અત્યારે આભાસી નાણું ક્રિપ્ટો કરન્સીની કોન્ટ્રોવર્સી ચાલી રહી છે . એ વિવાદના સમાંતરે NFT- નોન ફંગિબલ ટોકનનું નવું તૂત પણ ઉમેરાયું છે ...આ NFT શું છે અને એ રોકાણકારો માટે કેવુંક ઉપકારક અને કેટલું જોખમી છે એ ગીધ નજરે જાણવું જરૂરી છે...
ક્લોઝ અપ - ભરત ઘેલાણી
*NFT દ્વારા સૌથી મોંઘી કિંમતે વેંચાયેલું પેન્ટિંગ ઝવય ખયલિય
*કવિ પિતાની કવિતાનું વાંચન કરતા અમિતાભ: આમાંથી પણ કમાણી થાય...!
આપણી આસપાસ આજે કેટલું બધું બની રહ્યું છે રોજિંદી જિંદગીમાં ય ધારી નહોતી એટલી બધી ઘટના બની રહી છે... ડોનલ્ડ ટ્રમ્પના તરંગી ટૅરિફની સાથે અમેરિકા -ઈઝરાયલ -ઈરાક યુદ્ધ ... એમાંય તમે જો અખબાર જગત સાથે સંકળાયેલા હો તો ઘાંઘાં થઈ જાવ એ ઝડપે બધું બનતું રહે છે. જેનો પહેલાં સરવાળો થતો હતો એ બધાનો હવે ગુણાકાર થવા લાગ્યો છે.!
આ બધા વચ્ચે આર્થિક આપઘાત કરવાના ખુવાર થવાના ઘણા રસ્તા છે. એમાંય બે બે રસ્તા આજે એવા પણ છે, જેમાં તમે અચૂક સફળ નીવડો. આર્થિક આપઘાતના એ બે રસ્તામાંથી એક છે શૅરબજાર અને બીજો છે ક્રિપ્ટોકરન્સી!
શેરબજાર તમને આર્થિક રીતે આબાદ કરી શકે એમ ખુવાર પણ કરી શકે છે. એવું જ આજનું નવું દૂષણ છે આભાસી નાણું ક્રિપ્ટો.
આર્થિક જગત અને શૅરબજારમાં જેમની ઓળખ સૌથી ડાહ્યા માણસ અને સૌથી સ્માર્ટ ઈન્વેસ્ટર તરીકે છે એવા 95 વર્ષીય વૉરેન બફેટને તો આજના નવા આર્થિક દૂષણ એવા ક્રિપ્ટો કરન્સી પર સખત નફરત છે. આજે આશરે 170 અબજ ડૉલરની માલ-મિલકત સાથે સક્રિય બિઝનેસમાંથી લગભગ નિવૃત્તિ લઈ ચૂકેલા વૉરેન બફેટ કહે છે કે ‘બિટકોઈન તો મૂષક મારવાની ઝેરી દવા જેવો છે હું તો મારી મિલકતમાંથી 25 ડૉલર જેવી મામૂલી રકમ સુધ્ધાંનું ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ ન કરું, કારણ કે આ આભાસી નાણું તો ચેપી ગુપ્ત રોગ જેવું છે!’
બીજી તરફ, બીજા દેશોની જેમ આપણી સરકાર પણ અવઢવમાં છે કે ક્રિપ્ટો કરન્સીને સત્તાવાર માન્યતા આપવી કે નહીં. આપણી રિઝર્વ બેન્કના ગવર્નર સંજય મલ્હોત્રા જેવા અનેક આર્થિક નિષ્ણાતો પણ આ ક્રિપ્ટો કરન્સીને લેભાગુ પોન્ઝી સ્કીમ જેવી ગણે છે. ગમે ત્યારે એનો પરપોટો ફૂટી શકે છે..
આજકાલના સાંયોગિક પુરાવા પણ તે તરફ દોરી જાય તેવા છે. જે રીતે ક્રિપ્ટોની બજાર અને શૅર માર્કેટમાં અવારનવાર અંધાધૂંધી ફેલાઈ જાય છે એ જોઈને ભલભલા ખાંટી રોકાણકારોનાંય હ્રદયનાં પાટિયાં બેસી જાય ક્રિપ્ટો અને શૅરબજારના તો પળે પળે પલટાતાં વલણ કાંચિડાનેય શરમાવે તેવાં છે.
