મુંબઈ: ભારતીય હવામાન વિભાગે પહેલી જૂનથી ચાર જૂન દરમ્યાન મુંબઈમાં છૂટાછવાયા સ્થળોએ વીજળી અને હળવા મધ્યમ વરસાદ અને તેજ પવન સાથે વાવાઝોડાની આગાહી કરી છે. આ સમયગાળા માટે યલો અલર્ટ આપવામાં આવ્યું છે.
મુંબઈગરાએ રવિવારે પ્રી-મોન્સુન શાવરનો અનુભવ કર્યો હતો. રવિવારે વહેલી સવારના વરસાદના ઝાપટાં પડયા હતા, તેને પગલે ગરમીમાં થોડી રાહત થઈ હતી. જોકે હળવા વરસાદ બાદ ફરી સમગ્ર દિવસ દરમ્યાન ગરમી અને ઉકળાટભર્યું વાતાવરણ રહ્યું હતું.
મે મહિના દરમ્યાન વાવાઝોડા અને ઝરમર વરસાદની ચેતવણી બાદ લગભગ આખો મહિનો શુષ્ક વાતાવરણ રહ્યું હતું. જોકે રવિવારે મુંબઈમાં સવારના છથી રાતના નવ વાગ્યા સુધીના ત્રણ કલાકના સમયગાળા દરમ્યાન અનેક વિસ્તારમાં હળવો પડયો હતો. પાલિકાએ આપેલી માહિતી મુજબ દક્ષિણ મુંબઈમાં સરેરાશ ૦.૬૧ મિ.મી. વરસાદ નોંધાયો હતો, જ્યારે પૂર્વ અને પશ્ર્ચિમ ઉપનગરમાં અનુક્રમે પાંચ મિ.મી. અને બે મિ.મી. વરસાદ નોંધાયો હતો.
પાલિકાના આંકડા મુજબ રવિવારે પૂર્વ ઉપનગરમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો, જેમાં ચેમ્બુરમાં ૨૭ મિ.મી., માનખુર્દમાં ૨૨ મિ.મી. અને ઘાટકોપર તથા કુર્લામાં અનુક્રમે ૧૧ મિ.મી. અને ૧૦ મિ.મી. વરસાદ નોંધાયો હતો. સાંતાક્રુઝમાં ૧૭ મિ.મી. વરસાદ નોંધાયો હતો.
પશ્ર્ચિમ ઉપનગરમાં બોરીવલી સહિતના અનેક વિસ્તારમાં શનિવારે મોડી રાતના પણ વરસાદના ઝાપટાં પડી ગયા હતા. એ બાદ રવિવારે વહેલી સવારના ૫.૩૦ વાગ્યાની આસપાસ અંધેરી સહિતના અનેક વિસ્તારમાં હળવા વાવાઝોડા સાથે ટૂંકા પણ તીવ્ર વરસાદની જાણ થઈ હતી.
વહેલી સવારના વરસાદ પડી ગયો હોવા છતાં દિવસના તાપમાન સામાન્ય કરતા વધુ રહ્યું હતું. કોલાબામાં મહત્તમ તાપમાન ૩૫.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતા ૧.૭ ડિગ્રી વધારે હતું. જયારે સાંતાક્રુઝમાં ૩૪.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતા ૦.૯ ડિગ્રી વધારે હતું. કોલાબામાં લઘુતમ તાપમાન ૨૯ ડિગ્રી અને સાંતાક્રુઝમાં ૨૬.૯ ડિગ્રી હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ ઊંચુ રહ્યું હતું. કોલાબામાં ૮૧ટકા અને સાંતાક્રુઝમાં ૮૬ ટકા ભેજ રહ્યો હતો.
ત્રણ વર્ષમાં સૌથી સૂકો મે મહિનો
મુંબઈમાં સામાન્ય રીતે નૈઋત્યના ચોમાસાનું સત્તાવાર આગમન ૧૧ જૂનના થાય છે. જોકે ગયા વર્ષે મુંબઈમાં ૨૬મે, ૨૦૨૫ના જ વરસાદ પડયો અને ચોમાસાનું આગમન થઈ ગયું હોવાની હવામાન વિભાગે જાહેર કર્યું હતું. રવિવારના મે મહિનાના છેલ્લા દિવસે સરેરાશ દિવસ દરમ્યાન ૮.૮ મિ.મી. વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના ડેટા મુજબ છેલ્લા ત્રણ વર્ષમાં આ મે મહિનો સૌથી સૂકો રહ્યો છે.
૨૦૨૫માં મે મહિનાનો રેકોર્ડ
ગયા વર્ષે ૨૬ મેના મુંબઈમાં ચોમાસાનું આગમન થયું હતું અને વરસાદની એન્ટ્રી સાથે જ તેણે છેલ્લા ૧૦૭ વર્ષનો મે મહિનાનો વરસાદનો રેકોર્ડ તોડ્યો હતો. ગયા વર્ષે મે મહિનામાં કોલાબામાં ૫૦૯ મિ.મી. વરસાદ નોંધાયો હતો. તો ગયા વર્ષે ૨૬ મેના જ ચોમાસું બેસી ગયું હતું એ પણ છેલ્લા ૭૫ વર્ષનો રેકોર્ડ ગણાય છે.