Wed Jun 03 2026

Logo

જળાશયોની ઘટતી સપાટીએ વધાર્યું ટેન્શન...

2026-06-03 08:12:34
Author: Sapna Desai
Article Image

સાતેય જળાશયોમાં પાણીની સપાટી ૧૫.૩૦ ટકાએ પહોંચી ગઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: ચોમાસું લંબાઈ જવાની અને પ્રમાણમાં ઓછા વરસાદની શક્યતા વચ્ચે મુંબઈને પાણીપુરવઠો કરતા સાત તળાવોમાં પાણીનો જથ્થો તેમની કુલ ક્ષમતાના ૧૫.૩૦% સુધી ઘટી ગયો છે. મંગળવારે સવારના સાત તળાવોમાં કુલ પાણીનો જથ્થો ૨.૨૧ લાખ મિલ્યન લિટર (૧૫.૩૦%) હતો. પાણીની ઘટતી સપાટીએ પાલિકા પ્રશાસનની ચિંતામાં વધારો કરી દીધો છે. વરસાદ ખેંચાયો તો મુંબઈ પર લાગુ કરવામાં આવેલા ૧૦ ટકા પાણીકાપમાં હજી વધારો થવાની શક્યતા પણ છે.

સાતેય જળાશયોમાં મંગળવારે સવારના ૧૫.૩૦ ટકા જેટલો પાણીનો જથ્થો હતો. વર્તમાન સંગ્રહ છેલ્લા બે વર્ષમાં સમાન તારીખે નોંધાયેલા સ્તર કરતાં વધુ છે. વર્ષ ૨૦૨૫માં ૧.૮૬ લાખ મિલ્યન લિટર (૧૨.૮૯%) અને વર્ષ ૨૦૨૪માં ૧.૦૯ લાખ મિલ્યન લિટર (૭.૫૯%) જેટલું પાણી હતું. છેલ્લા બે વર્ષની સરખામણીમાં આ વર્ષે જળાશયોમાં પાણી વધુ હોવા છતાં ચોમાસાની વિલંબિત પ્રગતિને લઈને ચિંતા રહે એમ છે. 

મુંબઈને પુરવઠો પૂરો પાડતા દરેક સાત જળાશયોમાં  રહેલો પાણીનો જથ્થો ધીમે ધીમે ઘટી રહ્યો છે, તેમાં પણ રાજ્ય સરકારની માલિકીના રહેલા અપર વૈતરણામાં ઉપયોગી પાણીનું પ્રમાણ શૂન્ય પર આવી ગયું છે. તો મોડક સાગરમાં ૩૩.૮૯ ટકા, તાનસામાં ૧૦.૫૮ ટકા, મિડલ વૈતરણામાં ૨૨.૨૧ ટકા, ભાતસામાં ૧૪.૫૭ ટકા, વિહારમાં ૪૫.૭૧ ટકા પાણીનો સ્ટોક બચ્યો છે. 
મુંબઈને તાનસા, ભાતસા, મોડક સાગર, તુલસી, વિહાર, અપર વૈતરણા અને મિડલ વૈતરણા તળાવોમાંથી તેનું દૈનિક પાણી મળે  છે.  

આ જળાશયો  મુંબઈની બહાર અને થાણે અને નાશિક જિલ્લામાં આવેલા છે. બે સૌથી નાના તળાવો તુલસી અને વિહાર સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનમાં સ્થિત છે અને શહેરની પાણીની લગભગ બે ટકા જરૂરિયાત પૂરી કરે છે. શહેરને દૈનિક પાણીના ૫૦ ટકાથી વધુ પાણી માત્ર ભાતસામાંથી આવે છે.દર વર્ષે પાલિકા પ્રશાસનની વિનંતીના આધારે રાજ્ય સિંચાઈ વિભાગ પુરવઠા તળાવો ભાતસા (૧.૪ લાખ મિલ્યન લિટર) અને અપર વૈતરણા (૯૩,૫૦૦ મિલ્યન લિટર) માંથી વધારાના અનામત પાણીના સ્ટોકને મંજૂર કરે છે. જ્યારે વરસાદ અપેક્ષા કરતાં મોડો આવવાનો હોય અથવા નબળું ચોમાસું હોવાની શંકા હોય ત્યારે રિઝર્વ વોટર મુંબઈને પૂરું પાડવામાં આવે છે.

ચોમાસાની તીવ્રતા પર પાણીકાપ આધાર રાખશે
નૈઋુંત્યના ચોમાસાનું હજી કેરલામાં આગમન થયું નથી. તેથી  મુંબઈમાં પણ ૧૧ જૂનની આસપાસ ચોમાસાનું આગમન પાછળ ધકેલાઈ શકે  છે. ઓછા વરસાદની શકયતાને ધ્યાનમાં રાખીને તકેદારીના પગલારૂપે પાલિકા પ્રશાસને પહેલાથી જ સમગ્ર શહેરમાં ૧૦ ટકા પાણીકાપ લાદી દીધો  છે અને વર્તમાન પાણીનો સ્ટોક ઓગસ્ટના પહેલા અઠવાડિયા સુધી ચાલી રહે એટલો હોવાનો દાવો કર્યો છે. જોકે આગામી અઠવાડિયામાં  શહેરની પાણીની સ્થિતિ મોટે ભાગે શરૂઆતમાં ચોમાસાની  તીવ્રતા કેવી રહે છે અને તળાવની સપાટી કેટલી ઝડપે વધે છે તેના પર આગામી દિવસોમાં પાણીકાપમાં વધારો કરવો કે નહીં તે આધાર રાખે છે.

પાણીપુરવઠો ખોરવાયો
મંગળવારે ભાંડુપ વોટર ટ્રીટમેન્ટ કોમ્પ્લેક્સમાં પાવર ફેઈલરને કારણે બી-૧ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની  પંપની કામગીરી ખોરવાઈ હતી, જેના કારણે શહેરમાં પાણીપુરવઠાને અસર થઈ હતી. પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે આઉટેજને કારણે કૉમ્પ્લેક્સમાં  પમ્પિંગ મિકેનિઝમ પર અસર પડી હતી, જેના કારણે પાણીના વિતરણમાં ઘટાડો થયો હતો.

ચાર જૂનથી હળવા ઝાપટાં
ભારતીય હવામાન વિભાગ ત્રણ જૂન માટે મુંબઈ અને થાણે માટે ગરમ અને ભેજવાળા હવામાનની ચેતવણી દર્શાવતી પીળી ચેતવણી જારી કરી છે, જ્યારે ચાર જૂનથી માત્ર હળવા વરસાદની આગાહી કરી છે.

weather mumbai