આ બધા વચ્ચે, એવી ઝડપથી ઘણું નવું નવું ઉમેરાઈ રહ્યું છે કે આભાસી નાણાં ક્રિપ્ટોની દુનિયા ભૂલભૂલૈયા જેવી બની ગઈ છે. ક્રિપ્ટોના આ ધંધામાં પૂરતા જ્ઞાન-સમજ વગર રસ ધરાવતા લોકો સહેજ ફાયદો-પ્રોફિટ મળતાં ગેલમાં આવી જાય છે. આ વલણ ખતરનાક છે, કારણ કે સરકારી નિયમન વગર ચાલતી આ માર્કેટમાં આંધળું ઈન્વેસ્ટમેન્ટ આત્મઘાતી પુરવાર થઈ શકે. ફરી શાણા અને સફળ રોકાણકાર વૉરેન બફેટના શબ્દો ટાંકીએ તો કહી શકાય : ‘અજ્ઞાન અને ઉધારના પૈસામાં લાલચ ભળે તો એ ડેડલી કોકટેલ બની જાય.’
આટ આટલાં ભયસ્થાનો હોવા છતાં શૅરબજારની જેમ આજે ક્રિપ્ટોનો ક્રેઝ-ગાંડપણ પણ વધી રહ્યું છે. બધાને રાતોરાત અઢળક કમાઈ લેવું છે. સદીઓ પહેલાં આવો જ એક વાયરો જોરશોરથી ફૂંકાયો હતો એને આજે આપણે ક્રિપ્ટો કરન્સી સાથે સરખાવી શકીએ.
મધ્યયુગનો એ માયાવી વાયરો હતો ટ્યૂલિપ ફલાવરનો. જે આપણે ત્યાં ‘કંદ પુષ્પ’ તરીકે ઓળખાય છે એ મૂળ તો તુર્કીનું ફૂલ. યુરોપના શ્રીમંતો એની પાછળ પાગલ. પોતાના માણસોને ખાસ તુર્કી મોકલી ટ્યૂલિપ મંગાવતા. યુરોપના શ્રીમંતો પોતાનાં વૈભવી મહાલય ટ્યૂલિપ ફ્લાવરથી શણગારતા. આ એક ‘સ્ટેટસ સિમ્બોલ’- વિશેષ સામાજિક મોભો ગણાતો. પાછળથી એની ખેતી યુરોપમાં-ખાસ કરીને હોલેન્ડમાં થવા લાગી. શરૂઆતમાં આ પુષ્પો ધનવાનોને પોષાતા. પછી મધ્યમ વર્ગમાંય એની ઘેલછા શરૂ થતાં એનો વેપાર ઝડપથી વધવા લાગ્યો એટલે ઊંચી કિંમતે એની લે-વેંચ થવા માંડી. એ વખતે ટ્યૂલિપની લોકપ્રિયતા એવી વધી ગઈ કે લોકો માનવા માંડ્યા કે આ ફલાવરના ચાહક છે એ વિદેશના શ્રીમંતો એની ખરીદી માટે હોલેન્ડ આવશે. પરિણામે લોકો પોતાના મૂળ કામ ધંધાને છોડીને ટ્યૂલિપના વેપારમાં લાગી ગયા. એ વખતે ટ્યૂલિપ ફૂલની માંગ એવી વધી કે જોઈતી ખપતની સામે માલની જબરી અછત સર્જાઈ. ટ્યૂલિપ ફૂલના આગોતરા સોદા થવા લાગ્યા પરિણામે એની માર્કેટમાં ગજબની તેજી આવી અને પછી આવી દરેક તેજીમાં થાય છે એમ એની પરાકાષ્ઠાએ ટ્યૂલિપના શાણા સટોડિયાઓએ એમાનો સઘળો માલ બજારમાં વહેલો ફૂંકી માર્યો ને માર્કેટ ધડાકાબંધ કડડભૂસ તૂટી પડી, જેમાં હોલેન્ડના અસંખ્ય લોકો પાયમાલ થઈ ગયા.
નાણાંનું આયોજન કઈ રીતે કરવું એના મુંબઈના જાણીતા આર્થિક સલાહકાર ગૌરવ મશરૂવાળા ટ્યૂલિપના એ વર્ષો જૂના ફિયાસ્કાને યાદ કરાવતા ઉમેરે છે કે સમજ્યા-વિચાર્યા વિના ક્રિપ્ટો કરન્સીમાં આજે જે રોકાણ કરવાની ઘેલછા છે એ પેલા ટ્યૂલિપમેનિયા જેવી જ છે. ક્રિપ્ટોનું જો બરાબર નિયમન નહીં થાય તો એની દશા-અવદશા ટ્યૂલિપના વાસી-ગંધાતાં ફૂલ જેવી થઈ જશે..!
કોવિડ વખતનું લૉકડાઉન ઘરબંધીને લીધે ડિજિટલ આર્થિક વ્યવહાર વધ્યો એને પગલે સાઈબર ક્રાઈમમાં પણ વધારો થયો. હવે દૃશ્યમાં વર્ચ્યુલ કરન્સી ક્રિપ્ટોના પ્રવેશ પછી આ સાઈબર ક્રાઈમવાળા ક્રિપ્ટો ક્રાઈમ તરફ વળી ગયા છે. એ જ રીતે, ક્રિપ્ટોની લે-વેચ કરતા બોગસ ક્રિપ્ટો એકસચેન્જમાંય ઉછાળો આવ્યો છે. આ બે ભયસ્થાનની અડફેટમાં કેમ ન આવવું એ વિશે વિચારીએ સમજીએ એ પહેલાં આપણે ત્યાં એક ત્રીજી જ ભયની સીસોટી-ઘંટી વાગવાની શરૂ થઈ ગઈ છે.
