કનેક્ટિવિટી મળી શકે છે. કોરિડોર શરૂ થયા બાદ મુસાફરોને પનવેલ અને નવી મુંબઈ તરફ સીધી અને ઝડપી મુસાફરીનો વિકલ્પ મળશે. આ ઉપરાંત મુંબઈના પશ્ચિમ અને પૂર્વ ભાગો વચ્ચેના પ્રવાસમાં પણ સરળતા આવી શકે છે.

વસઈ-વિરાર, નાલાસોપારા અને પાલઘર વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વસતી અને રહેણાંક વિસ્તારોમાં નોંધપાત્ર વધારો થયો છે. બીજી તરફ મોટી સંખ્યામાં લોકો રોજગાર માટે મુંબઈ, નવી મુંબઈ અને પનવેલ તરફ મુસાફરી કરે છે. આવી સ્થિતિમાં નવી રેલવે કનેક્ટિવિટી ઉભી કરવી જરૂરી બની છે. પનવેલ-વસઈ કોરિડોરથી હાલના રેલવે માર્ગો પરનું દબાણ ઘટાડવામાં પણ મદદ મળી શકે છે.

રાજ્ય સરકારની મંજૂરી બાદ લગભગ એક વર્ષથી પ્રસ્તાવ રેલવે મંત્રાલયમાં પેન્ડિંગ હોવાથી સ્થાનિક મુસાફરો અને આ વિસ્તારના રહેવાસીઓમાં નિરાશા જોવા મળી રહી છે.સ્થાનિક સ્તરે પ્રોજેક્ટને ઝડપથી મંજૂરી આપવાની માગણી કરાઈ રહી છે. 
રેલવે મંત્રાલય તરફથી અંતિમ મંજૂરી મળ્યા બાદ જ પ્રોજેક્ટને આગળની ગતિ મળી શકશે.હાલની સ્થિતિ સ્પષ્ટ છે: પનવેલ-વસઈ સબર્બન રેલવે કોરિડોરને રાજ્ય સ્તરે મંજૂરી મળી ચૂકી છે, પરંતુ કેન્દ્ર અને રેલવે મંત્રાલયની અંતિમ મંજૂરી હજુ બાકી છે.