કામિની શ્રોફ
De officiële naam is Nederland, niet Holland.The official name is the Netherlands, not Holland. તમે હોલેન્ડમાં નહીં, નેધરલેન્ડ્સમાં આવ્યા છો...
એમસ્ટડેમ એરપોર્ટમાં ઈમિગ્રેશનની લાઈનમાં ઊભા હતા ત્યારે એક ભાઈએ ઉત્સાહમાં પોતાની પત્નીને કહ્યું કે Finally we have arrived in Holland (અંતે આપણે હોલેન્ડ પહોંચી ગયા) ત્યારે એક ડચ (નેધરલેન્ડ્સના લોકો `ડચ પીપલ' તરીકે ઓળખાય છે) ગૃહસ્થે પહેલા પોતાની માતૃભાષા ડચમાં કહ્યું અને કોઈને સમજાયું ન હોવાનો ખ્યાલ આવી જતા એનો ઉપરોકત મુજબ અંગ્રેજીમાં અનુવાદ પણ કરી આપ્યો !
દેશમાં દાખલ થતાની સાથે જ સ્થાનિક લોકોના દેશપ્રેમના એક પહેલુનો પરિચય થઈ ગયો. `નામમાં શું બળ્યું છે?' એવા સવાલનો જવાબ નેધરલેન્ડ્સમાં `બહુ બળ્યું છે' એવો સ્પષ્ટ હતો. નેધરલેન્ડ્સના લોકો માતૃભાષાના વપરાશના અને અન્ય કેટલીક બાબતોના આગ્રહી હોય છે એવું સાંભળ્યું હતું. દેશની ધરતી પર પગ મૂકતાંની સાથે એનો અનુભવ થઈ ગયો. એકસાથે બધાએ ગાંઠ વાળી લીધી કે `અમે નેધરલેન્ડ્સ આવ્યા છીએ.'
હોલેન્ડ નહીં, નેધરલેન્ડ્સ - કેમ?
કોઈ કારણસર વિશ્વના અમુક દેશ કયારેક પ્રચલિત પણ ટેકનિકલી ખોટા નામથી ઓળખાતા હોય છે. યુકે અથવા યુનાઈટેડ કિગડમને અનેક લોકો ઈંગ્લેન્ડ કહેતા હોય છે. યુનાઈટેડ કિગડમ સાર્વભૌમ દેશ છે જ્યારે ઈંગ્લેંડ યુકેના ચાર હિસ્સા પૈકી એક છે. ઈંગ્લેન્ડ, નોર્ધર્ન આયર્લેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્શ મળી યુનાઇટેડ કિગડમ કહેવાય છે.
બીજી તરફ, હોલેન્ડ નામ નેધરલેન્ડ્સની જગ્યાએ ગોઠવાઈ ગયું એનું એક મુખ્ય કારણ એ છે કે સૈકાઓથી હોલેન્ડ ગર્ભશ્રીમંત અને વ્યાપારી પ્રભાવનો પ્રાંત રહ્યો છે. જાણવાની વાત એ પણ છે કે દેશના રાજકારણ અને અર્થતંત્રમાં હોલેન્ડ અગ્રણી ગણાતું આવ્યું છે. ટૂંકમાં એનો પ્રભાવ ઘણો હોવાથી એ દેશનું જાણે કે હુલામણું નામ બની ગયું. વાસ્તવમાં યુરોપનો આ દેશ નેધરલેન્ડ્સ તરીકે ઓળખાય છે. દેશની મોટાભાગની જમીન દરિયાઈ સપાટીથી નીચી હોવાને કારણે એનું નામ નેધરલેન્ડ્સ (નીચાણવાળી જમીન) પડ્યું છે. હોલેન્ડ તો નેધરલેન્ડ્સના 12 પ્રાંત પૈકી બે પ્રાંત છે - ઉત્તર હોલેન્ડ અને દક્ષિણ હોલેન્ડ. એટલે હોલેન્ડ નહીં પણ નેધરલેન્ડ્સ કહેવાનું.
માથા ઉપર પાણી
ગુજરાતી ભાષા કહેવતો અને રૂઢિપ્રયોગોથી સમૃદ્ધ છે. થોડામાં ઝાઝું કહી શકવાની- સમજાવવાની ક્ષમતા એનામાં હોય છે, જેમકે `માથા ઉપર પાણી' એટલે મુશ્કેલી કે સહનશીલતાની હદ પૂરી થઈ જવી અથવા કોઈ પણ સંજોગોમાં પરિસ્થિતિ કાબૂ બહાર જવી એવો ભાવાર્થ છે.જોકે, નેધરલેન્ડ્સના રહેવાસીઓ માથા ઉપર પાણી રૂઢિપ્રયોગને રૂઢ અર્થમાં જીવી રહ્યા છે.વાત એમ છે કે નેધરલેન્ડ્સનો અંદાજે 50 ટકા વિસ્તાર સમુદ્ર સપાટીથી નીચે છે.
દુનિયાના દરેક દેશમાં માથે આભ અને નીચે પાણી હોય, જ્યારે નેધરલેન્ડ્સમાં અનેક ઠેકાણે માથા ઉપર પાણી અને એની ઉપર આકાશ જેવી પરિસ્થિતિ છે. પશ્ચિમ યુરોપમાં બેલ્જિયમ અને જર્મની વચ્ચે સેન્ડવિચ અવસ્થામાં નેધરલેન્ડ્સ છે. દેશની ઉત્તર અને પશ્ચિમ દિશા તરફ 'નોર્થ સી' આવેલો છે. વ્યાપારી હેતુ માટે જહાજોની આવનજાવન અને મત્સઉદ્યોગ માટે નોર્થ સી ખૂબ મહત્ત્વ ધરાવે છે.
