Mon May 18 2026

Logo

મે મહિનામાં અત્યાર સુધીમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 27,000 કરોડ પાછાં ખેંચ્યા

2026-05-17 18:46:41
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ વૈશ્વિક બૃહદ આર્થિક અને ભૂરાજકીય પરિબળોને ધ્યાનમાં લેતા વિદેશી રોકાણકારોએ સાવચેતીનો અભિગમ અપનાવતા વર્તમાન મે મહિનામાં અત્યાર સુધીમાં ભારતીય ઈક્વિટી માર્કેટમાંથી રૂ. 27,048 કરોડ પાછાં ખેંચ્યા છે. 

આ સાથે જ વર્તમાન કેલેન્ડર વર્ષ 2026માં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોનો કુલ બાહ્યપ્રવાહ રૂ. 2.2 લાખ કરોડની સપાટીએ પહોંચ્યો છે. નોંધનીય બાબત એ છે કે આ બાહ્યપ્રવાહ ગત સમગ્ર વર્ષ 2025નાં રૂ. 1.66 લાખ કરોડનાં બાહ્યપ્રવાહની સપાટી પાર કરી ગયો હોવાનું એનએસડીએલએ એક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. 

પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારાની એકમાત્ર ગત ફેબ્રુઆરીમાં ચોખ્ખી લેવાલી રહેતાં 17 મહિનાનો સૌથી વધુ રૂ. 22,615 કરોડનો આંતરપ્રવાહ રહ્યો હતો. તે પૂર્વે જાન્યુઆરીમાં રૂ. 35,962 કરોડ, માર્ચમાં રૂ. 1.17 લાખ કરોડ અને એપ્રિલમાં રૂ. 60,847 કરોડનો ચોખ્ખો બાહ્ય પ્રવાહ રહ્યો હતો. તેમ જ વર્તમાન મે મહિનામાં પણ અત્યાર સુધીમાં રૂ. 27,000 કરોડનો બાહ્ય પ્રવાહ રહ્યો છે. 

એકંદરે વૈશ્વિક પરિબળોને કારણે આર્થિક અનિશ્ચિતતા, ભૂરાજકીય કટોકટી, ક્રૂડતેલના વધતાં ભાવ, ફુગાવામાં વધારાને કારણે ઊભરતી બજારો પર વધુ માઠી અસર પડવાની ભીતિને કારણે તાજેતરમાં વિદેશી રોકાણકારોનો ચોખ્ખો બાહ્યપ્રવાહ જોવા મળી રહ્યો હોવાનું મોર્નિંગસ્ટાર ઈન્વેસ્ટમેન્ટ રિસર્ચ ઈન્ડિયાના રિસર્ચ મેનેજર હિમાંશુ શ્રીવાસ્તવાએ જણાવ્યું હતું.

ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને બૉન્ડની યિલ્ડમાં વધારો થવાથી વિકસિત બજારોમાં વધુ વળતર છૂટવાની સાથે સલામતીનું પ્રમાણ વધુ રહેવાથી વેચવાલીનું દબાણ વધુ રહેતું હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે વૈશ્વિક સ્તરે ફુગાવો વધવાની સાથે અનિશ્ચિતતા વધવાથી કેન્દ્રવર્તી બૅન્કો વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા પાતળી થવાને કારણે પણ રોકાણકારો રોકાણ છૂટા કરી રહ્યા છે. 

જિઓજીત ઈન્વેસ્ટમેન્ટના ચીફ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી. કે વિજયકુમારે જણાવ્યું હતું કે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની અવિરત વેચવાલી અને ચાલુ ખાતાની વધી રહેલી ખાધ રૂપિયા પર વધુ દબાણ લાવી રહી છે. આ વર્ષના આરંભે ડૉલર સામે રૂપિયો 90 આસપાસ હતો તેની સામે ગત 15મી મેના રોજ રૂપિયો 96ની સપાટી કુદાવીને 96.14 સુધી પહોંચ્યો હતો. જો આગામી દિવસોમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી જળવાઈ રહેવાની સાથે ક્રૂડતેલના ભાવ વધતાં રહેશે તો રૂપિયો વધુ નબળો પડશે.