Sat Jun 20 2026

Logo

અરાઉન્ડ ધ વર્લ્ડ: ગાઇરેન્ગર - નોર્વેની ઓળખ બની ગયેલું ફ્યોર્ડ...

2026-06-20 08:40:00
Author: Pratiksha Thanki
Article Image

 

 

 

- પ્રતીક્ષા થાનકી

 

એકવાર ઓસ્લો પાર કરો પછી નોર્વેમાં જો રોડ ટ્રિપ કરી હોય તો દિવસનો ઘણો હિસ્સો એક ફેરીથી બીજી ફેરી વચ્ચેના રસ્તામાં નીકળે. કાં તો તમે ફ્યોર્ડની બાજુમાં હોવ, અથવા તેની ઉપર. ફેરીનો ઉપરનો હિસ્સો હંમેશાં કોઈ આધુનિક ક્રૂઝના રેસ્ટોરાંથી કમ ન હતો. તેમાં શાંતિથી બેસીને કોફી કે ડ્રિંક અને નાસ્તો પણ મળી જતો. જોકે આ ફેરી તો બસ કે ટ્રેનની જેમ રેગ્યુલર ચાલતી જ, ખ્યાતનામ ફ્યોર્ડ પર સ્પેશિયલ ટૂરિસ્ટ બોટ્સ અને ક્રૂઝ પણ જોવા મળી જ જતાં હતાં. હજી સુધી અમને એ મોકો હાથ લાગ્યો ન હતો. મોટાભાગે જ્યારે મોકો મળતો ત્યારે અમે આખી ગાડી જ બોટ પર લઈને ચઢી જતાં અને અત્યાર સુધીમાં ઘણા દિવસો જરા વરસાદીયું વાતાવરણ પણ રહેલું. સારા, ખુલ્લા, બ્લુ આકાશ નીચે કોઈ ટૂરિસ્ટિક બોટ પર બહાર ઊભાં રહીને વ્યૂની વચ્ચે પાણી પર સરકવાનું પણ અમારા પ્લાનમાં હતું જ. તેના માટે અમારે ગાઇરેન્ગર ફ્યોર્ડ તરફ જવાનું હતું. 

 

સ્ત્રિનથી નીકળીને અમે પહેલાં તો એક ફ્રૂટના ઠેલા પર રોકાયાં. મોટાભાગના યુરોપની જેમ અહીં પણ જાતે બેરી કે બીજાં ફળોની છાબ લઈને જાતે જ પૈસા આપીને નીકળી જવાનું હતું. તેમાં બધે કાર્ડ ન ચાલતાં. અમે મોટાભાગે ક્રેડિટ કાર્ડથી કામ ચલાવતાં. એવામાં નોર્વેજિયન ક્રોનાને કેશમાં કાઢવાની જરૂર જ નહોતી પડી. આ બૂથ પર તાજી નોર્વેજિયન ફાર્મમાં ઊગેલી સ્ટ્રોબેરી જોઈને અમને કેશની જરૂર વર્તાવા લાગી. તે સમયે આસપાસમાં દૂર દૂર સુધી એટીએમ દેખાતું ન હતું. નકશા પર જે દેખાયું ત્યાં સુધી પહોંચવામાં અમારા આખા દિવસનો પ્લાન પડી ભાંગે તેવું હતું. આસપાસમાં ચકલુંય ફરકતું દેખાતું ન હતું. એવામાં અમે ક્રોનામાં જે કિંમત હતી તે જ કિંમતના આશરે યુરો કનવર્ટ કરીને યુરોના સિક્કા મૂકીને સ્ટ્રોબેરી લીધી. ટૂરિસ્ટ આવું ક્યાંક તો કરતાં જ હશે. વળી અમે કિંમત તો ચૂકવી જ હતી, એટલે સ્ટ્રોબેરી શાનથી લઈને ત્યાંથી નીકળ્યાં અને એક ચિઠ્ઠીમાં આવી ઉજ્જડ જગ્યા પર મજેદાર બેરી રાખવા માટે આભાર પણ માન્યો. 

 

નોર્વેમાં આમ તો બારેમાસ ઠંડક હોય જ છે. એવામાં ત્યાં ફ્રૂટ ઊગે છે એ વાત ઓલરેડી નવાઈ લગાડે તેવી હતી. ત્યાંની ક્રોપ સાઇકલ સાવ ટૂંકી રહેતી હોવી જોઈએ. અમે અત્યાર સુધીમાં ત્યાં સુપરમાર્કેટમાંથી કેળાં, બેરીઝ અને બ્રેડ ખરીદતાં. બાકીનાં યુરોપની જેમ અહીં પણ કેળાં તો સેન્ટ્રલ અમેરિકાથી જ આવતાં, પણ બેરી અને ટામેટાં અહીં સ્થાનિક ખેતરોમાં દેખાઈ રહૃાાં હતાં. સફરજન અને નાસપતીનાં વૃક્ષો પણ હતાં જ. બાકી અહીં ફળોમાં બીજું કશું નજરે પડતું નહીં. અમે જ્યારે પણ કોઈ બેરીનું બૂથ દેખાતું ત્યાં રોકાઈને ઉજાણી કરી જ લેતાં. 