એ છે NFT એટલે કે ‘નોન ફંગિબલ ટોકન’ (કોઈ આનો ઉચ્ચાર‘ફંગિબ્લેસ’ પણ કરે છે). એને સરળ શબ્દોમાં સમજાવીએ તો એ એક એવું ટોકન-નિશાની છે, જે બ્લેકચેન તરીકે ઓળખાતી ડિજિટલ માધ્યમથી તૈયાર થાય છે. આ અદ્વિતીય ડિજિટલ ટોકન -સંપત્તિમાં કોઈ ફેરફાર શક્ય નથી. તમે કોઈ પણ કલાકૃતિ-તસવીર-વીડિયો, મ્યુઝિક , ઈત્યાદિને NFT માં પલટાવી ને એને વેંચી શકો. શરત માત્ર એટલી જ કે એનું વેંચાણ માત્ર ક્રિપ્ટો કરન્સીમાં જ થઈ શકે છે.
ઉદાહરણ તરીકે, તમારે કોઈ જાણીતું પેન્ટિંગ તમારા સ્વજન કે મિત્રને ભેટ આપવું હોય તો એને NFT માર્કેટપ્લેસમાંથી ક્રિપ્ટો કરન્સી દ્વારા એ ખરીદી શકો. આવા જ ક્રિપ્ટો તથા NFT ના સંયોજન દ્વારા કાળાં નાણાંની હેરાફેરી હવાલાથી આતંકવાદીઓ સુધી પણ પહોંચી શકે.કઈ રીતે પહોંચે છે એ સમસ્ત પ્રક્રિયા અટપટી છે. કાયાદાના સકંજામાં સહજતાથી એ આવતી નથી, છતાંય આપણી સરકારે અગાઉ એક ક્રિપ્ટો એકસચેન્જ દ્વારા રૂપિયા સાડાચાર કરોડના ગેરકાનૂની વ્યવ્હારને આંતર્યા હતા...
છેલ્લાં એકાદ વર્ષમા-2025માં 35 અબજ ડૉલરનો ધંધો NFT માર્કેટમાં થયો છે, જે એક ધારણા મુજબ 2026ના અંત સુધીમાં વધીને 61 અબજ ડૉલરનો આંક વટાવી જશે... !
આ માર્કેટમાં ખાસ કરીને મોંઘાં ગણાતાં પેન્ટિંસના જ વધુ વેચાણ થયાં છે. પાંચેક વર્ષ પહેલાં ડિજિટલ આર્ટ કેટેગરીમાં ‘The Merge નામનું એક પેન્ટિંગ 91.8 મિલિયન (1 મિલિયન= 10 લાખ ) ડૉલરમાં વેંચાયું હતું. આ અત્યાર સુધીની એ સૌથી વધુ કિંમતે વેંચાયેલું પેન્ટિંગ છે. એ પછી ‘એવરીડેઝ: ધ ફર્સ્ટ 5000 ડેઝ’ નામનું ડિજિટલ પેન્ટિંગ પણ વિક્રમસર્જક 69.3 મિલિયન ડૉલર (આશરે રૂપિયા પાંચ અબજ 40 કરોડ)માં વેંચાયું છે.
હોલિવૂડની જેમ આપણે ત્યાં પણ અમિતાભથી લઈને રજનીકાંત જેવા સુપરસ્ટાર NFT દ્વારા એમની ‘ચીજ’ની રોકડી કરી રહ્યા છે. અમિતજીએ એમના સ્વરમાં રેકોર્ડ કરેલી એમના પિતા હરિવંશરાય બચ્ચનની ‘મધુશાલા’ કવિતાઓનું વેચાણ કર્યું હતું. પિતાની કવિતા વત્તા ઓટોગ્રાફ કરેલાં પોતાની જાણીતી ફિલ્મ્સ પોસ્ટર્સનાં ડિજિટલ વેંચાણ દ્વારા અમિતજી રૂપિયા 7 કરોડ 17 લાખ કમાયા હતા. રજનીકાંત - સલમાન -અક્ષય કુમાર સુધ્ધાંએ આવાં NFTના સેલમાં ઝુકાવ્યું છે!
જો કે આ ક્રિપ્ટો કરન્સી અને NFT થી થતી કમાણી પહેલી નજરે ભલભલાને ચલિત કરી દે એવી છે, છતાંય આર્થિક નિષ્ણાતોના મતે આ બધા ખેલ આખરે તો ખતરનાક જ છે!