Mon May 18 2026

Logo

ચારધામ યાત્રા પર જતા યાત્રાળુઓ સાવધાન! હેલિકોપ્ટર અને હોટેલ બુકિંગના નામે મોટી છેતરપિંડી

2026-05-17 20:40:21
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ ચારધામની યાત્રા કરવા જઇ રહેલા ઘણા યાત્રાળુઓને સાયબર ઠગ શિકાર બનાવી રહ્યા છે અને લોકોને આર્થિક નુકસાન પહોંચાડી રહ્યા છે. આ અંગે પોલીસે એક મહત્વપૂર્ણ એડવાઇઝરી જારી કરીને લોકોને સાવધાની રાખવા વિનંતી કરી છે.

રુદ્રપ્રયાગના એસપી નિહારિક તોમરના જણાવ્યા અનુસાર ચારધામના મંદિરો સુધી પહોંચવા માટે ઘણા યાત્રાળુઓ હેલિકોપ્ટર સેવાઓનો ઉપયોગ કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સાયબર ઠગ દર્શન કરવા ઇચ્છુક યાત્રાળુઓને નિશાન બનાવી રહ્યા છે. આ પ્રકારના ઘણા કિસ્સાઓ નોંધાઇ ચૂક્યા છે.

પોલીસે જણાવ્યું કે સાયબર ઠગ નકલી જાહેરાતોનો ઉપયોગ કરીને લોકોને તેમની જાળમાં ફસાવે છે અને તેમના બેંક ખાતા હેક કરે છે. પોલીસે આ સમસ્યાનો સામનો કરવા માટે હેલિકોપ્ટર સંબંધિત કેસોની દેખરેખ માટે એક ખાસ ટીમની રચના કરી છે.

આ ટીમ તેની રચના બાદથી સતત કામ કરી રહી છે અને અત્યાર સુધીમાં લગભગ ૫૫ ઓનલાઇન પ્લેટફોર્મ સામે કાર્યવાહી કરી છે. આ કેસોમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ, વેબસાઇટ, વોટ્સએપ નંબર અને બેંક ખાતાનો પણ સમાવેશ થાય છે. ઘણા લોકો સામે એફઆઇઆર પણ નોંધવામાં આવી છે. તેમજ વધુ તપાસ ચાલી રહી છે.

ચારધામ યાત્રા દરમિયાન હેલિકોપ્ટર બુકિંગ, હોટેલ, વીઆઇપી દર્શન અને યાત્રા નોંધણી વગેરેના નામે ઘણા લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ઠગાઇથી બચવા કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. હેલિકોપ્ટર ટિકિટ, હોટલ બુકિંગ વગેરે માટે હંમેશા સત્તાવાર વેબસાઇટ્સની મદદ લેવી. સોશિયલ મીડિયા લિંક કે વોટ્સએપ મેસેજ પર વિશ્વાસ ન કરવો.

તેમજ ઓફર્સ વગેરેથી સાવધાન રહેવું. કારણ કે સાયબર ઠગ ઘણીવાર ઓરીજિનલ વેબસાઇટ જેવી જ નકલી વેબસાઇટ ચલાવતા હોય છે. ઘણીવાર તો યુઆરએલ પણ સમાન હોય છે. ઉપરાંત ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ્સથી દૂર રહેવું. લોકોને ચારધામ યાત્રા માટે ઓફર્સ અને વીઆઇપી દર્શન વગેરેની લાલચ આપવામાં આવે છે, તેથી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા ટિકિટ બુક કરવાનું ટાળવું જોઇએ.