 

સ્ટ્રોબેરી ખલાસ થાય તે પહેલાં ગાઇરેન્ગર આવી ગયું. તેના અલગ અલગ સ્ટેજ પરથી ફોટા પડ્યા. પહેલી વાર એકદમ ઊંચા પહાડથી આ ખ્યાતનામ ફ્યોર્ડ દેખાયેલું. તે પછી નીચે ઝિગઝેગ રસ્તા પર ઠેરઠેર ફોટો પોઈન્ટ માટે પાર્કિંગ બનાવેલાં હતાં. અને રસ્તામાં ભલે અમને ખાસ કોઈ જોવા ન મળ્યું હોય, ત્યાં ફોટો પોઈન્ટ પર પેનોરમા વ્યૂ જોવા માટે જમા થયેલાં લોકોની કોઈ કમી ન હતી. એ રસ્તા પર વળાંકો જરા વિચિત્ર અને થોડા ખતરનાક હતા અને ટૂરિસ્ટ બસોની અવરજવર જરા વધુપડતી હતી. એવામાં એકાદ બસ ડ્રાઇવરે તો અમને ગાળો પણ આપી હોય તેવું લાગ્યું, પણ ત્યાં ધીમે અને ધ્યાનથી ચલાવ્યા વિના છૂટકો જ ન હતો. ગાઈરેન્ગરનો આ વ્યૂ કદાચ નોર્વેનો સૌથી ખ્યાતનામ હોઈ શકે. જ્યારે નોર્થ આર્કટિક સર્કલ અને નોર્ધર્ન લાઇટ્સની વાત ન હોય તો, નોર્વેની ઓળખમાં જે યોર્ડની તસવીર વપરાય છે તે આ ગાઇરેન્ગર જ છે. 

 

આ ફ્યોર્ડને કોઈએ બરાબર માપી તોલીને બનાવ્યું હોય તેવું સિમેટ્રિકલ હતું. ઉપરથી નીચે આવતાં અલગ અલગ લેવલ પરથી ફ્યોર્ડને જોયું અને નીચે આવીને કાર પાર્કિંગમાં મૂકી. નીચે તળેટીમાં ફ્યોર્ડ પર અમારે ટૂરિસ્ટ બોટ લેવાની હતી. પહેલી વાર કોઈ બોટ પર નોર્વેમાં ગાડી વિના ચઢી રહૃાાં હતાં. જરા અડવું અડવું લાગી રહૃાું હતું. આ બે કલાકની રાઉન્ડ ટ્રિપ કરાવતી ટૂરમાં ગાઇરેન્ગરની આસપાસની હિલ્સમાં ગોઠવાયેલા જળધોધની મુલાકાત લેવાની હતી. તેના માટે બોટ પર ઓડિયો ગાઈડ પણ ચાલુ જ હતી. જોકે ઓડિયો ક્વોલિટી વધુ મજા આવે તેવી ન હતી. એના કરતાં તો જાતે વાંચનથી જળધોધ વધુ સરળતાથી ઓળખી શકાતા હતાં. ક્યાંક સેવન સિસ્ટર્સ અને ક્યાંક બ્રાઇડ્સ વેઇલ, મોટાભાગના જળધોધનાં નામ તો ટિપિકલ જ હતાં. જ્યાં પણ જુઓ ત્યાં દરેક હિલ પર જળધોધનો અણસાર તો આવી જ જતો હતો. અહીં દરેક વોટરફોલનું તેનું આગવું નામ, તેની પાછળનું લોજિક, પણ સાવ સરળ લાગતું હતું. હવે ભારતમાં સાઉથમાં દૂધસાગર જળધોધ છે જ ને, જ્યાં ફીણના કારણે પાણી રીતસર દૂધ જેવું સફેદ લાગતું હોય. અહીં પણ દરેક જળધોધને તેના પ્લેસમેન્ટના આધારે નામ આપવામાં આવ્યાં હતાં. બરાબર બ્રાઇડની સાથે મેળ ખાય તેવો નજીકનો એકલો જળધોધ તેના વરરાજાની માફક ‘ધ સૂટર’ નામે ઓળખાય છે. 

 

અહીં હાઇ અલ્ટિટ્યુડ ફાર્મિંગ પણ થાય છે, જ્યાં ટેકરીઓ પર ઘેટાં ચરાવવા સાથે ખેડૂતો એક-બે પાક પણ વાવી જ દે છે. આખું ફ્યોર્ડ 15 કિલોમીટર લાંબું છે. અમે મજાથી ડેક પર ફ્યોર્ડની હવાનો આનંદ પણ લઈ લીધો. તે સમયે તો અમને ઢોળાવો પર માત્ર ઘેંટાં જ દેખાયેલાં, પણ ઠંડીમાં, સ્નોમાં ત્યાં પોલર બેર દેખાતાં હોવાની પણ વાત હતી. આ ફ્યોર્ડના જ નામથી જાણીતું ત્યાંનું તળેટીનું ગામ ગાઇરેન્ગર જ્યારે પાછું આવ્યું ત્યારે અમારા દિવસનો પણ અંત આવી રહૃાો હતો. હવે તે રાતના ઘર સુધી જવા માટે ફરી એક ફેરી લેવાની હતી.