Fri Sep 04 2026

Logo

નેપાળ પૂર: ગુમ થયેલા મહારાષ્ટ્રના નાગરિકોની શોધ માટે MMRCCનું ખાસ અભિયાન

2026-09-02 19:38:06
Author: Mumbai Samachar Team
નેપાળ પૂર: ગુમ થયેલા મહારાષ્ટ્રના નાગરિકોની શોધ માટે MMRCCનું ખાસ અભિયાન

મુંબઈઃ નેપાળમાં આવેલા ભયાનક પૂરમાં ગુમ થયેલા મહારાષ્ટ્રના નાગરિકોને શોધવા માટે મહારાષ્ટ્ર માઉન્ટેનિયર્સ રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટર (MMRCC)એ રાજ્યભરમાં ખાસ ઝુંબેશ શરૂ કરી છે. અનેક પરિવારો હજુ પણ પોતાના સ્વજનોની રાહ જોઈ રહ્યા છે. આવા પરિવારોને યોગ્ય માહિતી અને માર્ગદર્શન મળી રહે તેના માટે આ પહેલ હાથ ધરવામાં આવી છે.

આ અભિયાન હેઠળ MMRCC મહારાષ્ટ્ર સરકાર, નેપાળ પોલીસ અને કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસ સાથે સંકલન કરશે અને હજી સુધી સંપર્ક રહિત હોય તેવા નેપાળ ગયેલા મહારાષ્ટ્રના પ્રવાસીઓની ઓળખ કરવામાં તેમ જ ઓળખાયેલા મૃતદેહોને પરિવાર સુધી પહોંચાડવામાં મદદ કરવામાં આવશે. જિલ્લાસ્તરે AMGMની સંસ્થાઓ પણ અસરગ્રસ્ત પરિવારોનો સંપર્ક કરીને જરૂરી વિગતો એકત્ર કરશે.

પરિવારજનોને સૌપ્રથમ નેપાળ પોલીસની સત્તાવાર વેબસાઇટ પર મૂકવામાં આવેલા અજાણ્યા અને મળી આવેલા મૃતદેહોના ફોટા તથા વિગતો તપાસવાની અપીલ કરવામાં આવી છે. જો તે વેબસાઈટ પર પોતાના સ્વજનની ઓળખ થાય તો પણ MMRCCનું Google Form ભરવાનું રહેશે. આ માહિતીના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

જો ફોટા કે અન્ય વિગતો પરથી ઓળખ ન થાય તો DNA ટેસ્ટ દ્વારા મૃતદેહની ઓળખ કરવામાં આવશે. આ માટે ગુમ થયેલા વ્યક્તિના પ્રથમ-ડિગ્રીના સંબંધીઓ, જેમ કે માતા-પિતા, સંતાન અથવા ભાઈ-બહેનના DNA નમૂના લેવામાં આવશે. સમયસર માહિતી અને DNA નમૂના મળવાથી ઓળખની પ્રક્રિયા ઝડપથી શરૂ કરવામાં મદદ મળશે.

કાઠમંડુ સુધી જવું મુશ્કેલ હોય તેવા પરિવારો માટે MMRCC મહારાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં જ જરૂરી માહિતી અને DNA સંબંધિત વિગતો એકત્ર કરવામાં આવશે. ત્યારબાદ આ માહિતી મહારાષ્ટ્ર સરકાર મારફતે નેપાળ પોલીસ અને ભારતીય દૂતાવાસ સુધી પહોંચાડવામાં આવશે. પરિવારોને ઓળખ થઈ હોય કે નહીં થઈ હોય, MMRCCનું સત્તાવાર Google Form ભરવાની અપીલ કરવામાં આવી છે.

MMRCCનો હેતુ નેપાળ પૂરથી અસરગ્રસ્ત મહારાષ્ટ્રના કોઈ પણ પરિવારને માહિતી કે મદદથી વંચિત ન રહેવા દેવાનો છે. નેપાળના પર્વતીય વિસ્તારોમાં MMRCCના લાંબા અનુભવ અને મહારાષ્ટ્રના નેટવર્કનો આ કામગીરીમાં ઉપયોગ કરવામાં આવશે. સંસ્થાનો પ્રયાસ છે કે ગુમ થયેલા સ્વજનોની ઓળખ અને મૃતદેહોની વતન વાપસીની પ્રક્રિયા શક્ય તેટલી ઝડપથી અને સરળતાથી પૂર્ણ થાય.