Mon May 18 2026

Logo

નવી મુંબઈની કોર્ટે 2018ના હત્યાકેસમાં બે જણને નિર્દોષ જાહેર કર્યા

2026-05-17 18:20:29
Author: Yogesh D Patel
Article Image

થાણે: નવી મુંબઈની કોર્ટે 2018માં એક વ્યક્તિની બેરહેમીથી મારપીટ કરીને તેને મોતને ઘાટ ઉતારવાના કેસમાં ફોરેન્સિક પુરાવાનો અભાવ અને એફઆઇઆર નોંધવામાં વિલંબનો ઉલ્લેખ કરી બે જણને નિર્દોષ જાહેર કર્યા હતા. બેલાપુર કોર્ટના એડિશનલ સેશન્સ જજ મકરંદ માંડવગડેએ શુક્રવારે મોહંમદ અકરમ તફાજ્જુલ ખાન (56) અને અકબર નઝર ઉર્ફે ઇકબાલ ગુલામ મોહંમદ નઝર (38)ને ભારતીય દંડસંહિતાની કલમ 302 (હત્યા) હેઠળના આરોપમાંથી મુક્ત કર્યા હતા.

તપાસકર્તા પક્ષે આક્ષેપ કર્યો હતો કે 30 ઑક્ટોબર, 2018ની સવારે વાશીમાં એપીએમસી ખાતે ગ્રીન પાર્ક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં સઇદ મન્સુરીએ મોહંમદ અકરમ ખાનનું લાકડાનું ટેબલ ઉપાડ્યા બાદ તેમની વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડો મારમારીમાં પરિણમતાં અકરમ ખાન અને અકબર નઝરે મન્સુરીની બેરહેમીથી મારપીટ કરી હતી, જેમાં ગંભીર ઇજાને કારણે તેનું મૃત્યુ થયું હતું.

ટ્રાયલ દરમિયાન બચાવ પક્ષે દલીલ કરી હતી કે ગુનેગારને બચાવવા માટે બંને આરોપીને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. તેમણે એફઆઇઆર દાખલ કરવામાં વિલંબ સહિત પોલીસ તપાસમાં અનેક ખોટતી કડીઓ તરફ આંગળી ચીંધી હતી. સાક્ષીદારોએ દાવો કર્યો હતો કે તેમણે સવારે 10.30 વાગ્યે પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો, પણ સાંજે 4.06 વાગ્યે એફઆઇઆર દાખલ કરવામાં આવ્યો હતો. કોર્ટે નોંંધ્યું હતું કે તપાસકર્તા પક્ષે એફઆઇઆર દાખલ કરવામાં વિલંબ માટે કોઇ સ્પષ્ટતા આપી નહોતી. (પીટીઆઇ)