જોકે, અર્થતંત્ર મજબૂત બનાવવામાં મદદરૂપ થતો આ સમુદ્ર નેધરલેન્ડ્સ માટે મુસીબત બની શક્યો હોત... પણ ડચ લોકોની સમજદારીએ એમ ન થવા દીધું એ હકીકત છે. ડચ ભાષાની એક જાણીતી ઉક્તિ છે કે `ઈશ્વરે પૃથ્વી બનાવી, પણ ડચ લોકોએ હોલેન્ડ (નેધરલેન્ડ્સ) બનાવ્યું.' આ ઉક્તિનું તાત્પર્ય એટલું જ છે કે છેલ્લી કેટલીક સદીઓથી ડચ એન્જિનિયરોએ નહેર, બંધ, પાળ (તટબંધી) અને પમ્પિંગ સ્ટેશન ઊભા કર્યા હોવાને કારણે નદી અને દરિયાના પાણી દેશ ઉપર નથી ફરી વળ્યાં. પ્લમ્બિંગ અને પાઈપિંગમાં નેધરલેન્ડ્સ વિશ્વનો અગ્રણી દેશ માનવામાં આવે છે. આફતમાં અવસર શોધી કાઢવાની વૃત્તિએ વિષમતામાં નેધરલેન્ડ્સને સક્ષમ દેશ બનાવી દીધો છે. 600 વર્ષ સુધી લાકડાની પવનચક્કીની મદદથી વધારાનું પાણી નહેર અને નદીઓમાં ઠાલવી શકાયું હતું.
ખંભાતના અખાતમાં નેધરલેન્ડ્સની ટેક્નોલોજી:
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના તાજેતરના નેધરલેન્ડ્સના પ્રવાસ દરમિયાન 50 વર્ષ જૂની કલ્પસર યોજના સાકાર થવાના એંધાણ મળ્યા છે. આ યોજનામાં નેધરલેન્ડ્સની ટેકનોલોજીનો ઉપયોગ ખંભાતના અખાતમાં કરવામાં આવશે અને દરિયામાં વહી જતું સાત નદીનું પાણી સરોવરમાં સંગ્રહિત કરવામાં આવશે અને સંભવત: એ વિશ્વનું સૌથી વિશાળ મીઠા પાણીનું સરોવર હશે. આ યોજના સાકાર થશે તો ખંભાત અને સૌરાષ્ટ્ર વિસ્તારને પીવાનું તેમજ સિંચાઈ માટે પાણી મળશે અને એને પગલે વિસ્તારનો વધુ વિકાસ શક્ય બનશે.
વિદેશી આક્રમણ:
નેધરલેન્ડ્સમાં કોઈ પર્વતમાળા નથી કે નથી દેશની નિશ્ચિત સરહદ. પરિણામે વિદેશી આક્રમણનો અનેક વાર સામનો કરી ચુક્યો છે આ દેશ. સૈકાઓ સુધી સ્પેનિશ, સ્કેન્ડિનેવિયન જૂથ, રોમન પ્રજા, ઓસ્ટ્રિયન લોકો વગેરેએ નેધરલેન્ડ્સના વિવિધ વિસ્તાર પર આધિપત્ય ભોગવ્યું હતું. સોળમી સદીમાં ડચ લોકો સ્પેનિશ શાસકોને ભગાડી દેવામાં સફળ થયા અને 1648માં નેધરલેન્ડ્સને સ્વાતંત્ર્ય મળ્યું.
જોકે, ફ્રાન્સના નેપોલિયન બોનાપાર્ટએ સત્તા કબજે કરી, પણ 1814માં ડચ દેશ ફરી સ્વતંત્ર બન્યો. ત્યારબાદ 25 વર્ષ સુધી નેધરલેન્ડ્સ, બેલ્જિયમ અને લક્ઝમ્બર્ગ એ ત્રણ રાષ્ટ્ર એકત્રપણે એક દેશ `કિગડમ ઓફ નેધરલેન્ડ્સ' તરીકે ઓળખાતા હતા. 1839માં બેલ્જિયમ અને નેધરલેન્ડ્સ સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે અસ્તિત્વમાં આવ્યા અને 1890માં લક્ઝમ્બર્ગને સ્વાતંત્ર્ય મળ્યું.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નેધરલેન્ડ્સને અનેક યાતના સહન કરવી પડી હતી. પાંચ વર્ષ સુધી હિટલરના જર્મનીએ નેધરલેન્ડ્સ પર કબજો જમાવી કાળો કેર વર્તાવ્યો હતો. જર્મન સૈનિકોનો પ્રતિકાર કરનારા અને ડચ યહૂદી લોકોને મદદરૂપ થનારા અનેક લોકોની હત્યા કરવામાં આવી હતી.
નેધરલેન્ડ્સની પૂર્વભૂમિકા બાંધવાનો હેતુ આ દેશ કેવી `લડાઈ' લડી આગળ આવ્યો છે એનાથી વાચકોને વાકેફ કરવાનો છે. હવે આપણે દેશના વિવિધ વિસ્તાર, એની લાક્ષણિકતા, એના નયનરમ્ય સ્થળો વગેરેથી વાકેફ થઈશું અને વિસ્મયનો આનંદ લઈશું.