અમદાવાદઃ અમદાવાદનું નરોડા પોલીસ સ્ટેશન ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. ડી-સ્ટાફમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જનક દેસાઈનો લિસ્ટેડ બુટલેગર મહંમદ હારુન સાથેની વાતચીતનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઓડિયોમાં કોન્સ્ટેબલ દ્વારા અધિકારીઓના નામે રૂ. 3.5 લાખની માંગણી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. સામે બુટલેગર 1.5 લાખ આપવા તૈયાર હોવાનું સંભળાય છે. સમગ્ર મામલે પોલીસની પ્રાથમિક તપાસ બાદ જનક દેસાઈને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.
મળતી માહિતી મુજબ, બે દિવસ અગાઉ એક વાહનમાંથી દારૂની એક પેટી ઝડપાયા બાદ નરોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ અન્ય આરોપીઓના નામ કેસમાં ન આવે અને મામલો સેટલ થઈ જાય તે માટે કોન્સ્ટેબલ અને બુટલેગર વચ્ચે કથિત વાતચીત થઈ હતી. આ જ વાતચીતનો ઓડિયો વાયરલ થયો હોવાનું જણાવાઈ રહ્યું છે.
વાયરલ ઓડિયોમાં પકડાયેલા દારૂના જથ્થામાં ‘રોયલ સ્ટેગ’ બ્રાન્ડનો ઉલ્લેખ કરી વધુ રકમની માંગણી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. કોન્સ્ટેબલ કથિત રીતે રૂ.1.5 લાખની રકમ ઓછી હોવાનું જણાવી ઉપરી અધિકારી સાથે વાત કરીને મામલો રૂ.3 લાખ સુધીમાં પતાવવાનો પ્રયાસ કરવાની વાત કરતો સંભળાય છે. સામે બુટલેગર માત્ર એક પેટી માલ હોવાનું જણાવી રૂ.1.5 લાખથી વધુ રકમ આપવા અસમર્થતા વ્યક્ત કરે છે.
ઓડિયો વાયરલ થતાં પોલીસ કમિશનરથી લઈને ઝોન-4ના ડીસીપી સુધીના અધિકારીઓએ સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં કોન્સ્ટેબલ જનક દેસાઈનો બુટલેગર સાથે સતત સંપર્ક હોવાનું અને કથિત રીતે ઉપરી અધિકારીઓના નામનો ઉપયોગ કરીને આર્થિક લાભ મેળવવા માટે વાતચીત કરવામાં આવી હોવાની શંકા વ્યક્ત થઈ છે.
નોંધનીય છે કે નરોડા વિસ્તારમાં અગાઉ એસએમસીની રેઈડ બાદ નવા પીઆઈએ ચાર્જ સંભાળ્યાને હજુ એક અઠવાડિયું પણ થયું નથી. તેવામાં આ ઓડિયો વાયરલ થતાં પોલીસ વિભાગમાં ચર્ચા શરૂ થઈ છે. સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ જનક દેસાઈની ભૂમિકા શંકાસ્પદ જણાતા તેને સસ્પેન્ડ કર્યા છે. વાયરલ ઓડિયો ક્લિપમાં થયેલી કથિત વાતચીતને પગલે પોલીસ વિભાગની છબીને નુકસાન પહોંચે તેવું વર્તન કર્યાનો પ્રાથમિક નિષ્કર્ષ સામે આવ્યો છે. હવે સમગ્ર મામલાની વધુ તપાસ જી-ડિવિઝનના એસીપીને સોંપવામાં આવી છે.